આફ્રિકા એક થાય તેમાં ભારતને કેટલો ફાયદો?

યા અઠવાડિયે આફ્રિકાના 44 દેશોના સંમેલનમાં મુક્ત વેપાર માટેનો એક કરાર થયો છે. આફ્રિકામાં આંતરિક વેપાર વધે અને આર્થિક વિકાસ ઝડપી બને તેવા ઇરાદા સાથે થયેલા આ કરાર પર ભારતની નજર હોવી જોઈએ, કેમ કે તેના કારણે ભારત જેવા દેશોને પણ ફાયદો થઈ શકે છે. ચીન આફ્રિકામાં સૌથી વધુ સક્રિય છે એટલે સૌથી વધુ લાભ ચીન લઈ જશે. સાથોસાથ ઉત્તર આફ્રિકાના દેશોને યુરોપ નજીક પડે છે અને ફ્રાન્સ અને ઇટલી જેવા દેશોને પણ આફ્રિકા સાથે વેપાર કરવામાં રસ છે. તે સ્પર્ધા પણ ખરી, છતાં ભારત પૂરતા પ્રયાસો કરે તો વિશાળ આફ્રિકન માર્કટનો લાભ મળી શકે છે.

સમગ્ર આફ્રિકાની વસતિ ભારત કરતાંય ઓછી છે – 120 કરોડ. આ વિશાળ ખંડ 55 દેશોમાં વહેંચાયેલો છે અને ઉત્તરમાં 25 ટકા જેટલો વિશાળ વિસ્તાર સહરાના રણમાં રોકાઈ જાય છે. જંગલો પણ આફ્રિકામાં હજી બચ્યા છે એટલે દુનિયાની સરેરાશ કરતાં જંગલની સરેરાશ પણ ટકી રહી છે. આ સંજોગમાં ભારતની જેમ માત્ર ખેતી પર આધાર રાખવાને બદલે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી પર સવારી કરવી પડશે એવું છેલ્લા કેટલાક દાયકાથી આફ્રિકાના નેતાઓ પણ સમજવા લાગ્યા છે.
યુરોપની જેમ આફ્રિકા ખંડમાં વસતિની એક પ્રકારની સમાનતા છે અને યુરોપના દેશો વચ્ચે થયેલી ઉગ્ર લડાઇઓનો ઇતિહાસ પણ એટલો લાંબો નથી. સૌથી વધુ ગુલામી યુરોપની કરવી પડી. સૌથી લાંબો સમય શોષણ પછી આઝાદી મળવા લાગી, કેમ કે ભારત સ્વતંત્ર થયું તે પછી દુનિયામાં બીજા દેશો પર પણ યુરોપિયનો કબજો રાખી શકે તેવી સ્થિતિમાં નહોતો. પરંતુ ભારત એકધારો લોકતંત્રના પથ પર આર્થિક રીતે પણ પ્રગતિ કરતો રહ્યો, પણ તે આફ્રિકામાં શક્ય બન્યું નહોતું. યુરોપિયનો જતી વખતે કબિલાઓ વચ્ચેની લડાઈને ફૂંક મારતા ગયા હતા એટલે લગભગ દરેક દેશમાં આંતરિક લડાઇઓ થઈ હતી. દેશોના ભાગલા પણ પડ્યા અને હાલ 55 દેશો છે.

આ 55માંથી 44 દેશોએ ગત અઠવાડિયે કોન્ટિનેન્ટલ ફ્રી ટ્રેડ એરિયા (સીએફટીએ) ઊભો કરવાનું નક્કી કર્યું છે. આફ્રિકાના દેશોમાં એકતા ઊભી થાય તે માટે 1963થી આફ્રિકન યુનિયન બન્યું હતું, પણ જોઈએ તેવી એકતા આટલા દાયકામાં બની શકી નથી. પણ હવે એક નવી શરૂઆત થઈ રહી છે તેમ આફ્રિકન નેતાઓ કહી રહ્યા છે. રવાન્ડાના કિગાલીમાં એકઠા થયેલા દેશોમાં જોકે 10 અગત્યના દેશો ગેરહાજર હતા. તે દેશોને બાદ કરીને પણ 44 દેશો વચ્ચે આંતરિક વેપાર વધે તેના કારણે આફ્રિકાના આંતરદેશીય વેપારમાં 53.2 ટકા જેટલો ધરખમ વધારો થશે તેવો અંદાજ છે. તેનો ફાયદો ભારતને એટલા માટે થઈ શકે કે દક્ષિણ આફ્રિકા, કેન્યા, યુગાન્ડા જેવા દેશોમાં ભારતીયો દાયકાઓથી વસેલા છે. વેપાર અને ઉદ્યોગ પર તેમની પકડ છે. હવે એક દેશ બીજા દેશમાં માલસામાન સહેલાઇથી મોકલી શકે તેના કારણે આ દેશોના ભારતીય વેપારીઓ અને ઉદ્યોગપતિઓને સ્પર્ધાત્મક લાભ મળવાનો છે. વેપાર વધારવા માટે ભારતીય કંપનીઓનો સહયોગ તેઓ લે તેનાથી ભારતને ફાયદો થાય. ભારતની એરટેલ જેવી કંપની આફ્રિકામાં ટેલિકોમ સેવા આપે છે. ટાટાના વાહનો આફ્રિકાના અનેક દેશોમાં દોડતા જોવા મળે છે. રેલવે અને રસ્તાના બાંધકામના કોન્ટ્રેક્ટ ભારતીય કંપનીઓને મળે છે. જોકે આ બાબતમાં ચીન આગળ નીકળી રહ્યું છે, કેમ કે ચીનની સરકારનું સમર્થન હોવાથી અને ફંડ અપાતું હોવાથી ચીની કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં ભારતીય કંપનીઓથી આગળ નીકળી જાય છે.

આ 44માંથી 27 દેશોએ નાગિરકો માટે પણ સરહદો ખોલી દેવાનો નિર્ણય કર્યો છે. તે વધારે અગત્યનો છે, કેમ કે હવે આ દેશોના નાગરિકો એક બીજા દેશમાં સહેલાઈથી આવનજાવન કરી શકશે. દક્ષિણ એશિયામાં નેપાળ અને ભારતના નાગરિકો સહેલાઈથી આવનજાવન કરી શકે છે, પણ પાકિસ્તાન અને બાંગલાદેશ સરહદે ભારતે ઉલટાની મજબૂત ચોકી રાખવી પડે છે. શ્રીલંકા, માલદિવ અને મ્યાનમાર સાથે પણ આ પ્રકારનો સંબંધ ભારત સ્થાપી શક્યું નથી. તેના કારણે દક્ષિણ એશિયા કે પૂર્વ એશિયામાં આ પ્રકારની સંધિ થઈ શકી નથી.

આફ્રિકામાં જો નાગરિકો એકબીજાના દેશોમાં મુશ્કેલી વિના અવરજવર કરતાં થાય તો ભવિષ્યમાં યુરોપિયન યુનિયન જેવી એકતા તેમનામાં સ્થાપિત થઈ શકે છે. યુરોપિયન યુનિયનને ઊભું કરતા પણ વર્ષો લાગ્યા હતા, એટલે આફ્રિકામાં જે ગતિએ કામ ચાલી રહ્યું છે તે સમજી શકાય તેવું છે. 1963માં પ્રથમ વાર ઓર્ગેનાઇઝેશન ઓફ આફ્રિકન યુનિટી સ્થપાયું હતું. વર્ષો સુધી તેમાં ખાસ કંઈ થયું નહોતું, પરંતુ 2002માં તેમાં મોટા પાયે ફેરફારો સાથે આફ્રિકન યુનિયન તૈયાર થયું. તે આફ્રિકન યુનિયન આટલા વર્ષે માત્ર મુક્ત વેપાર સુધી પહોંચી શક્યું છે. અડધોઅડધ દેશો નાગરિકોની મુક્ત આવનજાવન સુધી પહોંચ્યા છે.

બીજું આફ્રિકા વિશાળ ખંડ હોવાથી સમગ્ર ખંડને એક કરવો મુશ્કેલ છે. ઉત્તર આફ્રિકામાં ઇસ્લામ અને અરબી અસર વધારે છે, દક્ષિણ અને મધ્ય આફ્રિકામાં યુરોપિયન અસરો અને પૂર્વ આફ્રિકામાં સદીઓથી ભારત સહિત એશિયા સાથેના સંબંધોની અસર. આ બધા વચ્ચે ઉત્તર આફ્રિકાનું મંડળ અલગ, દક્ષિણ અને પૂર્વનું અલગ. સૌ પહેલાં કોમન માર્કેટ ફોર ઇસ્ટે એન્ટ સધર્ન આફ્રિકા તૈયાર થયું હતું. સધર્ન આફ્રિકા ડેવલપમેન્ટ કમ્યુનિટી અને ઇસ્ટ આફ્રિકન કમ્યુનિટી એમ બંને અલગ અલગ હતા જ. આ ત્રણેય સંસ્થાઓએ ભેગા મળીને 2008થી ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ માટે પ્રયાસો શરૂ કર્યા હતા. 2012માં આફ્રિકન યુનિયનના વાર્ષિક સંમેલનમાં આખરે સમગ્ર ખંડ માટે મુક્ત વ્યાપારનો કરાર કરવાનું નક્કી થયું હતું અને તેની ડેડલાઇન ત્યારે જ 2017 નક્કી થઈ હતી. 2016 સુધીમાં 21 ટકા વેપાર દેશો વચ્ચે થવા લાગ્યો હતો, જે હવે સીધો ડબલ થઈ જાય તેવી શક્યતા છે.

સિંગલ આફ્રિકન એર ટ્રાન્સપોર્ટ માર્કેટ ઊભી કરવા માટે પણ ગયા જાન્યુઆરીમાં કરાર થયા હતા. તેમાં વધુ દેશો જોડાવા લાગ્યા છે. ભારતીય એરલાઇન્સ કંપનીઓ માટે અહીં પણ તક છે. ભારત જેવા વિશાળ પ્રદેશમાં વિમાની સેવા ચલાવવાનો અનુભવ ભારતીય કંપનીઓને છે. આફ્રિકન કન્ડિશનમાં યુરોપ કે અમેરિકાની એરલાઇન્સ માટે કામ કરવું મુશ્કેલ છે, પણ ભારતીય કંપનીઓને લો-કોસ્ટ વિમાની સેવા આપવાનો અનુભવ છે. જોકે ભારતમાં પણ આટલી મહેનત છતાં વિમાની સેવાનો વ્યાપ ધીમી ગતિએ વધી રહ્યો છે, ત્યારે આફ્રિકામાં તે માર્કેટને ડેલવપ થતા સમય લાગશે. બીજું વસતિ ભારત જેટલી જ થાય, 120 કરોડ, પણ પ્રદેશ બહુ વિશાળ છે. બીજું બધા દેશોનો મળીને 45 કરોડનો મધ્યમ વર્ગ આફ્રિકામાં હોવાનું મનાય છે. પણ આ મધ્યમ વર્ગ હજી માત્ર શોખ ખાતર વિમાની પ્રવાસ કરતો થયો છે તેવું ભારતમાં જોવા મળ્યું છે. નિયમિત વિમાની પ્રવાસ હજી ભારતમાં પણ પરવડે તેમ નથી ત્યારે આફ્રિકામાં હજી વધારે સમય લાગશે.

પરંતુ આ 45 કરોડનો મધ્યમ વર્ગ બિઝનેસમાં બીજી રીતે ઉપયોગી થાય તેવો છે. ભારતીય કન્ઝ્યુમર માર્કેટને પહેલા જાપાનની અને પછી તાઇવાન, કોરિયન કંપનીઓએ કબજે કરી લીધું છે ત્યારે ભારતીય કંપનીઓ આફ્રિકામાં શું કરી શકશે તે એક સવાલ છે. ઓટોમાં પણ ટાટા અને મહિન્દ્રા બંને આફ્રિકામાં સક્રિય છે, પણ જાપાની અને યુરોપિયન કંપનીઓને ટક્કર આપવાનું ભારતમાં જ ભારે પડી રહ્યું છે ત્યારે આફ્રિકામાં એ ટક્કર એટલી જ આકરી રહેવાની છે.
જોકે આફ્રિકામાં દેશો વચ્ચે હજી અસમાનતા છે તેના કારણે કેટલાક દેશો પૂરા દિલથી મુક્ત વેપારમાં જોડાવા માગતા નથી. જેમ કે દક્ષિણ આફ્રિકાનું અર્થતંત્ર મજબૂત હોવાથી, તેની સાથે જોડાયેલા અન્ય દક્ષિણના દેશોનો વેપારમાં હિસ્સો 21 ટકા ટકા જેટલો છે. તેની સામે મધ્ય આફ્રિકાના પછાત રહી ગયેલા દેશોનો હિસ્સો માત્ર 2.1 ટકા છે. પૂર્વના દેશોનો હિસ્સો 13 ટકા જેટલો છે. બીજું આફ્રિકન દેશોમાંથી કોઈનું અર્થતંત્ર એટલું મજબૂત નથી કે એક હદથી વધારે આંતરવેપાર વધે. જેમ કે યુરોપિયન યુનિયનમાં 65 વેપાર દેશો વચ્ચે જ થાય છે, જ્યારે આસિયન દેશો વચ્ચેનો વેપાર માત્ર 23 ટકા છે. આ બંનેની વચ્ચે આફ્રિકન યુનિયનનું સ્થાન નક્કી થશે.

ભારત અને ચીન ઉપરાંત યુરોપ અને તુર્કી સહિતના અરબ દેશોની નજર પણ આફ્રિકામાં રોકાણ કરવા પર છે. ચીન તેમાં આગળ નીકળ્યું છે અને તેની સ્ટ્રેટેજી રસ્તા, સ્ટેડિયમ અને જુદા જુદા દેશોને ભવ્ય સંસદભવન બનાવી આપવાથી આગળ વધીને વિશાળ વિસ્તારમાં ચીની ઔદ્યોગિક વસાહતો ઊભી કરવાની છે.

યુરોપથી નજીક હોવાને કારણે મોરોક્કો જોવા ઉત્તર આફ્રિકામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર મજબૂત છે. તેના કારણે નાઇજિરિયા અને દક્ષિણ આફ્રિકા જેવા બે મોટા દેશોને સ્પર્ધાની ચિંતા છે. રાજકીય સ્થિરતા આફ્રિકામાં વધી રહી છે, પણ સંપૂર્ણ નાબુદ થઈ નથી. પરંતુ હવે આર્થિક બાબતો પર વધારે ધ્યાન આપવાની નીતિના કારણે તે ઓછી થાય છે કે પોતાના દેશનું અર્થતંત્ર વધારે મજબૂત બનાવવા માટે તેમાં વધારો થાય છે તે જોવાનું રહે છે. ભારતના નીતિ નિર્ણાયકો આફ્રિકામાં કેટલો રસ લે છે તે પણ જોવાનું બાકી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]