બરફ પર સરકતું રીંછ બચ્ચું – અસલી કહાની કંઈક અલગ જ છે

સોશિઅલ મીડિયાના દૂષણો વધારે છે અને લાભ અલ્પાંશ છે. એ અલ્પાંશ લાભને પણ લાભ કહેવો કે કેમ તે સવાલ છે. સવાર સવારમાં સુવાક્યો મોકલનારા જોયા વિના ફોરવર્ડ કરતાં હોય છે. ફોરવર્ડિયા વીરો ક્યારેય પોતે સુવાક્યને વાંચ, વિચારે અને સમજે તો તેમનું હિત થશે, ગ્રુપના સભ્યોનું હિત થશે. સાદા માણસોનું સૌથી ઉત્તમ સુવાક્ય છે – કોઈને નડો નહીં. આમ આદમીનું આ ચિંતન અલૌકિક નથી, આપણે જીવીએ છીએ તે લૌકિક દુનિયાના અનુભવમાંથી આવેલું છે.

સાંકડા ડામરના રસ્તા પર ચાલતા જઈ રહ્યા હો અને સામેથી મોટું વાહન આવે ત્યારે તમે રસ્તાની જરાક નીચે ઉતરી જજો. વાહનચાલક બહુ રાજી થશે અને તેમના હાશકારાથી તમારું હૈયું પણ સુખ પામશે. આને કહેવાય કોઈને નડો નહી. તમારા માટે એક ડગલું જમણે નીચે ઉતરી જવું બહુ સરળ છે. તેના કારણે ડ્રાઇવરને થનારી અનુકૂળતા બહુ મોટી છે. તમારી સલામતી જળવાઈ છે તે વધારાનો ફાયદો. માત્ર ચાલીને જતા હો ત્યારે જ નહી, સાંકડા રસ્તે બે પૈડાનું વાહન લઈને જતા હો ત્યારે પણ શક્ય હોય તો ડાબી બાજુ જરાક નીચે ઉતરી જજો તો સૌનું ભલું થશે.
અહીં દાખલો જાહેર રસ્તા પર ફટાકડા ફોડનારા લોકોનો આપવાની જરૂર હતી. શા માટે બધાને નડો છો… પણ જે જનતા માત્ર પોતાના આનંદનું જ વિચારતી હોય તેને આજકાલ સલાહ પણ આપી શકાતી નથી. સામે વચડકા નાખવા આવે છે. તેથી દાખલો આપ્યો ગામડાના સાંકડા રસ્તે ચાલતા માણસનો…

દાખલો આપવાનું નિમિત્ત સોશિઅલ મીડિયામાં વાઇરલ થયેલો એક વિડિયો છે. એક રીંછનું બચ્ચું બરફની ટેકરી ચડી રહ્યું છે. તેની માતા આગળ થઈ ગઈ અને ટેકરી ચડી ગઈ, બચ્ચું પાછળ છે. થોડું ચડે છે અને લસરે છે. ફરી મહેનત કરીને ચડે છે અને ફરી રૂના ઢગલા જેવા બરફના વિશાળ ઢગલા પરથી નીચે સરકે છે. તમે જોયો જ હશે, ના જોયો હોય તો જોઈ લો પહેલાં…

વિડિયો-

httpss://www.youtube.com/watch?v=rhjBXnEFKQs

સાથે કોઈએ મેસેજ પણ મૂક્યો હશે કે વિના યત્ન, નહી ઉદ્ધાર… કરતા જાળ કરોળિયો… પડે તે ચડે… હામ ના હારીશ… મોટાભાગના લોકોએ ધ્યાનથી જોયો નહીં હોય. જોયો હશે તેને વધારે આશ્ચર્ય થયું હશે કે બચ્ચું આખરે ટેકરી ચડી જાય છે અને માતા પાસે પહોંચવામાં જ છે ત્યાં જ ફરી માતા રીંછ જોરથી હાથ હલાવીને જાણે તેને ધક્કો મારતી હોય તેવું લાગે છે. છેક ટેકરીની ટોચે માતા પાસે પહોંચી ગયેલા બચ્ચાને માતાનો વીંઝાયેલા હાથ ફરી નીચે સરકાવી દે છે. આ વખતે છેક નીચે ખડક સુધી લસરી જાય છે. ફરી પ્રયાસ શરૂ, બચ્ચું ફરી ટેકરી ચડવા લાગ્યું અને છેલ્લે માતા અને સંતાન કૂદતાં કૂદતાં આગળ વધી જાય છે. ધ્યાનથી જોનારાએ પોતાની ફિલસોફી ઉમેરી હશે કે માતા કઈ રીતે પોતાના બાળકને જીવનના મુશ્કેલ ચઢાણોનો સામનો કરવાની તાલીમ આપી રહી છે. છેક નજીક આવીને ફરી પાછા પડવું પડે, તો પણ ગભરાવું નહીં અને ફરી પ્રયત્નો આદરવા વગેરે.વિડિયો બંધ બેસે છે, પણ વિડિયો વાઇરલ થયા પછી તેની અસલી કહાની બહાર આવી છે. અહીં વાત પેલી નડવાની છે. મનુષ્ય પૃથ્વી પરની બાકીની જીવસૃષ્ટિને કેવી રીતે નડી રહ્યો છે તેનો આ નમૂનો છે. નવી ટેક્નોલૉજી આવે ત્યારે તેના ફાયદા સાથે ગેરફાયદા પણ થોડા સમયમાં દેખાવા લાગે છે. આ વિડિયો ડ્રોનથી લેવાયેલો છે. ડ્રોન એટલે શું એ તમે જાણતા હશો. પેલું રમકડાના હેલિકોપ્ટર જેવું, બેટરીથી ચાલે અને રિમોટથી થોડી ઊંચાઈ સુધી ઉડાડી શકાય તે. તેમાં કેમેરા મૂકીને ફોટોગ્રાફીનો નવો ટ્રેન્ડ ચાલ્યો છે.

આ વિડિયો રશિયામાં લેવાયેલો છે. રશિયાના બરફીલા પહાડોમાં રીંછની વસતી ઘણી છે. રૂબરૂ ત્યાં જઈને ફોટોગ્રાફી વિડિયોગ્રાફી કરવી એ સાહસનું કામ હોય છે. પણ ડ્રોનથી કામ સહેલું થયું છે. આવા દુર્ગમ વિસ્તારોમાં દૂર બેસીને ડ્રોન ઉડાડીને વિડિયોગ્રાફી થાય છે. એવી જ રીતે આ વિડિયો લેવાયો અને જોતજોતામાં વાઇરલ થઇ ગયો. સાઇબેરિયામાં બરફની વચ્ચે નાના નાના નગરો વસેલા છે. મગાડન કે એવા નામના નગરની નજીક એક ટેકરી પર ડ્રોનથી વિડિયો લેવાયો છે. વન્યજીવનના અભ્યાસુઓએ આ વિડિયો જોયો ત્યારે તેઓ ચોંક્યાં હતાં. તેમને લાગ્યું કે ઊંચી ટેકરી તરફ માદા રીંછ બચ્ચા સાથે અકારણ જાય નહીં. વિડિયો ધ્યાનથી જોયા પછી જાણકારોનું અનુમાન છે કે ડ્રોનને માથે ઊડતું જોઈને માતા રીંછ ભયભીત થઈ હશે. તેથી તે દૂર જવા લાગી. દરમિયાન ડ્રોન પણ તેની તરફ આગળ વધ્યું. બચ્ચું તેની પાસે પહોંચવા આવ્યું હતું ત્યારે કદાચ માતાએ માથે ઝળૂંબતા ડ્રોનનો વધારે ભય લાગ્યો હશે, તેથી તે બચ્ચાને ધક્કો મારીને ફરીથી નીચે મોકલે છે. માથે કશુંક અજાણ્યું ઊડી રહ્યું હોય ત્યારે રીંછ માતા માટે બચ્ચાની સલામતી અગત્યની બની હશે. બીજી શક્યતા એવી પણ છે કે બચ્ચુ નજીક પહોંચી ગયું હતું એટલે તેને ઝડપથી ખેંચીને ઉપર લઇ લેવાની પણ કોશિશ કરી હશે. પણ હાથ તેના સુધી પહોંચ્યો નહીં. સાચી વાત જે હોય તે પણ વિડિયોગ્રાફરની ભારે ટીકા થઈ. ડ્રોનથી વિડિયોગ્રાફી કરીને વન્યજીવનમાં ખલેલ પહોંચાડવાનો આરોપ મૂકાયો. વન્યજીવનની ફિલ્મો વર્ષોથી બનતી આવી છે, પણ તેમાં કેટલીક બાબતોની કાળજી લેવાય છે. દૂરથી ફિલ્મ ઉતારવાની અને વન્ય પ્રાણીઓ વચ્ચે થતાં વ્યવહારમાં વચ્ચે નહીં પડવાનું. શિકારની ફિલ્મો ઉતારતી વખતે નાના બચ્ચાંનો શિકાર થાય તે દ્રશ્ય કદાચ સહન ન થાય, પણ તે જંગલનો, કુદરતનો નિયમ છે તેમ સમજીને શિકારને રોકવા કોશિશ થતી નથી.ડ્રોનને કારણે ઓછા નિષ્ણાત લોકો પણ વિડિયો ઉતારવા લાગ્યાં છે. માથે ડ્રોન અવાજ કરતું ઊડતું હોય તે પ્રાણીઓ માટે નવી વાત છે. જંગલમાં વાહનોમાં ફરતા મનુષ્યોથી પ્રાણીજગત ટેવાયું છે, પણ ડ્રોન કોઈક અજાણી ડરામણી વસ્તુ લાગતી હોવી જોઈએ. ભારે ટીકા પછી વિડિયો ઉતારનારા દિમિત્રી કેદ્રોવે ખુલાસો કર્યો છે કે તેમના ડ્રોનને કારણે માતા ડરી હોય તેવી કોઈ વાત નથી. તેનો દાવો છે કે તેનું ડ્રોન ઘણું ઊચું અને દૂર હતું. બાદમાં એડિટિંગ વખતે ઝૂમ કરીને નજીકથી દ્રશ્ય જોઈ શકાય તેવું કરાયું છે.

જોકે છેલ્લે માથે ઊડી રહેલા ડ્રોન તરફ જોતાંજોતાં રીંછ માતા અને સંતાન કૂદતા કૂદતાં ભાગે છે તે પણ દેખાઇ આવે છે એમ જાણકારો કહે છે. તેનો અર્થ એ કે માથે ડ્રોન ઊડી રહ્યું છે તેની રીંછને ખબર હતી. તે ગભરાઈ હતી અને બચ્ચાની ચિંતા થઈ હતી. વિજ્ઞાનીઓ ચેતવણી આપી રહ્યાં છે કે ડ્રોનનો ઉપયોગ વન્યપ્રાણીઓની ફિલ્મો માટે કરવામાં ખૂબ કાળજીની જરૂર છે.

હકીકતમાં ડ્રોન નવી ટેક્નોલૉજી છે. તેના ફાયદા અને ગેરફાયદા હજી નક્કી થઈ રહ્યાં છે. શરૂઆતમાં ફાયદા જ વધારે દેખાશે, પણ ગેરફાયદા પણ દેખાવા લાગ્યાં છે. શહેરમાં શેરીમાં ઊડતા ડ્રોન શું નુકસાન કરી શકે છે તેની કલ્પના થવા લાગી છે. ડ્રોન બહુમાળી ઇમારતની બારીમાંથી ઘરમાં પણ ઘૂસી શકે છે. ડ્રોનથી હોમ ડિલિવરી કરવાના પ્રયોગો ચાલે છે અને લશ્કરી પ્રયોગો પણ થઈ રહ્યાં છે. ડ્રોનથી ત્રાસવાદી હુમલો કરવાના પ્રયાસો નહીં થાય તેવું કોણ કહે છે…

નોંધ – વિડિયો વધારે ધ્યાનથી જોતા એવું લાગે છે કે બચ્ચું માતાની નજીક પહોંચી ગયું, ત્યારે હાથ જોરથી હલાવતા તે લસરે છે. પછી દ્રશ્ય બદલાય છે અને બચ્ચું લસરીને બહુ નીચે જાય છે તે જગ્યા જુદી છે. મતલબ કે હાથ હલાવ્યો અને બચ્ચું લસર્યું તે વખતે બહુ નીચે નહોતું લસર્યું અને બાદમાં ફરી ઉપર થોડે જમણી તરફ ચડ્યું અને ફરી એક વાર બહુ નીચે સુધી લસર્યું. વિવાદ થયો છે એટલે વધારે ખુલાસા થશે, રાહ જુઓ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]