વિશ્વ હૃદય દિવસ: તમે હૃદયને કેટલું જાણો છો?

પણે દર વર્ષે ૨૯ સપ્ટેમ્બરે વિશ્વ હૃદય દિવસ મનાવીએ છીએ. પરંતુ આપણે આપણાં હૃદયને કેટલું જાણીએ છીએ? જ્યાં સુધી આપણે હૃદયની સમસ્યાઓ અને સાવધાનીઓને જાણીને તેનું પાલન શરૂ ન કરીએ, આ દિવસનું જીવનમાં કોઈ મહત્ત્વ નથી. આવો જાણીએ હૃદયરોગોની ગંભીરતા અને હૃદયને સ્વસ્થ રાખવાનો ઉપાય.

હૃદયરોગો માટે સૌથી જવાબદાર છે આપણી અનિયમિત અને અવ્યવસ્થિત દિનચર્યા, તણાવ, ખોટો આહારવિહાર, પર્યાવરણ, પ્રદૂષણ વગેરે…જેનાથી આ સમસ્યા ઝડપથી વધી રહી છે. અધિકાંશ કિસ્સાઓમાં હૃદયરોગનું પ્રમુખ કારણ હોય છે તણાવ અને મધુમેહ (ડાયાબિટિસ), ઉચ્ચ રક્તચાપ (હાઇ બ્લડ પ્રૅશર) જેવી સમસ્યાઓ. તે હૃદયરોગોને જન્મ આપે છે. નાની ઉંમરથી લઈને વૃદ્ધો સુધીમાં હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓ હોવી એ તો જાણે કે હવે સામાન્ય વાત થઈ ગઈ છે.

પૂરા વિશ્વમાં હૃદયરોગો પ્રત્યે જાગૃતિ પેદા કરવા અને હૃદય સંબંધી સમસ્યાઓથી બચવા માટેના વિભિન્ન ઉપાયો પર પ્રકાશ ફેંકવાના હેતુથી દુનિયાભરમાં દર વર્ષે ૨૯ સપ્ટેમ્બરને વિશ્વ હૃદય દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.

સમગ્ર દુનિયામાં હૃદયાઘાતથી એક કરોડથી પણ વધુ લોકોનું મૃત્યુ થાય છે, તેમાંથી ૫૦ ટકા લોકો હૉસ્પિટલ પહોંચ્યા પહેલાં જ પ્રાણ ત્યાગી દે છે. આથી હૃદયરોગ મૃત્યુ સાથે જોડાયેલું એક મુખ્ય કારણ બની ચૂક્યો છે, જેના માટે જાગૃતિ હોવી ખૂબ જ આવશ્યક છે. જો સમયસર હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓ પર કાબૂ ન મેળવી શકાયો તો વર્ષ ૨૦૨૦ સુધી દર ત્રીજા માણસના મૃત્યુનું પ્રમુખ કારણ હૃદયરોગ જ હશે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે નિમ્નલિખિત ઉપાય સહાયક સાબિત થઈ શકે છે…

  • પ્રતિ દિન અન્ય કાર્યોની જેમ જ વ્યાયામ માટે ખાસ સમય ફાળવો.
  • સવારે અને સાંજે પગપાળા ચાલો.
  • ભોજનમાં મીઠું અને ચરબીની માત્રા ઓછી કરો. વધુ માત્રામાં તે હાનિકારક હોય છે.
  • તાજા ફળ અને શાકભાજીઓને આહારમાં સમાવિષ્ટ કરો.
  • તણાવમુક્ત જિંદગી જીવો. તણાવ વધુ હોય તો યોગ અને ધ્યાન દ્વારા તેને નિયંત્રિત કરો.
  • ધૂમ્રપાન બિલકુલ બંધ કરી દો. તે હૃદયની સાથે અનેક બીમારીઓ લાવે છે.
  • સ્વસ્થ શરીર અને હૃદય માટે ભરપૂર ઊંઘ લો.