દરેક મહિલા માટે અનિવાર્ય એવો ‘મી ટાઈમ’!

જના સમયમાં આપણે મોબાઈલની બેટરી ચાર્જ કરવાનું નથી ચૂકતાં, પણ પોતાને ચાર્જ કરવાનું કેમ અવગણીએ છીએ! સવારે 6 વાગ્યે ઉઠીને ચા-નાસ્તો તૈયાર કરવાનો, બાળકોને સ્કૂલે મોકલવાના, પતિદેવ ઓફિસ ન જાય ત્યાં સુધી નાના-મોટા કામ માટે પણ ઘરમાં દોડાદોડી કરતી મહિલા.કે પછી સવારે ઉઠીને, ચા-નાસ્તો કરીને, ઓફિસ જવામાં મોડું ન થાય તેમ વિચારતા વિચારતા ફટાફટ ઘરની બહાર નીકળતી એક મહિલા.

સવારનો સમય કોઈ પણ મહિલા માટે થકાવનારો હોય છે એ સમજી શકાય. પણ આખો દિવસ થાકની ફરિયાદ કરતા રહીએ તો ક્યાં મેળ આવવાનો? હા, ઘરની અને પરિવારની તમામ જવાબદારી મહત્ત્વની છે તો તમારા માટે એ દિવસનો થોડોઘણો સમય પણ એટલો જ મહત્ત્વનો છે ને!આખરે, તમેહકદાર છો એ સમયના! અને એ પણ તમને ગમે, તમને પસંદ હોય એવી રીતે! જોથોડું પણ પ્લાન કરો તો દિવસની 30 કે 60 મિનીટ તમને રીચાર્જ કરી શકે છે. જેમ‘પાવર નેપ’ પછી તાજગીનો અનુભવ થાય, તેવી જ રીતે આ ગણતરીનો સમય પણ તમને બાકીના સમય માટે વધુ કાર્યક્ષમ અને ખુશનુમા બનાવે છે.

અહીં વાત થઇ રહી છે મહિલાઓના મિત્ર એવા ‘મી ટાઈમ’ વિશે. આ‘મી ટાઈમ’ એટલે‘મારો ટાઈમ’, ‘મારો સમય’ જે સંપૂર્ણપણે મારો હોય! વિચારીને જ કેટલી મજા આવી જાય, નહીં! તમને પણ થતું હશે ને કે દિવસનો થોડો સમય એવો હોય કે જેમાંમને ઈચ્છા થાય તો ટીવી જોઉં, કંઇક ને કંઇક ખાધા કરું, કે પછી કોઈ બૂક વાંચું કે કોઈની સાથે ફોન પર વાત કરું. કે પછી યોગા કે કસરત જ કેમ ન કરું! કંઈ પણ જે મને ગમે, મેરી મરજી.

આ‘મી ટાઈમ’ દરેક મહિલાને પ્રિય હોવો જોઈએ. કારણ કે એ તમારા માટે છે, તમારા પોતાના માટે. એ ટાઈમ પછી 10 મિનીટનો હોય કે 2 કલાકનો. તમેઘણી વાર એવું જોયું હશે કે કોઈ મહિલા તેને ગમતી પ્રવૃત્તિ કરે પછી એકદમ ફ્રેશ દેખાય. તેનો થાક જાણે ઓછો થઇ ગયો તેવું લાગે! કારણ કે ‘મી ટાઈમ’માં તમે જેવા છો, તેવા જ રહો છો. કોઈ બાહ્ય દેખાડો તેમાં નથી હોતો. એ સમય તમે ફક્ત તમારા માટે જીવો છો. એવામાં જો આ ‘મી ટાઈમ’ને તમારા જીવનનું અભિન્ન અંગ બનાવી દેવાય તો તમે દરેક પળ, દરેક દિવસને એન્જોય કરવા લાગશો.

સરળ ભાષામાં કહીએ તો, જેમ કોઈ પણ મશીનનેચોક્કસ સમય પર સર્વિસિંગની જરૂર પડે તેમ આપણી પણ સર્વિસ થવી જોઈએ ને!હા, છ-બાર મહીને, થાક ઉતારવા વેકેશન પર જઈ આવીએ એ અલગ વસ્તુ છે, પણ દરરોજ જો આ ટેવ પાડવામાં આવે તો તમારી અંદર આવતા સકારાત્મકબદલાવને તમારી સાથે તમારી આસપાસના લોકો પણ અનુભવશે. આ‘મી ટાઈમ’ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે, તો બીજી ઘણી રીતે આ ‘મી ટાઈમ’ તમને ફાયદો પણકરાવી શકે છે:

‘મી ટાઈમ’ કેમ જરૂરી છે?

  • તમને તમારી જાત સાથે રૂબરૂ કરાવે છે જે આજના આ ફાસ્ટ સમયમાં જાણે ક્યાંય ખોવાઈ ગયું છે.
  • અન્ય કામ અને સમય માટે તમને સજ્જ બનાવે છે.
  • તમારા નજીકના સંબંધો વધુ મજબૂત બનાવે છે.
  • તમને એક સરળ જીવનથી રૂબરૂ કરાવે છે જ્યાં કોઈ હરીફાઈ નથી.
  • તમારા વિશે વિચારવાનો સમય તમને મળે છે.
  • તમે વધુ કાર્યક્ષમ બનો છો.
  • તમારી ખુશી, તમારું સ્વાસ્થ્ય તમારા માટે કેટલા મહત્ત્વના છે એની તમને જાણ થાય છે.
  • તમારી નબળાઈઓ જાણી, વિચારી શકો છો, કેવી રીતે તેના પર કામ કરશો તેનો પ્લાન કરીશકો છો.
  • ‘મીટાઈમ’ તમને એકાગ્ર બનાવે છે.

અમને ખબર છે કે દરરોજ એવો સમય કાઢવો કે એમાં બધાં જ કામ પડતા મૂકી દો, એ શરૂઆતમાં અઘરું છે. પણ દરરોજનો એક સમય નક્કી કરો કે જ્યારે તમે કોઈ પણ કામ પડતું મૂકીને તમારા માટે જ ફાળવશો. એના માટે તમારે ‘ગિલ્ટ મોડ’માં જતાં રહેવાની કોઈ જરૂર નથી. 24 કલાકમાંથી થોડો સમય તમારા માટે ફાળવવો એક કોઈ પાપ કે ગુનો નથી. તો મક્કમ નિર્ણય કરી દરરોજ એક નિયત સમય તમારા માટે ફાળવો.

  • એ સમયે તમારી જાતને જ પૂછો કે ‘તારે શું કરવું છે? તને શું ગમે છે?’ ડ્રોઈંગ, ટીવી, બૂક, બેકિંગ, કે પછી કંઈ પણ…પછી ભલે ને તે સમય થોડી મિનિટોનો જ હોય, પણ એ સમય તમને હળવા બનાવશે. તમારું સ્ટ્રેસ લેવલ ઓછું કરશે. હા, ઈચ્છા થાય તો મ્યુઝીક ચાલુ કરી ડાન્સના ઠુમકા મારી લો. સો વાતની એક વાત, તમને જે ગમે તે કરો. જીવનના આવનારા ટાસ્ક માટે પોતાની જાતને તૈયાર રાખવી હોય તો આટલું તો કરવું જ રહ્યું અને જોજો, પછી જીવનમાં કેવો સકારાત્મક બદલાવ આવે છે! જોજો પાછા, આ‘મી ટાઈમ’માં તમારા અધૂરા કામ પૂરા કરવા ના બેસી જતાં..

જતાં જતાં…

બની શકે કે આ ‘મી ટાઈમ’ની જરૂરિયાત તમારી આસપાસના લોકો સમજી ન શકે. પણ પહેલું સુખ તે જાતે નર્યા. નક્કી તમારે કરવાનું છે કે ચીડચીડ કરીને દિવસો કાઢવા છે કે પછી હોંશેહોંશે આ જીવનને અને સંબંધોને માણવા છે!