કેટલાક લોકોને જ વધુ ઠંડી કેમ લાગે છે?

ત્તર ભારત અને ગુજરાતમાં ખૂબ જ ઠંડી પડી રહી છે. આવી ઠંડીમાં કબાટમાંથી સ્વેટર અને જેકેટ, મફલર અને ટોપી- સ્કાર્ફ વગેરે બહાર નીકળી રહ્યા છે. ડબલ બૅડ કે સેટીમાં બંધ ધાબળા, રજાઈ, ગોદડાંને પણ મુક્ત ઠંડી હવામાં શ્વાસ લેવાનો મોકો મળ્યો છે! લોકો રાત્રે બહાર જવાનું ટાળી રહ્યા છે. દિલ્લીમાં તો પ્રદૂષણ પણ ખૂબ જ છે, જેથી લોકોને બહાર ન નીકળવાની સલાહ અપાઈ રહી છે.

પરંતુ આવી ધ્રૂજાવતી ઠંડીમાં પણ કેટલાક લોકોને શૉર્ટ, સ્કર્ટ અને ઉપર માત્ર ટીશર્ટ કે ટૉપમાં જોઈએ તો આપણને થાય કે આમને ઠંડી નહીં લાગતી હોય?

આમાં બે પ્રકારના લોકો હોય છે. એક તો એવા લોકો જેમને ઠંડી તો લાગે પરંતુ ફેશનના માર્યા સ્વેટર કે ટોપી પહેરવાનું ટાળે. બીજા એવા પ્રકારના લોકો છે જેમને ઠંડીમાં જલસો પડી જાય. આ બીજા પ્રકારના લોકોને ઉનાળામાં કે ચોમાસામાં ઝાપટું પડી ગયા પછી બાફ નીકળે ત્યારે ખૂબ જ હેરાનગતિ થાય.

અહીં પ્રશ્ન એ થાય કે શા માટે કેટલાક લોકોને ઓછી ઠંડી લાગે અને કેટલાક લોકોને વધુ ઠંડી લાગે? આયુર્વેદ એવું કહે છે વાયુનો દોષ હોય તેમને વધુ ઠંડી લાગે. આવા લોકોને ચોમાસામાં વરસાદ જો પવન સાથે પડે અને વરસાદમાં પલળ્યા હોય તો પણ ઠંડી લાગી જાય. જ્યારે કેટલાક લોકોને ઉનાળા કે ચોમાસામાં એટલો પરસેવો થાય કે તેઓ તરણ હોજમાંથી સીધા જ બહાર નીકળ્યા હોય તેવું લાગે!

યોગશાસ્ત્ર મુજબ આનો ઈલાજ શું? પહેલાં તો ઊંડા શ્વાસ લેવાની ટેવ પાડો. જો આ ટેવ તમે નિયમિત ન કરી શકો તો, જ્યારે સવારમાં અનુકૂળતા હોય ત્યારે દસથી બાર વાર ઊંડા શ્વાસ લો. જ્યારે તમે શ્વાસ ભરો ત્યારે તમારું પેટ ફૂલવું જોઈએ અને જ્યારે બહાર કાઢો ત્યારે તે અંદર જવું જોઈએ. તેનાથી તમારું બંધ નાક ખૂલી જશે. તેનાથી તમારી શક્તિ પણ વધશે અને રક્ત પણ શુદ્ધ થશે. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો. આ પ્રાણાયામમાં જમણા હાથના અંગૂઠાથી જમણું નસકોરું બંધ કરો, ડાબા નસકોરાથી શ્વાસ લો. તે પછી મધ્યમા (બીજી આંગળી) અને અનામિકા (ત્રીજી આંગળી)થી ડાબું નસકોરું બંધ કરો. આને પૂરક કહે છે. થોડી વાર એમ ને એમ રહો. ગરદન ઝૂકાવી છાતીને અડાડો. આ સ્થિતિને કુંભક કહે છે. ત્યાર બાદ ડાબા નસકોરાને મધ્યમા અને અનામિકા વડે બંધ રાખી જમણા નસકોરા પરથી અંગૂઠો હટાવી શ્વાસ છોડો. આને રેચક કહે છે. ત્યાર બાદ અંગૂઠો મૂકી નસકોરું બંધ કરો. ગરદન ઝૂકાવી છાતી સાથે અડાડો. આને પણ કુંભક કહે છે. આનાથી પણ નસકોરાં ખૂલે છે અને શરીરનું તાપમાન ઝળવાઈ રહે છે. રક્ત શુદ્ધ થાય છે. તમને શરીરમાં શક્તિ અનુભવાય છે.

ત્યાર પછી કપાલ ભાતિ પ્રાણાયામ કરો. આમાં પહેલાં શરીરમાં ઊંડો શ્વાસ ભરી, ૨૦ વખત શ્વાસ સતત છોડવાનો છે. આ પ્રક્રિયા ઝડપી કરવાની છે. શ્વાસ છોડતી વખતે પેટ અંદર જવું જોઈએ. આનાથી શરીરમાં ગરમી પેદા થશે. આ પ્રાણાયામ ઠંડીને દૂર કરવા સૌથી સારો છે. તેનાથી શરીરની ચરબી પણ બળે છે.

હવે આયુર્વેદ મુજબ જોઈએ તો શિયાળામાં ખજૂર, કચરિયું, ચ્યવનપ્રાશ વગેરે ખાવાં જોઈએ. આ સિવાય મેથીપાક, મેથીના લાડુ, સૂંઠ પાક, અડદિયા પાક, ગુંદર પાક, બદામ પાક, સાલમ પાક, કોપરા પાક, વગેરે ખાવાથી ઠંડી મેં ભી ગરમી કા અહેસાસ હોગા.

આ સિવાય હળદરવાળું દૂધ પી શકાય. સૂંઠ, ગોળ અને ઘીની ગોળી બનાવી તે ખાઈ શકાય. સરસવ કે તલના તેલનું માલિશ કરવું. તે પછી વરાળનું સ્નાન કરવું અને પછી નહાવા જવું. આનાથી માત્ર ઠંડી જ નહીં ભાગે, પરંતુ સાથોસાથ શરીર સુદૃઢ પણ બનશે અને શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વો પણ નીકળી જશે.

પશ્ચિમનું આરોગ્ય શાસ્ત્ર કહે છે કે તમારી તબિયત ખરાબ હોય તો તેમને બીજાની સરખામણીમાં ખૂબ જ ઠંડી લાગી શકે છે. વિવિધ આરોગ્ય અહેવાલો મુજબ, કેટલાંક પરિબળો જેમના કારણે અચાનક ઠંડી કે અચાનક ગરમી લાગવા લાગે છે તેમાં એનેમિયા, કુપોષણ, ચેપ, વધુ પડતું વજન અથવા ઓછું વજન, સાયલન્ટ થાઇરૉઇડિટિસનો સમાવેશ થાય છે.

આનો ઉપાય એ છે કે તમે નિયમિત આરોગ્ય તપાસ કરાવો અને ડૉક્ટરોની સલાહ લો. આ ઉપરાંત જો તમને વધુ પડતી ઠંડી કે ગરમી લાગતી હોય તો તેનું કારણ તણાવ પણ હોઈ શકે છે. તમારો કોઈની સાથે ઝઘડો ચાલતો હોય, તમારા પર કામનો બોજો વધુ હોય અથવા કામનું ટૅન્શન સતત રહ્યા કરતું હોય, તમને એક મિનિટની નવરાશ ન હોય તો તેનાથી પણ તમે સામાન્ય કરતાં વધુ કે ઓછું તાપમાન અનુભવી શકો છો. આ જ કારણ છે કે તમારે નોકરીધંધા અને પરિવારની બાબતોને એકબીજાથી દૂર રાખવી જોઈએ. આ ઉપરાંત જે લોકોને એકલતા કે નિરાશા લાગે છે તેઓ પણ ઠંડીથી ધ્રૂજી શકે છે. જોકે જ્યારે તેમને કોઈ સાથ-સંગાથ મળી જાય ત્યારે તેઓ ઉત્સાહમાં આવી જાય છે અને ઉષ્ણતા અનુભવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]