પોતાનાં હાડકાં તોડવાનો ધંધો ન કરવો: વિટામીન A

તિની ગતિ નહીં. કોઈ પણ બાબતનો અતિરેક થાય ત્યારે તેનું નુકસાન જ થતું હોય છે. આ જ રીતે કોઈ બાબત અલ્પ પ્રમાણમાં હોય ત્યારે તેનું પણ નુકસાન થતું હોય છે. આ તત્ત્વજ્ઞાન આપણને શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી મળે છે. પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ આ વાત એટલી જ સાચી છે.વિટામીન એની જ વાત લો ને. નવા સંશોધન મુજબ, વિટામીન એ વધુ પ્રમાણમાં લેવામાં આવે તો તેનાથી હાડકાંની જાડાઈ ઘટી જાય છે. તેના કારણે હાડકાં નબળાં પડી જાય છે. બટકણાં થઈ જાય છે. તેમાં સરળતાથી ફ્રૅક્ચર થઈ શકે છે.

સ્વીડનના ગૉધનબર્ગમાં સહલગ્રેન્સ્કા એકેડેમીમાં ડૉ. ઉલ્ફ લર્નર અને તેમના સાથીઓએ વિટામીન એના સંદર્ભમાં આ સંશોધન કર્યું છે. સ્વાભાવિક છે કે મોટા ભાગના પ્રયોગોની જેમ આ પ્રયોગ પણ ઉંદર પર જ કરવામાં આવ્યો હતો. તેમાં તારણ મળ્યું કે માનવ માટે રોજ વિટામીન એનું જેટલું પ્રમાણ જરૂરી મનાય છે તેના કરતાં ૪.૫-૧૩ ગણું વિટામીન એ સતત આપવામાં આવ્યું તો તેનાથી તેમનાં હાડકાં નબળાં પડી ગયાં.

વિટામીન એ આપણા વિકાસ, દૃષ્ટિ, રોગપ્રતિકારક શક્તિ અને આપણાં અંગોનાં કાર્યો સહિતની જૈવિક પ્રક્રિયાઓ માટે મહત્ત્વનું વિટામીન છે. આપણું શરીર વિટામીન એને લેવા સમર્થ નથી. આથી (પેટ્રોલ-ડીઝલ પરના વેરાની જેમ) તેને આડકતરી રીતે લેવું પડે છે. આથી માંસ, દૂધનાં ઉત્પાદનો અને શાકભાજી દ્વારા આપણે વિટામીન એ જાણે-અજાણે લેતા હોઈએ છીએ.પણ કેટલાક લોકો આરોગ્ય પ્રત્યે વધુ સભાન હોય છે. સભાન હોવું સારી વાત છે, પરંતુ કાં તો ડૉક્ટરની ખોટી સલાહના કારણે અથવા પોતાની જાતે ક્યાંકથી વાંચીને કોઈ દવા કે કોઈ વિટામીન લેવા માંડવો તે અહિતકારી વાત છે. આ મુજબ, કેટલાક લોકો વિટામીન એના સપ્લીમેન્ટ લેતા હોય છે. પરંતુ તેનાથી તેઓ પોતાના હાડકા તોડવાની જ પ્રવૃત્તિ કરી બેસે છે કારણકે તેનાથી તેમનાં હાડકાંને નુકસાન થવાની સંભાવના વધી જાય છે.

ડૉ. ઉલ્ફ કહે છે, “વિટામીન એનું વધુ પ્રમાણ લેવું તે સમસ્યા વધારનારી બાબત છે. ઘણા લોકો આ રીતે વિટામીન સપ્લીમેન્ટ લેતા હોય છે. વિટામીન એનો અતિરેક હાડકાંને નુકસાનકારક બની શકે છે. મોટા ભાગના કેસમાં સંતુલિત આહારથી શરીરની વિટામીન એની જરૂરિયાત પૂરી થઈ જતી હોય છે.”

સંશોધનનો સાર એ કે, પોતાનાં હાડકાં વહાલાં હોય તો ડૉક્ટરની પૂરી સલાહ વગર વિટામીન એના સપ્લીમેન્ટ આડેધડ ગળચવા નહીં.