દીકરીને પહેલા માસિક વિશે કેવી રીતે સમજાવશો?

માસિક સ્વચ્છતા દિન નિમિત્તે એવરટીન નામની સંસ્થાએ એક સર્વે હાથ ધર્યો હતો. તે મુજબ, માસિક હવે બહુ પ્રતિબંધિત વિષય રહ્યો નથી. દિલ્લી, મુંબઈ, બેંગ્લુરુ અને હૈદરાબાદની૨૫-૩૫ વર્ષની મહિલાઓ- કામકાજી ૨,૪૦૦ મહિલાઓ પર આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાંથી ૬૭.૭ ટકા મહિલાઓ માને છે કે હિન્દી ફિલ્મ ‘પેડમેન’એ લોકોને હવે સાર્વજનિક રીતે માસિક વિશે વાત કરતાં કરી દીધાં છે. આમ, માસિક વિશે વાત કરવામાં મહિલાઓને કે પુરુષોને સંકોચ રહ્યો નથી.

નિષ્ણાતો કહે છે કે કન્યાએ તેના પહેલા માસિક વિશે હંમેશાં તૈયાર રહેવું જોઈએ. એફએલઓએચટેમ્પન્સનાં સ્થાપક અને સી.ઇ.ઓ. ગૌરી સિંહલ તથા મોમસ્પ્રેસો ખાતે ગાયનેકૉલૉજી અને ઑબસ્ટેટ્રિક્સ કન્સલ્ટન્ટ શેલી સિંહ સૂચવે છે કે તમે તમારી દીકરીનું પહેલું માસિક આવવાનું હોય ત્યારે તેને કેવી રીતે સુવિધાજનક બનાવી શકો:

તેને કહો કે તેણે માસિકથી દૂર ન ભાગવું જોઈએ. તમે જેટલી વાર આ વાતને કહી શકો તેટલી વાર કહો. ભારતમાં ગર્ભાવસ્થાની તો ઉજવણી થાય છે પરંતુ ગર્ભાવસ્થા માટે જે કારણરૂપ છે તે માસિકની ઉજવણી નથી થતી. હવે આ સામાજિક કુરીતિમાંથી બહાર નીકળવાની જરૂર છે. નવી પેઢી હવે મુક્ત રીતે માસિક વિશે વાત કરી શકવી જોઈએ. અગાઉ જે રીતે મહિલાઓ માસિકને જોતી હતી તેના કરતાં હવે દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. આમ કરવાથી ખરેખર તો દુનિયા બદલવામાં એક નાનકડું પ્રદાન થશે!

આ ઉપરાંત જાહેરખબરોની દુનિયામાં પણ જે દર્શાવાય છે તે માસિકનું ખોટું ચિત્રણ કરે છે. તેઓ માસિકને દર્શાવવા ભૂરો રંગ વાપરે છે. તે ક્યાંક માસિક માટે શરમનું પરિચાયક છે. તમારી દીકરીને જણાવો કે માસિક લાલ રંગનું હોય છે. લોહી લાલ રંગનું હોય છે. તેનાથી શરમ અનુભવવાની જરૂર નથી. માસિક એ માતા અને દીકરીઓ વચ્ચે રહસ્ય ન રહેવું જોઈએ. ભાઈઓ અને પિતાની હાજરીમાં પણ તમે તેની મુક્ત મને વાત કરી શકતા હોવા જોઈએ.

આ સમય દરમિયાન સ્વચ્છતા ખૂબ જ મહત્ત્વની છે. ટેમ્પન (માસિકના લોહીને શોષવા માટે યોનિમાં નાખવામાં આવતું કૂણી સામગ્રીનો પ્લગ) અને પેડ, માસિકના પ્રવાહના આધારે દર ચારથી આઠ કલાકે બદલવાં જ જોઈએ. જ્યારે તે વૉશરૂમ જાય ત્યારે દર વખતે તેણે પોતાની યોનિ સાફ કરવી જોઈએ અને પોતાને સ્વચ્છ રાખવી જોઈએ કારણકે માસિકના લોહીથી ચેપ લાગી શકે છે અને દુર્ગંધ પણ આવી શકે છે. માસિક દરમિયાન બેક્ટેરિયાનો ચેપ કે વેજિનાઇટિસ થવો સરળ છે. સ્વચ્છતા માટેનાં ઉત્પાદનોનો નિકાલ કરવાનું પણ તમારી કન્યાને શીખવાડો. પેડને સમાચારપત્રના કાગળમાં વીંટાળી અને તેને કચરાપેટીમાં નાખી દો. તેને સંડાસમાં ફ્લશ ન કરો.

અલગ-અલગ મહિલાઓ અલગ-અલગ તીવ્રતાનું દર્દ આ સમયગાળા દરમિયાન અનુભવે છે. તમારી દીકરીને કહો કે માસિક એ મોટા થવાનીપ્રક્રિયાનો એક સામાન્ય ભાગ જ છે. તેમાં અનોખું કે અજૂગતું કંઈ નથી. તેમાં આંચકો, પીઠનોદુઃખાવો, સાથળમાંદુઃખાવો અને માથાનો દુઃખાવો થઈ શકે છે. તમારે આયુર્વેદ સંબંધિત દવાઓ આ પ્રકારના દુઃખાવાને દૂર કરવા લેવી જોઈએ. યોગ અને કસરતથી પણ આ દુઃખાવાનો સામનો સરળ રીતે કરી શકાય છે.

તેને હળવી બનાવો. તેને કહો કે માસિક પડે તેનાથી ગભરાવાની જરૂર નથી. જ્યારે તે આવે ત્યારે તેણે તરત જ તેની પેન્ટી કાઢીને નવી પહેરી લેવી જોઈએ. ઉપરાંત તેને કહો કે તેની ઉંમરની અને તેના વર્ગની બીજી છોકરીઓને પણ આવું જ થતું હશે. એટલે આનાથી ડરવાની કે આઘાત પામવાની જરા પણ જરૂર નથી. આ એક કુદરતી પ્રક્રિયાનો ભાગ છે. તે હવે ધીમેધીમે મોટી થઈ રહી છે. આ માત્ર તેની સાથે જ થાય છે તેવું નથી.

બીજું એક એવું પણ છે કે માસિક દરમિયાન કંઈ કામ ન થઈ શકે. આ એક હિન્દુ પરંપરા માની લેવાઈ છે. હકીકતે તો આ એક એ જ રીતની સલાહ છે જે રીતે પગે વાગ્યું હોય તો પથારીમાં આરામ કરવા કહેવાય છે, સ્વાઇન ફ્લૂ થયો હોય તો ભીડમાં ન જવા કહેવાય છે. મંદિરે પૂજા ન કરવા જવા પાછળનું કારણ કોઈ ‘અપવિત્રતા’ નથી, પરંતુ મંદિરમાં શિવલિંગ કે અન્ય મૂર્તિઓનાં વાઇબ્રેશન સહી ન શકે. બીજું કે ભીડ હોય તો સરળતાથી ચેપ લાગી શકે તેમ હોય છે. ત્રીજું કે, માસિક દરમિયાન સ્ત્રીને આમ પણ અસહજતા અને દુઃખાવો અનુભવાતો હોય ત્યારે તે વધુમાં વધુ આરામ કરે તે માટે આ પ્રકારની પરંપરા ઊભી કરાઈ હતી. પરંતુ આ સલાહ જ છે.

તમને ડાયાબિટીસ થયો હોય અને તમને ગળપણવાળી વાનગીઓ ન ખાવા કહેવામાં આવે તો તે પરંપરા નથી, તમારા આરોગ્યને ધ્યાનમાં રાખીને સલાહ છે. તમે ખાવ તો કંઈ પાપમાં નથી પડી જતા, પણ હા, તમારો ડાયાબિટીસ વધી શકે છે અને તેના કારણે તમને તકલીફો ઊભી થઈ શકે છે.