તંદુરસ્તી માટે આ ત્રિરંગ- ભોજનમાં અપનાવો

મણાં પ્રજાસત્તાક દિવસ ધામધૂમથી ઉજવાયો. દેશભક્તિની લહેર પૂરા દેશમાં પ્રસરી ગઈ. આશા રાખીએ કે આ લહેર આ વેબસાઇટ વાંચનારા લોકોના મનમાં બારે માસ દોડે છે. અને તેથી જ આરોગ્યમાં તિરંગો રજૂ કરવાના છીએ. જેમ આપણા ધ્વજમાં ત્રણ રંગ છે તેમ આરોગ્યમાં પણ ત્રણ રંગ છે. આ ત્રણ રંગને જો તમે તમારા આહારમાં સામેલ કરશો તો તમે તંદુરસ્ત રહી શકશો.

આરોગ્ય નિષ્ણાતો એમ કહે છે કે જો તમે ભોજનની ભરપૂર મજા અને ફાયદો લેવા માગતા હો તો જમવામાં પ્રૉટિન, ફાઇબર, કેલ્શિયમના આધાર પર નહીં પરંતુ તેના રંગોનો આધાર લો. રંગોના આધારે ભોજન પસંદ કરવાથી તમારા મગજને સંતુષ્ટિ મળશે. મન તરોતાજા રહેશે. રંગીન ભોજનથી શરીરને પૂરી રીતે પોષક તત્ત્વો મળે છે. ઘણા લોકો કહેતા હોય છે કે તેમને શાકનો રંગ લાલ જોઈએ. તેમાં તેમને એ મહત્ત્વ નથી કે મરચું ઓછું પડે છે કે વધુ. તો ઘણા લોકો કહેતા હોય કે દાળ કે ખીચડી પીળી જ ભાવે. કેટલાકને ખીચડી લીલી ભાવે છે. આમ, લોકોને સ્વાદની સાથે રંગની પણ પરવા હોય છે અને તેના લીધે પોષક તત્ત્વો ભરપૂર મળે છે. અને એટલે જ અમે તમારા મનપસંદ તિરંગાના ત્રણ રંગોને તમારા ભોજનમાં સામેલ કરવા સૂચન કરીએ છીએ.

કેસરિયું ભોજન લો. તમને થશે કે કેસરિયું ભોજન એટલે વળી કેવું ભોજન? તો જવાબ છે નારંગી રંગનાં ફળ અને શાક ખાવાથી મગજ તંદુરસ્ત રહે છે. નારંગી નામ સાંભળતા પહેલાં જ વિચાર મગજમાં આવે છે સંતરાંનો. સંતરામાં વિટામીન ડી હાજર હોય છે. તે ત્વચા અને શરીરના અન્ય હિસ્સાઓમાં રક્ત સંચારનું કામ કરે છે. શરીરમાં વિટામીન ડીની ઉણપ હોવાના કારણે અનેક રોગો તમારા શરીરને ઘેરી લે છે. રોજ માત્ર એક સંતરાનું સેવન કરવાથી હાઇ બ્લડ પ્રૅશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. સંતરાં ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણું જ સારું ફળ મનાયું છે.

સફેદિયું ભોજન લો. સફેદ રંગના ખાદ્ય પદાર્થો જેવા કે મશરૂમ, શલગમ, સફેદ ચણા, સફેદ તલ, સફેદ ડુંગળી વગેરે ઘણું ફાયદારૂપ રહે છે. દૂધ પણ સારું છે. તેમાં કેલ્શિયમ, પૉટેશિયમ, પ્રૉટીન અને આયર્ન પ્રચૂર માત્રામાં મળે છે. તે તમારા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ તેનાથી વધશે. લસણ વાયુ નિયંત્રણ, હૃદયરોગ વગેરે માટે ઘણું સારું છે. ચોખાની ચીજો પણ ઘણી સારી છે. ઈડલીમાં ચરબી, સેચ્યુરેટેડ ફેટ હોતી નથી. તેમાં કૉલેસ્ટેરોલ નથી હોતો.

લીલિયું ભોજન લો. લીલાં ફળ અને શાક તો ખાવાં જ જોઈએ. તેમાં લુટીન, ઇન્ડોલ નામના ફાયટોકેમિકલ્સ હોય છે જે પેટ માટે ઘણાં સારાં મનાય છે. લીલા રંગનાં શાક જેમ કે પાલક, મેથી, તાંજળિયા, ચીલ (બથુઆ) વગેરે ભાજી, દૂધી, ચીભડાં વગેરેમાં ફાઇબર અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તે પાચનતંત્રને મજબૂત કરે છે. પાચનતંત્ર ઉપરાંત લીલી શાકભાજી આંખો માટે ફાયદારૂપ સાબિત થાય છે. સલાડ ખાવાની પણ આરોગ્ય નિષ્ણાતો સલાહ આપે છે. ઘણા જૈનો કાચાં કેળાનું શાક ખાતા હોય છે. કાચાં કેળાની ઘણી બધી રેસિપી રસોઈ નિષ્ણાતો સૂચવતા હોય છે. કાચાં કેળામાં ફાઇબર, વિટામીન અને ખનીજ તત્ત્વો હોય છે. તેનાથી બ્લડ સ્યુગર માપમાં રહે છે. વજન જળવાય છે. કૉલેસ્ટેરોલનું સ્તર પણ વધતું નથી. ફૂદીનો પણ ઘણો બધો ફાયદારૂપ છે. આ ઉપરાંત નાગરવેલનાં પાન શરદીમાં ખવાતાં હોય છે. તેનો મુખવાસ તરીકે પણ ઉપયોગ થાય છે. તુલસીનાં પાન પણ શરદીમાં ફાયદારૂપ રહે છે.