શિયાળામાં ગરમી આપશે આ ખાદ્ય ચીજો

જે લોકોને પોતાની તંદુરસ્તીની ચિંતા છે તેમના માટે શિયાળો ખૂબ જ કામની ઋતુ છે. શિયાળામાં કસરત કરીને શરીરને સુડોળ બનાવી શકાય છે. શિયાળામાં પરસેવો થતો હોતો નથી. આથી કસરત-વ્યાયામ-યોગાસન દ્વારા જો પરસેવો પાડવામાં આવે તો યથાર્થ છે. ઉનાળામાં આમેય ગરમી થતી હોય છે. એમાં જો કસરતથી વધુ પડતો પરસેવો થઈ જાય તો ડિહાઇડ્રેશન કે ચક્કરની સમસ્યા સંભવ છે.શિયાળામાં વ્યાયામ ઉપરાંત ખાણીપીણી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આયુર્વેદમાં આહાર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઋતુમાં સ્વસ્થ રહેવા અને ઠંડીથી બચવા બહારના ઉપાયો (જેમ કે ગરમ કપડાં પહેરવાં વગેરે) ઉપરાંત જો ખાવાપીવામાં ધ્યાન રાખવામાં આવે તો ઠંડીથી બચી શકાય છે.

આ ઋતુમાં શરદી-ઉધરસ થવાનો ભય વધુ રહે છે. એવામાં પોતાના શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે આરોગ્ય નિષ્ણાતો તમને પોતાના આહારમાં કુદરતી એન્ટી ઑક્સિડન્ટને જોડવાનું સૂચન કરે છે. આથી શિયાળામાં તમે તમારા ભોજનમાં આમળાંને જરૂર જોડો. જો સીધા ન ખાઈ શકતા હો તો કાં તો મુરબ્બાની રીતે અથવા તો પછી તેનો રસ કાઢીને તેને પોતાની ખાણીપીણીમાં સમાવિષ્ટ કરો. જો તમે વજન ઘટાડવા માટે પરેજી પાળતા હો તો પછી આમળાનો મુરબ્બો ખાવાના બદલે આમળાનો રસ પીવો તે વધુ સારું છે.તલ અને ગોળના લાડુ ઠંડીથી બચાવ માટે શ્રેષ્ઠ ઉપાય મનાય છે એટલે જ તો શિયાળામાં અને ખાસ તો મકરસંક્રાંતિ પર તલની કે સિંગની ચીકી ખાવામાં આવે છે. શિયાળામાં સૂકા મેવા, બદામ વગેરેનું સેવન પણ લાભદાયક હોય છે. તેને પલાળીને ખાવ અથવા દૂધમાં મેળવીને ખાવ. અથવા તો પછી સૂકા મેવાનો ભૂકો કરીને તેને દૂધમાં મેળવીને પ્રૉટીન શેક જેવું બનાવી લો.

શિયાળામાં ગરમી મળે તેવી ચીજ ખાવી જોઈએ. બાજરો આવું જ એક અનાજ છે. આથી શિયાળામાં બાજરાના રોટલા અવશ્ય ખાવા જોઈએ. બાળકોને નાની વયથી જ બાજરો ખાવાની ટેવ પાડો. તેમાં ઘણા સ્વાસ્થ્યવર્ધક ગુણો હોય છે. બીજાની સરખામણીમાં બાજરામાં સૌથી વધુ પ્રૉટીન હોય છે. ગ્રામ્ય વિસ્તારો અને મહેનતુ માણસો તો બારેમાસ બાજરાનો સૂકો રોટલો અને ડુંગળી-લીલું મરચું ખાઈને જીવન ગુજારી શકતા હોય છે. બાજરામાં શરીર માટે જરૂરી તત્ત્વો જેમ કે મૅગ્નેશિયમ, કૅલ્શિયલ, મૅંગેનીઝ, ટ્રિપ્ટૉફેન, ફાઇબર, વિટામીન બી, એન્ટી ઑક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે.આદુ આમ તો બારેમાસ સારું છે, પરંતુ ઠંડીમાં તે વધુ સારું છે. શિયાળામાં તેને દાળ કે ખીચડીમાં નાખીને અથવા મુખવાસમાં કે પછી ચામાં એમ કોઈ પણ રીતે સેવન કરવાથી ખૂબ જ લાભ મળે છે. શરીરને ગરમી મળે છે અને પાચન પણ સારું થાય છે.

શરીરને સ્વસ્થ, નિરોગી અને ઊર્જાવાન રાખવા માટે મધને આયુર્વેદમાં અમૃત પણ કહેવાયું છે. આમ તો દરેક ઋતુમાં મધનું સેવન લાભકારી છે, પરંતુ ઠંડીમાં મધનો ઉપયોગ વિશેષ લાભકારી હોય છે. આ દિવસોમાં તમારા ભોજનમાં મધને જરૂર જોડો. તેનાથી પાચન કિર્યામાં સુધારો થશે અને રોગપ્રતિકારક શક્તિ પણ સુધરશે.

મગફળી પણ સારી છે. તેમાં પ્રૉટીન, ચરબી, ખનીજ તત્ત્વો, ફાઇબર, કાર્બૉહાઇડ્રેટ, કેલ્શિયમ વગેરે રહેલાં હોય છે. તમારા ખોરાકમાં લીલા શાકભાજી જરૂર ખાવ. શિયાળામાં શાકભાજી સરળતાથી ઉપલબ્ધ હોય છે અને સસ્તાં પણ હોય છે. તો શા માટે શાકભાજી ન ખાવાં? શાક શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારે છે અને બીજા બધા ગુણની સાથે ગરમી પણ આપે છે. આ ઉપરાંત મેથી, ગાજર, બીટ, પાલક, તાંદળિયા, લસણ, મૂળા, અડદની દાળ વગેરે પણ ભરપૂર ખાવી જોઈએ. જોકે આની સાથે આ દિવસોમાં રસીલાં ફળોનું સેવન ન કરો. સંતરા, મોસંબી તમારા શરીરને ઠંડક આપે છે. તેના કારણે તમને શરદી કે ઉધરસ થવાની સમસ્યા થઈ શકે છે.