તમારાં હાડકાં તોડવાં દુશ્મનની જરૂર નથી!

“સાવ કેવો દુબળો પાતળો છે? હાડકાં જ દેખાય છે.”

“પાતળી પરમાર થવાના ચક્કરમાં શરીરમાં માત્ર હાડકાં જ બચ્યાં છે.”

આવા સંવાદોઘણાના મોઢે તમે સાંભળતા હશો પરંતુ ક્યારેય એવાં સંવાદો સાંભળ્યા છે કે

“દૂધ પી, કેલ્શિયમવાળો ખોરાક લે, નહીં તો હાડકાં ખરાબ થઈ જશે.”

ના. કારણકે આપણને ખબર જ નથી કે શરીરમાં ચરબીની જેમ હાડકાંનું પણ મહત્ત્વ છે. હાડકાં આપણા શરીરને મદદ કરે છે અને આપણા શરીરનો આકાર બનાવે છે. તેઓ હળવાં હોય છે પરંતુ આપણા વજનને તે ટેકો કરે છે. તે આપણા શરીરનું સંરક્ષણ પણ કરે છે. ખોપડી મગજનું રક્ષણ કરે છે. તેના લીધે આપણા ચહેરાનો આકાર સુડોળ કે બેડોળ બને છે. સ્પાઇનલકૉડ જે આપણા શરીર અને મગજ વચ્ચે સંદેશાવ્યવહારના આદાન-પ્રદાનનું કામ કરે છે તેની રક્ષા કરોડરજ્જુ કરે છે. છાતીમાં રહેલી પાંસળીઓ હૃદયનું રક્ષણ કરે છે. એટલે તમે ક્યાંક ભટકાવ કે પડી જાવ કે તમને કોઈ મારે તો પહેલો ઘા આ હાડકાં ઝીલતાં હોય છે. હવે આ હાડકાં જો ખરાબ થઈ જાય તો?

આ હાડકાંની મજબૂતી માટે કેલ્શિયમ અને વિટામીન ડી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. જો આપણા શરીરને વિટામીન ડી અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં ન મળે તો આપણાં હાડકાં નબળાં અને પોલાં થઈ જાય છે.

હાડકાંને પોલાં કરવામાં માત્ર વિટામીન ડી અને કેલ્શિયમની ઉણપ જ નહીં, પરંતુ આપણી ખાણીપીણીની ટેવો પણ જવાબદાર હોય છે. અને એટલે જ હાડકાં ખરાબ થાય તેવી ચીજો ખાવી ન જોઈએ, પછી તમને ગમે તેટલી કેમ ન ભાવતી હોય. તમે કહેશો કે એ ચીજો ખબર હોય તો અમે ન ખાઈએ ને. તો, લો, હાજર છે એ કેટલીક ચીજોની યાદી જેનાથી તમારા હાડકાં ખરાબ થઈ શકે છે.

દારૂ

આમ તો ગુજરાત અને ગુજરાતીઓ સામાન્ય રીતે દારૂ નથી પીતા તેમ કહેવાય છે, પરંતુ કેટલાક અપવાદો હોય છે. દારૂ પર એટલી શાયરીઓ અને ફિલ્મી ગીતો લખાયાં છે જેનાથી દારૂ પીવું એ કેટલાક લોકો માટે સ્ટેટસની બાબત છે. ‘નશા શરાબ મેં હોતા તો નાચતી બોતલ’ જેવાં ગીતો દારૂ પીવાને ઉચિત ગણાવે છે. પરંતુ દારૂથી હૃદય, લિવર, ગર્ભને તો નુકસાન જ છે, પરંતુ હાડકાંને પણ નુકસાન થાય છે. કેલ્શિયમની માત્રા શરીરમાં ઘટાડવાનું કામ દારૂ પણ કરે છે. કેલ્શિયમ ઘટે એટલે સ્વાભાવિક હાડકાં નબળાં પડે જ. દારૂની ટેવ તરુણાવસ્થા કે યુવાવસ્થામાં લાગે છે અને સંશોધન એવું કહે છે કે આ ઉંમરમાં જ દારૂના લીધે હાડકાંને ખૂબ જ ખરાબ અસર થાય છે અને આગળ જઈને હાડકાંની બીમારી ઑસ્ટિયોપોરોસિસ થવાની શક્યતા રહે છે.

કેટલાક લોકો દારૂ પીવાનું પસંદ ન કરે તો તેના રંગરૂપનું ઠંડું પીણું પીને દારૂ પીવાનો આનંદ માણતા હોય છે. ગ્લાસમાં કથ્થાઈ રંગનું ઠંડું પીણું કાઢી ગ્લાસ ટકરાવી ‘ચીયર્સ’ બોલતા હોય છે. તો કેટલાક લોકો પોતાના શરીરમાં થયેલા વાયુ માટે ઠંડું પીણું પીવાનું બહાનું શોધી લે છે. પરંતુ ઠંડાંપીણાં જેમ અન્ય બાબતો માટે સારાં નથી તેમ હાડકાં માટે પણ સારાં નથી.

ઠંડાંપીણાંમાં કાર્બન ડાયૉક્સાઇડ અને ફૉસ્ફરસ હોય છે, તે તમારા હાડકાંને નુકસાન કરે છે. હાડકાંને નબળાં પાડી દે છે. આમ, સ્વાદ માટે બે ઘડી તો ઠંડાં પીણાં તમને સારાં લાગશે, પરંતુ જેમ કોઈ દુશ્મન તમને મુક્કા કે લાકડીએ ફટકારીને હાડકાં ભાંગી નાખે તેમ દુશ્મનની જેમ ઠંડાંપીણાં વગર લાકડીએ તમારાં હાડકાંને નબળાં કરી દે છે.

તો તમે કહેશો કે દારૂ ન પીવાય, ઠંડાંપીણાં ન પીવાય પણ ચૉકલેટ તો અમને બહુ જ ભાવે. બાળકોથી લઈને યુવતીઓ સુધી, ચૉકલેટ જોઈને ‘જી લલચાયે, રહા ન જાયે’ જેવી સ્થિતિ થતી હોય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય અને કદાચ આઘાત પણ લાગશે કે ચૉકલેટ પણ નુકસાનકારક છે. ચૉકલેટ વધુ ખાવાથી તમારાં હાડકાં નબળાં પડી જશે. જો તમારા શરીરમાં કેલ્શિયમની કમી હોય તો ચૉકલેટ ઓછી ખાવી જોઈએ. ચૉકલેટમાં રહેલી સ્યુગર અને ઑક્સલેટ તમારા શરીરને કેલ્શિયમને અવશોષિત (એબ્સૉર્બ) કરવા નથી દેતાં.

આ જ રીતે મીઠું પણ હાડકાં માટે હાનિકારક છે. જો તમે ઉપરથી મીઠું લેવાની ટેવ ધરાવતા હોય તો તમારા બી. પી. માટે કે પછી હાડકાં માટે તે લેવાનું બંધ કરી દો. મીઠામાં સોડિયમ વધુ હોય છે. આથી તે આપણા શરીરમાં જઈને આપણા શરીરના કેલ્શિયમને પેશાબ વાટે બહાર કાઢી નાખે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]