ડેન્ડ્રફની સમસ્યા દૂર કરવાના આસાન ઉપાય

હિલાઓમાં સૌંદર્ય સંબંધિત સમસ્યાઓમાં સૌથી વધુ ફરિયાદ થતી હોય તો એ છે વાળ ખરવાની, ડેન્ડ્રફની અને મોઢા પર થતા પિમ્પલ્સની. આવી સમસ્યાઓને કારણે સૌંદર્ય પર તો અસર પડે જ છે પરંતુ ઘણીવાર શરમમાં પણ મૂકાવુ પડે છે. વાળમાં ધૂળ-માટી કચરો જામવાથી ડેન્ડ્રફની સમસ્યા થતી હોય છે. જેના કારણે સ્કેલ્પની ત્વચા સૂકી પડી જતી હોય છે. વાળમાં ડેન્ડ્રફ થવાના કારણે ચહેરા પર ફોડકી અને પિમ્પલ્સ થઇ જતા હોય છે. ચહેરાનું તમે ગમે તેટલુ ધ્યાન આપો પરંતુ વાળમાં થતા ખોળાનાં કારણે પિમ્પલ્સમાં ઘટાડો નથી કરી શકતા. તેથી જો પિમ્પલ્સ, ફોડકી અને ચહેરાની અન્ય સમસ્યા દૂર કરવી હોય તો ડેન્ડ્રફ દૂર કરવો આવશ્યક બની જાય છે.

આ તમામ સમસ્યાઓના નિવારણ માટે બજારમાં ઘણા બધા પ્રોડક્ટ્સ મળી રહે છે. પરંતુ એમાં પૂરતી સફળતા નથી મળતી. પણ એવી કેટલીક વસ્તુ છે કે જેના કારણે ડેન્ડ્રફનો ઇલાજ સંભવ છે. તમે જે માઉથવોશના રૂપમાં ઉપયોગ કરે છો એ લિસ્ટેરિનથી ડેન્ડ્રફનો ઇલાજ શક્ય છે. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ આ હકીકત છે. લિસ્ટેરિનમાં એન્ટિફંગલ અને એન્ટિસેપ્ટિક તત્વ હોય છે જે સ્કેલ્પમાં થતી ખુજલીને દૂર કરે છે અને ઠંડક પણ પહોંચાડે છે. ડેન્ડ્રફથી છૂટકારો મેળવવા માટે આ સૌથી અસરકારક ઉપાય છે. એક નાનુ કોટન લઇને લિસ્ટેરિનમાં ડૂબાડી સ્કેલ્પ પર લગાવી દો. 5થી 10 મિનિટ વાળમાં રાખીને માઇલ્ડ શેમ્પૂથી ધોઇ નાખો. અસરકારક અને સારા પરિણામ માટે અઠવાડિયામાં બે વખત પ્રયોગ કરો. લિસ્ટેરિનને તમે પાણીની સાથે પણ નાખી શકો છો. લિસ્ટેરિનમાં પાણી ઉમેરી તેને સ્કેલ્પમાં લગાવી દો. અને ત્યારબાદ વાળને માઇલ્ડ શેમ્પૂ અને કંડીશનરથી ધોઇ નાખો. થોડી મિનિટો બાદ વાળને ઠંડા અથવા તો નવશેકા પાણીથી ધોઇ લો. 2 અઠવાડિયામાં આ ઉપાયને ત્રણ વાર કરશો તો પરિણામ સારુ મળશે.

ઘરેલુ ઉપાયથી સમસ્યાનો જલદીથી ઉકેલ આવે છે અને સમસ્યા પણ દૂર થાય છે. જો તમે નિયમિત અરીઠા, આંબાળા, શિકાકાઇના પાઉડરને 3થી 4 ચમચી સપ્રમાણ લઇ પાણીમાં પલાળી દો. તેને ઉકાળી અને ગાળીને વાળ ધોવામાં ઉપયોગ કરવો. આ રીતે જો તમે ઘરે બનાવેલુ શેમ્પૂ વાપરશો તો ફાયદો થશે. અઠવાડિયામાં એક-બે વખત નારિયેળ તેલ, કરંજ તેલ, લીંબોળીનું તેલ સરખા ભાગે મિક્સ કરી દેવુ. તેલને ગરમ કરી તેમાં કપૂર નાખી માથાની ચામડીમાં, વાળનાં મૂળમાં લગાવી ૧૦ મિનીટ રાખી વાળ હર્બલ શેમ્પૂથી ધોઇ નાખવા.

ખોડાની સમસ્યા હોય તેઓએ વધુ માત્રામાં તળેલાં, તૈલીય, ચીઝ-બટર જેવા પદાર્થો ન ખાવા જોઇએ. પોષક તત્વોથી યુક્ત લીલા શાકભાજી, કાકડી, કોબીજ, ટમેટા, ફ્લાવર, સંતરા, કેળા, પપૈયા જેવા ફળો ખાવા જોઇએ. આ સિવાય બદામ, અખરોટ, જલદારૂ, કાળીદ્રાક્ષ, ખજૂર જેવા ડ્રાયફ્રુટ્સ ખાવાનુ શરૂ કરવુ જોઇએ.  લીંબુનો રસ પાણીમાં નાખી, છાશ વગેરે કુદરતી વિટામીન્સ, મિનરલ્સ મળી રહે એવો ખોરાક ખાવો. આ તમામ વસ્તુઓ ખાવાથી વાળનો ગ્રોથ પણ થાય છે. ખોડો દૂર કરવા માટે ડુંગળીનો રસ, લસણની લુગદીને વાળનાં મૂળમાં લગાવી ૧૫-૨૦ મિનીટ રાખી હર્બલ શેમ્પૂથી વાળ ધોઇ નાખવા. ડુંગળી-લસણમાં રહેલાં ગંધક અને એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ તત્વોની સાથે વાળને પોષણ આપે તેવા પૌષ્ટિક તત્વોથી ખોડો દૂર થાય છે અને ચામડીનો સોજો, ખંજવાળ ઓછી થાય છે અને વાળનો રીગ્રોથ પણ થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]