શરદની સીઝનમાં રહો સેફ

ત્યારે શરદ ઋતુ ચાલી રહી છે. શરદ ઋતુમાં આકાશ સ્વચ્છ હોય છે. રાત હવે વહેલી પડવાની શરૂ થઈ છે. થોડા દિવસો પહેલાં સુધી સાત વાગ્યા સુધી અજવાળું રહેતું હતું તેના બદલે હવે વહેલું અંધારું થવા લાગ્યું છે. જ્યારે ઋતુ બદલાય છે ત્યારે શરીરમાં ફેરફાર આવતા હોય છે. ઠંડી શરૂ નથી થઈ પરંતુ ઠંડો પવન રાત્રે અને સવારે વહેતો હોય છે. પરંતુ ગરમી હજુ ઉનાળા જેવી જ પડે છે.આવી બેવડી ઋતુ બીમારીનું કારણ બને છે. આવી ઋતુમાં ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું પડે. તેમાંય શરદ ઋતુ તો બીમારીની ઋતુ જ કહેવાય છે અને એટલે જ તો આપણાં હિન્દુ શાસ્ત્રોમાં શતમ્ જીવ શરદઃના આશીર્વાદ આપવાનું કહેવાયું છે.

ગયા ગુરુવારે જ શરદપૂર્ણિમા ગઈ. શરદ પૂર્ણિમાની રાત્રે ગરબા ગાવા અને લેવા ઉપરાંત ચંદ્રના કિરણોથી સંસ્કૃત (પ્રૉસેસ્ડ) દૂધપૌંઆ ખાવાનો પણ મહિમા છે. તેનું કારણ છે કે આ રાત્રે ચંદ્ર ધરતીની વધુ નજીક હોય છે. આથી ચંદ્રમામાંથી નીકળતાં કિરણો જ્યારે દૂધપૌંઆ કે ખીર પર પડે છે ત્યારે તેમાં વિટામીન જેવાં પોષકતત્ત્વો સમાહિત થાય છે. આ પ્રસાદને બીજા દિવસે ખાલી પેટ ખાવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે અને અસ્થમામાં રાહત મળે છે. ચંદ્ર મન સાથે જોડાયેલો છે તે તો જ્યોતિષ અને વિજ્ઞાન બંને સ્વીકારે છે. આથી માનસિક હેરાનગતિઓ પણ દૂર થાય છે.

ઠીક છે. હવે શરદપૂર્ણિમા તો ગઈ. આવતા વખતે ધ્યાન રાખીશું, પરંતુ હજુ શરદ ઋતુ ચાલુ છે તેટલા દિવસો તો આપણે આપણી તબિયત સારી રહે તેનું ધ્યાન રાખી શકીએ ને?

શરદની સમસ્યા

શરદ ઋતુમાં પિત્ત (એસિડ) વધી જાય છે. આપણું લોહી પણ પહેલાંની સરખામણીમાં ગંદુ થઈ જાય છે. આથી આ ઋતુમાં તાવ, ઉલટી, ખંજવાળ, ચર્મ રોગ થવા અથવા વકરવાની સંભાવના વધુ હોય છે. આથી ખાણીપીણીમાં ફેરફાર જરૂરી છે.

શરદ ઋતુમાં પિત્ત થતું હોવાથી જે ખાદ્ય પદાર્થોથી પિત્ત થતું હોય તે ખાવાનું ટાળવું જોઈએ. લસણ, રીંગણાં, કારેલા, મરી, સરસવનું તેલ, અડદની દાળ, કઢી વગેરે ન ખાવાં. છાશ પણ તાજી અને મોળી પીવી અને તેમાંય મીઠું, ધાણાજીરું વગેરે નાખીને પીવો તો વધુ સારું. ગરમ પડે તેવા, કડવા અને ચટપટા ખાદ્ય પદાર્થો ન લો તો વધુ સારું.

તો પછી શરદ ઋતુમાં ખાવું શું?

ભગવાને આપણને ખાણીપીણીની એટલી ચીજો આપી છે અને તે પણ ઋતુ-ઋતુ મુજબની, કે વાત ન પૂછો. ઘઉં, જવ, જુવાર, મસૂર, મગની દાળ, ગાયનું દૂધ, માખણ, ઘી, મલાઈ, શ્રીખંડ વગેરે લઈ શકો છો. શાકમાં ચોળી, દૂધી, પાલક, પરવળ, ફ્લાવર વગેરે ખાઈ શકાય. ફળોમાં આમળાં, સફરજન, સિંગોડા, કેળાં, દાડમ વગેરે લઈ શકાય.

આ ઉપરાંત સવારે ખીર ખાવી સારી. ઘી પણ ખાવું જોઈએ કારણ કે ઘી પિત્તને શાંત કરે છે. આ ઋતુમાં પેટ સાફ કરવા હરડે લઈ શકાય. હરડેને મધ અથવા ગોળ અથવા સાકર સાથે લઈ શકાય. અગાઉ કહ્યું તેમ રાત્રે ચાંદનીમાં રાખેલું દૂધ કે પાણી અમૃત સમાન બની જાય છે. આવા પાણીને હંસોદક અથવા અંશદૂક કહે છે. આવું પાણી પીવાથી ઘણો ફાયદો થાય છે. રાત્રે બને તો હળવું ભોજન લો.

ચોમાસાની ઋતુ કરતાં આ ઋતુમાં તમને ઊર્જાનો સંચાર વધુ લાગશે, પરંતુ તેમ છતાં ચાદર પ્રમાણે સોડ તાણવી અને મહેનત ક્ષમતા પ્રમાણે કરવી. દિવસે સૂવાનું અને રાત્રે જાગવાનું ટાળવું. જોકે અત્યારે વિવિધ કારણોસર દિનચર્યા જ એવી બની ગઈ છે કે રાત્રે સૂતાં સૂતાં બાર તો વાગી જ જાય છે, પરંતુ પ્રયત્ન કરવા જોઈએ કે રાત્રે ૧૦ આસપાસ સૂવાનું થઈ જાય. અને જો જાગવું જ પડે તેમ હોય તો ચંદ્રપ્રકાશમાં નહાતા નહાતા, અર્થાત્ ચંદ્રકિરણોમાં બેસો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]