હાર્ટ ઍટેક કે કૅન્સરનો ટૅસ્ટ ફ્રીમાં!

માં કોઈ શંકા નથી કે આજની ભાગદોડ ભરી જિંદગી રોગોને નિમંત્રી રહી છે. એક તરફ માણસ વધુ ને વધુ પૈસા કમાવવા દોડી રહ્યો છે. ઘણી જગ્યાએ પતિ અને પત્ની બંને પૈસા કમાવવા દોડે છે. સવારે ચા-નાસ્તો કરીને બસ પકડવાની હોય કે ટ્રેન પકડવાની હોય તો તણાવ ઉદ્ભવે છે. દીકરા કે દીકરીને સ્કૂલે મૂકવા જવાનું હોય તો તેની ચીજો યાદ કરાવવી પડે છે. સ્કૂલે મૂકવા જવા માટે દોડવું પડે છે. ઘરમાં સાસુસસરાનું તેમની ઉંમર અને તબિયતને ધ્યાનમાં રાખીને અલગ જમવાનું બનાવવાનું છે. બાળકને ફાસ્ટ ફૂડ પ્રકારનું ભાવે તો તે પ્રકારનું જમવાનું બનાવવાનું છે. પતિની ડિમાન્ડ પાછી અલગ હોય.

ઘરની સાફસફાઈ કરવાની હોય, શાકભાજી લાવવાનું હોય, કામવાળા પાસેથી કામ કઢાવવાનું હોય…આ બધાં કામોમાં પોતાના શરીરનું ધ્યાન એક ગૃહિણી રાખી શકતી નથી.

તો પતિને પણ ઘણાં ટેન્શન હોય છે. બૉસે આપેલું કામ પતાવવાનું છે. પ્રૅઝન્ટેશન બરાબર થાય અને ગ્રાહક ખુશ થાય તે જોવાનું છે. કાં તો સેલ્સ ટાર્ગેટ પૂરાં કરવાનાં છે. ઑફિસે સમયસર પહોંચવાનું છે, પરંતુ રસ્તામાં સ્કૂટરમાં પેટ્રોલ પણ પૂરાવવાનું છે અને બૅન્કમાં ચેક પણ જમા કરતા જવાના છે. ઑફિસમાંથી બૉસ અનિચ્છાએ રજા આપે તો પણ લઈને પેથોલૉજી લેબોરેટરીમાંથી પિતાજીના રિપૉર્ટ લેતા આવવાના છે. રાત્રે આવતી વખતે પત્નીએ કહેલી ચીજો લેતા આવવાની છે. રાત્રે થાક્યા પાક્યા ઘરે આવીને પત્નીની ફરિયાદો કે મીઠી વાતો કરવાની છે, બાળક સાથે ધીંગામસ્તી કરવાની છે. તેને સ્કૂલમાં શું થયું તેના વિશે પૂછવાનું છે.

આ બધી સ્થિતિમાં પતિને પણ પોતાના શરીરની કાળજી લેવાનો સમય મળતો નથી અને ક્યારે તેને હાર્ટ એટેક આવી જાય કે કેન્સર થઈ જાય તે ખબર પડતી નથી. જ્યારે અચાનક નિદાન થાય ત્યારે પરિવારજનો પર આભ તૂટી પડે છે.

પરંતુ આવું ન થાય તે માટે શું કરવું? તે માટે નિરોગી રહેવું એ શ્રેષ્ઠ ઉપાય છે. અને નિરોગી રહેવા માટે શાંતિ જરૂરી છે. શાંતિ માટે પૈસા કમાવવા માટે બહુ દોડવું નહીં. મોજશોખ બહુ ન રાખવા. પરંતુ તેના પર આજકાલ કોઈનો કાબૂ નથી. ભૌતિકવાદી દુનિયામાં બધાને કાર, બંગલો, સારા મોબાઇલ, લેપટોપ, વૉશિંગ મશીન, સ્માર્ટ ટીવી વગેરે જોઈતું હોય છે. તો કરવું શું?

એક ટૅસ્ટ એવો છે જેનાથી તમે જાણી શકશો કે તમારું હૃદય કેટલું સ્વસ્થ છે. તેનાથી તે પણ ખબર પડી જશે કે તમને ગંભીર બીમારી આવી શકે કે નહીં. આ ટૅસ્ટ એકદમ ફ્રી છે. આ વાત તાજેતરમાં કરાયેલા એક સંશોધનમાં  બહાર આવી છે.

યુરોપિયન સૉસાયટી ઑફ કાર્ડિયૉલૉજી દ્વારા કરાયેલા એક અભ્યાસ મુજબ, કેટલીક કસરતો દ્વારા તમે જાણી શકો છો કે તમને હાર્ટ એટેક, તણાવ અને કેન્સર થવાની સંભાવના છે કે નહીં. સાથે જ આ ગંભીર બીમારીઓથી તમારા પર મૃત્યુનું કેટલું જોખમ છે તે પણ તમે જાણી શકશો.

અભ્યાસ મુજબ, તમે કેટલી ઝડપથી દાદરા ચડી શકો છો તેના કારણે તમે જાણી શકો છો કે તમારી ઉંમર કેટલી લાંબી હશે. આ ટેસ્ટ ટ્રેડ મિલ પર ચાલીને પણ કરી શકો છો. તે મુજબ તમે એક મિનિટમાં ચાર દાદરા ચડી શકો તો તેનાથી તમારી હૃદયની તબિયતની જાણકારી મળે છે. એ પણ જાણવા મળે છે કે તમને ક્યાંક જલદી મૃત્યુ તો નહીં આવે ને.

જો તમે નિર્ધારિત સમયમાં દાદરા ચડી જાવ તો સમજજો કે તમારા હૃદયની તબિયત બરાબર છે. જો તેવું ન હોય તો તમારે અત્યારથી તમારી તબિયત પર ધ્યાન દેવાની જરૂર છે. આ ઉપરાંત સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે વજન ઓછું કરવા માટે કરવામાં આવેલી કસરતથી બ્લડ પ્રૅશર સામાન્ય રહે છે, શરીરમાં ઊર્જા જળવાય છે. તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત રહે છે જેના કારણે તમને કેન્સરની સંભાવના ઓછી રહે છે.

સંશોધનકર્તા મુજબ, જો તમે ક્યાંય અટક્યા વગર ખૂબ જ ઝડપથી ત્રણ કે ચાર દાદરા ચડી શકો તો સમજજો કે તમારું હૃદય ખૂબ જ સ્વસ્થ છે અને તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]