આઈવીએફ સાથે જોડાયેલી કેટલીક ભ્રમણાઓ…

નિ:સંતાન દંપતીઓ માટે આઈવીએફ સૌથી વૈજ્ઞાનિક અને સુરક્ષિત ટૅક્નિક છે. પરંતુ તેના વિશે દુનિયાભરમાં કેટલાક ભ્રમો પ્રવર્તી રહ્યાં છે. સૌથી વધુ પ્રશ્ન આઈવીએફ અંગે જો પૂછાતો હોય તો તે છે કે શું આઈવીએફના દ્વારા જન્મેલું બાળક નૉર્મલ હોય છે?આ પ્રશ્ન એટલા માટે ઉદભવે છે કે તેમાં ઈંડાની ફળદ્રુપતાની પ્રક્રિયા સામાન્ય નથી હોતી. તેમાં ઈંડાંને પ્રયોગશાળામાં ફળદ્રુપ કરવામાં આવે છે. તેના બેથી પાંચ દિવસના ભ્રૂણને ગર્ભાશયમાં મૂકવામાં આવે છે.

ભ્રૂણ ભલે પ્રયોગશાળામાં તૈયાર થતું હોય પરંતુ ભ્રૂણનો પૂરો વિકાસ માતાના ગર્ભમાં થાય છે અને આ વિકાસ એ જ રીતે થાય છે જેમ એક સામાન્ય ગર્ભાવસ્થામાં થાય છે. આથી આઈવીએફ દ્વારા ગર્ભવતી થનારી મહિલાને પણ એ જ અનુભવ થાય છે જે એક મહિલા સામાન્ય ગર્ભાવસ્થામાં કરે છે. બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પણ એ જ રીતે થાય છે જે રીતે પ્રાકૃતિક ગર્ભાવસ્થામાં બાળકનો થાય છે. બાળકનો જન્મ પણ કુદરતી રીતે જ થાય છે.

બીજી એક ભ્રમણા એ છે કે આઈવીએફ ગર્ભાવસ્થામાં સિઝેરિયન દ્વારા જ બાળકનો જન્મ થાય છે. હકીકત એ છે કે આઈવીએફમાં ભ્રૂણને તૈયાર માત્ર બહાર કરવામાં આવે છે. તેનો વિકાસ એ જ રીતે ગર્ભાવસ્થામાં થાય છે જેવી રીતે સામાન્ય ગર્ભાવસ્થામાં થાય છે. આથી સિઝેરિયનની એટલી જ સંભાવના હોય છે જેટલી સામાન્ય ગર્ભાવસ્થામાં થાય છે

એક ભ્રમણા એ છે કે આઈવીએફમાં ગર્ભપાતની સંભાવના વધુ હોય છે. હકીકત એ છે કે સામાન્ય રીતે રહેલા ગર્ભમાં ગર્ભપાતની સંભાવના ૧૦ ટકા હોય છે અને આઈવીએફમાં પણ ગર્ભપાતની સંભાવના એટલી જ હોય છે, વધુ નહીં. આઈવીએફ માત્ર ફળદ્રુપતાની જ પ્રક્રિયા છે. તેમાં પછી એ જ પ્રક્રિયા થાય છે જે સામાન્ય ગર્ભાવસ્થામાં થાય છે.

અન્ય એક ભ્રમણા એ છે કે આ ટૅક્નિક માત્ર યુવાન દંપતીઓ માટે ઉપયોગી છે. આ વાત સાચી નથી. આ ટૅક્નિકથી વધુ ઉંમરની મહિલાઓ ગર્ભવતી થઈ શકે છે. ત્યાં સુધી કે મેનૉપૉઝ પછી પણ મહિલાઓ ગર્ભવતી થઈ શકે છે. હા, એ વાત અલગ છે કે મેનૉપૉઝ આવી ગયેલી મહિલાએ કોઈ બીજી સ્ત્રીના ઈંડાંની મદદ લેવી પડે છે.

એક ભ્રમણા પણ છે કે આઈવીએફ પછી મહિલાએ નવ મહિના સંપૂર્ણ પથારીમાં આરામ જ કરવાનો હોય છે. ફરી એક વાર કહી દઈએ કે આઈવીએફ માત્ર ગર્ભવતી થવાની પ્રક્રિયા છે. જો એક વાર ભ્રૂણ ગર્ભાશયમાં આવી ગયું તો તે પછી બાળકનો વિકાસ એ રીતે જ થાય છે જેવો સામાન્ય ગર્ભાવસ્થામાં થાય છે. સ્વાભાવિક છે કે ડૉક્ટર સામાન્ય ગર્ભાવસ્થામાં મહિલાને જે કામ કરવાની છૂટ આપે છે તે જ છૂટ આઈવીએફથી ગર્ભવતી થયેલી મહિલાને પણ મળી શકે છે.

આ સાથે એક ભ્રમણા એ પણ છે કે આઈવીએફમાં બધાં ઈંડાં પૂરા થઈ જવાથી મહિલાઓમાં મેનૉપૉઝ જલદી આવી જાય છે. આ વાત પણ સત્ય નથી. દર મહિને મહિલાના ગર્ભાશયમાંથી ૨૫થી ૩૦ ઈંડાં નીકળે છે. તેમાંથી એક જ ઈંડું ફળદ્રુપતા માટે હોય છે. બાકીનાં ઈંડા પોતાની રીતે જ તૂટી જાય છે. આઈવીએફમાં આ બધાં જ ઈંડા કાઢી લેવામાં આવે છે. આ ઈંડા આમ પણ તૂટી જ જવાનાં છે. આથી આગલા મહિને બીજાં ઈંડાં નહીં બને તેવું નથી. મેનૉપૉઝ જલદી આવી જાય છે તે વાત પણ ખોટી છે.