સ્નૂઝનું બટન હૃદય માટે જોખમી!

મને તમારા પર ભરોસો નહીં કે?

આવો પ્રશ્ન ત્યારે પૂછવો જોઈએ જ્યારે તમે સવારે ચોક્કસ સમયે વહેલા ઊઠવા માટે એલાર્મ મૂકતા હો. તમને ખાતરી નથી હોતી કે તમે નિશ્ચિત સમયે ઊઠી શકશો કે નહીં. આથી તમે એલાર્મ મૂકીને સૂવો છો. પરંતુ એલાર્મવાળી ઘડિયાળમાં અથવા મોબાઇલ કે જે હવે તો અનેક સાધનોના બદલે એક સાધન તરીકે કામ કરે છે, તેમાં એલાર્મમાં પણ સ્નૂઝની સુવિધા મળે છે.

સ્નૂઝ એટલે તમે જો પાંચ કે દસ મિનિટ પછી ઊઠવા માગતા હો તો સ્નૂઝનું બટન દબાવી દો. એટલે થોડી વાર ઊંઘ લંબાઈ જાય. આ સુવિધા એટલા માટે હોય છે કે જો તમે એલાર્મ જ રાખ્યું હોય અને તમે તેને બંધ કરી ફરી સૂઈ જાવ તો ખબર ન રહે અને ઘરનાં કામ કે ઑફિસે જવા માટે મોડું થઈ જાય. એના બદલે સ્નૂઝનું બટન દબાવો તો તમને ખાસ મોડું ન થાય અને થોડી વધુ ઊંઘ પણ મળી જાય.

પરંતુ એક ન્યૂરૉસાયન્ટિસ્ટ એવું કહે છે કે વારંવાર સ્નૂઝનું બટન દબાવવાથી શરીર પર કાર્ડિયૉવેસ્ક્યુલર હુમલો થાય છે. તેનાથી તમારું ચેતાતંત્ર બગડે છે.

પ્રાધ્યાપક મેથ્યુ વૉકર યુનિવર્સિટી ઑફ કેલિફૉર્નિયાના સેન્ટર ફૉર હ્યુમન સ્લીપ સાયન્સમાં ભણાવે છે. તેમણે કેટલીક સલાહ આપી છે. એક અભ્યાસ મુજબ એવું જણાયું છે કે ૩૯ ટકા બ્રિટિશરો સાત કલાક કરતાં ઓછું સૂવે છે. મુખ્યપ્રવાહના સંશોધનમાં ઓછામાં ઓછું આઠ કલાક સૂવાની ભલામણ કરાઈ છે.

રાત્રે છ કે સાત કલાક કરતાં ઓછું સૂવાથી ઘણી બધી આરોગ્ય વિષયક સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેમાં હતાશા (ડિપ્રેશન), અલ્ઝાઇમર અને ચિંતાનો સમાવેશ થાય છે. ઉપરાંત અનેક અભ્યાસમાં એવું પણ જણાયું છે કે અપૂરતી ઊંઘના કારણે વજન પણ વધી શકે છે.

આથી વૉકરે સલાહ આપી છે કે તમે એલાર્મ મૂક્યું હોય તો એલાર્મ વાગવાના સમયે ઊઠી જ જાવ. આળસ ન કરો. સ્નૂઝનું બટન દબાવવાનું છોડી દો. વૉકર તો દિવસ દરમિયાન ઝપકી (પાવર નેપ) લેવાની પણ ના પાડે છે અને કૉફી પીવાની પણ ના પાડે છે.

આપણને ઊંઘ લાવતાં આપણા મગજનાં રસાયણોને કેફિન નિષ્ક્રિય કરી દે છે. આથી સ્લીપ સાયન્સના ડિરેક્ટર વૉકર વાળુ (ડિનર) પછી કૉફી પીવાની ના પાડે છે. તે કહે છે કે તમે કૉફી પીવો તે પછી લાંબા સમય સુધી, એટલે કે વહેલી સવાર સુધી કૉફીના દ્રવ્યો પૈકીના અડધા તમારા મગજમાં રહે છે.

ઘણા લોકો આનો રસ્તો ડીકેફ (કેફિનરહિત) કૉફી દ્વારા કાઢે છે. પરંતુ વૉકર તેની પણ ના પાડે છે. તેઓ કહે છે કે ડીકેફ કૉફી પણ સારો વિકલ્પ નથી કારણકે નિયમિત કૉફી કરતાં તેમાં ત્રીજા ભાગનો કેફિનનો ડૉઝ હોય જ છે. એટલે તમે જો ત્રણ કપ ડીકેફ કૉફી પીવો તો એક સામાન્ય કપ જેટલી કૉફી પીવા જેટલું નુકસાન તમારી ઊંઘને કરી શકે છે.

દિવસ દરમિયાન ઝપકી ખાવાની પણ વૉકર ના પાડે છે. તે બે તબક્કાની ઊંઘવાની પ્રણાલિનો પડઘો પાડે છે. કેન્યામાં શિકારી જાતિ છે તેમાં આ જ પદ્ધતિ છે. તેઓ રાત્રે સાત કલાક સૂવે છે અને દિવસ દરમિયાન ૩૦થી ૬૦ મિનિટ. (આપણા રાજકોટવાસીઓની જેમ.)

કેટલાક યુરોપીય દેશોમાં તે સિએસ્ટા તરીકે ઓળખાય છે. આ દિવસની ઊંઘથી ક્ષણિક તમને સ્ફૂર્તિ લાગે પરંતુ તે લાંબા ગાળે મગજનાં જટિલ કાર્યો (કૉગ્નિટિવ ફંક્શન)ને તે સહાય કરતી નથી. આ કાર્યોમાં નિર્ણય લેવાની શક્તિ- લાગણીશીલ સ્થિરતાનો સમાવેશ થાય છે.

આમ, તમારે નિયમિત સૂવાની અને ઊઠવાની તથા આઠ કલાક રાત્રે ઊંઘ લેવાની ટેવ પાડવી જોઈએ તેવો વૉકરભાઈનો મત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]