શિલ્પા શેટ્ટીની સુડોળતા અને સુંદરતાનું રહસ્ય?

શિલ્પા શેટ્ટીનો આઠ જૂને જન્મદિન ગયો. અત્યારે ૪૪ વર્ષની વયે પણ તે એકદમ સુંદર અને સુડોળ લાગે છે. તે અભિનેત્રી, વેપારી તેમ જ તેથી વધુ આરોગ્ય અને ચુસ્તીસ્ફૂર્તિની નિષ્ણાત છે. તે માને છે કે ઉંમરને ચુસ્તીસ્ફૂર્તિ સાથે કંઈ લાગતુંવળગતું નથી. જોકે તેને એક દુઃખ જરૂર છે કે તેને આ વાત મોડી ખબર પડી.

પરંતુ તેનાથી કંઈ ફરક પડતો નથી. આજે ઘણી સ્ત્રીઓ શિલ્પા શેટ્ટીની જેમ, ઉંમર વધે તેમ વધુ ને વધુ સુંદર દેખાતી જાય છે. ચાલીસીની અંદર રહેલી સ્ત્રીઓ હોય કે હેમા માલિનીની જેમ સાઠી વટાવી ગયેલી સ્ત્રીઓ હોય. શિલ્પા શેટ્ટીનું પોતાની ચુસ્તીસ્ફૂર્તિ માટેનું ધ્યાન રાખવું તે જ બાબત તેને આટલી સુંદર બનાવે છે. જોકે આ વાતના કારણે આ ક્ષેત્રની તે નિષ્ણાત પણ બની ગઈ છે. પેલું કહેવાય છે ને કે બીમાર પડ્યાં તો એટલા ઊંડે સુધી ગયાં કે પોતે જ અઘોષિત ડૉક્ટર બની ગયા.

શિલ્પા શેટ્ટી એક સારી સ્ત્રી વેપારી પણ છે. તે પોતાના જ્ઞાનનો આર્થિક રીતે ઉઠાવવાની રીતો જાણે છે. આથી જ તેણે શિલ્પા શેટ્ટી ઍપ લૉન્ચ કરી છે. આ ઍપ પહેલાં આઈઓએસ પર લૉન્ચ થઈ છે અને પછી ગૂગલ પ્લે સ્ટૉર પર આ મહિનામાં જ લૉન્ચ થશે. પોતાના દરેક કાર્યને વધુ સારું ગણાવવું તે ફિલ્મ કલાકારોની આવડત હોય છે. શિલ્પા શેટ્ટી પણ તેમાં આવી જાય છે. તે કહે છે કે આ ઍપ તેના હૃદયની સૌથી નજીક છે. તેનો હેતુ લોકોને તેમનાં ઈચ્છિત ધ્યેયોને સાદા અને સરળ રસ્તે પ્રાપ્ત કરાવવાનો છે.

આ ઍપમાં ૨૧ દિવસના વજન ઉતારો કાર્યક્રમનો સમાવેશ થાય છે. આવા લગભગ ૧૫ કાર્યક્રમો છે. વજન ઉતારવાના કાર્યક્રમમાં રોજની યોગ દિનચર્યા, સપાટ પેટ કાર્યક્રમ, ગર્ભાવસ્થા પછીનો વજન ઉતારવાનો કાર્યક્રમ, આહારની યોજના વગેરે છે.

આ ઍપ હજુ તો લૉન્ચ જ થઈ ત્યાં તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આઈઓએસ પ્લેટફૉર્મ પર તે આરોગ્ય અને ચુસ્તીસ્ફૂર્તિની ઍપમાં ત્રીજા ક્રમે પહોંચી ગઈ છે.

શિલ્પા પોતે સારી વાચક છે. તેને આરોગ્ય અને સુખાકારી વિશે વધુ ને વધુ જાણવું અને વાંચવું ગમે છે. તેના લીધે જ તેની આ યાત્રા શરૂ થઈ. તે પોતાની જાતને કહેતી કે કંઈ પણ સારું કામ શરૂ કરવા માટે કોઈ સમયની રાહ ન જોવી. ગમે તે ઉંમરે, ગમે તે તબક્કે તે શરૂ કરી દેવું.

આથી જ તેણે યોગની ડીવીડી બહાર પાડી. તેની સુખાકારીની ચેઇન આઈઓસિસ જેની તે સહસ્વામિની છે, તે પણ તેણે શરૂ કરી. વર્ષ ૨૦૧૮માં તેણે એક સ્ટાર્ટ અપ શરૂ કર્યું અને હેલ્થ એન્ડ વેલનેસ પર એક પુસ્તક પણ પ્રસિદ્ધ કર્યું અને હવે આ ઍપ!

અભિનેત્રી અને સેલિબ્રિટીને સૌથી વધુ ચિંતા ગર્ભાવસ્થા પછી વજન ઉતારીને સુડોળ દેખાવાની હોય છે. કોઈ પણ વ્યક્તિ ગમે તેટલા પ્રયત્નો કરે, તેનું વજન વધતું જ હોય છે. શિલ્પા શેટ્ટી પણ આવી ચિંતામાં હતી. તેને એ પણ ખબર હતી કે લોકોને પણ આવી ચિંતા હોય છે. તેથી તેને લાગ્યું કે આ રહસ્ય બધાને બતાવવા જેવું છે. આ કંઈ અટપટું વિજ્ઞાન નથી. તમે બીજી કોઈ વ્યક્તિને કોઈ ઉત્તમ ભેટ આપવા માગતા હો તો તે તમારા પોતાના સારા આરોગ્યની છે.

કેલ સ્મૂથી કે એવોકેડોને તમારા આહારમાં જોડવું તે કરવાથી જ કંઈ ચુસ્તીસ્ફૂર્તિ મળી ન જાય તેમ શિલ્પા માને છે અને આથી જ તેની આહાર યોજનામાં ઘરના સ્વાદિષ્ટ ભોજનનો સમાવેશ થાય છે.

વાત તો સાચી છે. આપણાં ઘરમાં માતા, બહેન કે પત્ની જે ભાવથી રસોઈ બનાવે તે ભાવ જ આપણને આનંદ આપતો હોય છે. બહારની વ્યક્તિ ભાવના બદલે એક વ્યાવસાયિક (પ્રૉફેશનલ) કામ સમજીને બનાવવાની. બીજું કે ઘરમાં માતા, બહેન કે પત્નીને આપણી ટેવો અને આપણી તબિયતની ખબર હોય છે. તેથી તે આ પ્રમાણે જ રસોઈ બનાવે. અને એટલે જ યોગ, કસરતો વગેરેની સાથે ઘરનું ભોજન એ ઉત્તમ આરોગ્યની એક મહત્ત્વની ચાવી છે.