માતાની મોટી મૂંઝવણઃ બાળકોનું ચીડિયાપણું

જના બાળકો વધુ પડતા હાઇપર બની ગયા છે. બાળકોમાં વધુ પડતી ચંચળતા, ઝંપીને એક જગ્યાએ ન બેસવું, એકાગ્રતાનો અભાવ, ચીડિયાપણું વધી રહ્યુ છે. ભણવામાં કે રમવામાં તેનુ મન નથી લાગતું. શું તમારા બાળકને પણ આવું જ થઇ રહ્યુ છે? તો એનુ કારણ છે મોબાઇલ ફોન…મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગથી તમારા બાળકને માનસિક રોગની અસર થઇ શકે છે. મોબાઇલ એડિક્શન એટલે કે મોબાઇલ, ટેબ અને સ્ક્રીનની આદતની તેના પર ખરાબ અસર પડી શકે છે.જો બાળકો દરોરજ બે કલાકથી વધુ મોબાઇલનો ઉપયોગ કરતા હોય તો તેમને આ રીતે ઉપયોગ કરવા ન દેવો. કારણ કે તેની સીધી અસર તેના મગજ પર પડે છે. અને તેના શારીરિક વિકાસ પર પણ પડે છે. તેનો પૂરતો શારીરિક વિકાસ પૂરતો થઇ શકતો નથી. બાળકો મોબાઇલનો ઉપયોગ કરે છે ત્યારે તેનુ મગજ એમાં જ વ્યસ્ત રહે છે. તેનું મગજ મોબાઇલની ગેમ્સ કે યુ ટ્યુબ પર જોઇ રહેલા વિડીયો પર હોય છે ત્યારે તેનું મગજ સતત તેમાં જ વ્યસ્ત રહેવાથી તેના મગજ પર અસર થાય છે. આ ઉપરાંત વોટ્સએપ, ફેસબૂક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ તેના માટે ખતરનાક સાબિત થઇ શકે છે. થોડા સમય પહેલા બ્લૂ વ્હેલ ગેમનું ચલણ હતુ જેમાં અનેક બાળકોનો ભોગ લેવાયો. ત્યારબાદ આ ગેમ પર બેન લાદવામાં આવ્યો હતો. આના પરથી ખબર પડી શકે છે એક ગેમ એક બાળકના મન અને મગજ પર કેટલી હાવી થઇ શકે છે.

બાળક વધુ પડતો સમય તેની માતા સાથે વિતાવે છે. ત્યારે માતાની વધુ ફરજ બને છે કે બાળક મોબાઇલનો ઉપયોગ બને તેટલો ઓછો કરે. કેટલાક માતા પિતા નાનપણથી બાળકને મોબાઇલ ફોન, આઇ પેડ અપાવે છે જે બાળક માટે નુક્સાનકારક છે. માતા પિતા એ હેતુથી પણ અપાવતા હોય છે કે તેમનુ બાળક ભણવાના હેતુથી તેનો ઉપયોગ કરશે કે પછી સારું જાણવામાં ઉપયોગ કરશે. પરંતુ બાળક કેટલીકવાર ખોટી લત પર પણ ચડી જાય છે. ખોટા મિત્રોની લત પણ આના માટે કારણભૂત હોય શકે છે. બાળક નાદાન હોય છે એમને સમજ નથી હોતી કે એ શું કરી રહ્યાં છે અને નાદાનીમાં એ અમુક માહિતીની પણ આપલે કરી દે છે જે ઘણીવાર ઘાતક સાબિત થઇ શકે છે.ઘણીવાર જંકફૂડ પણ આનું કારણ બની શકે છે. જંકફૂડ ખાઇને થતા ઇન્ફેક્શનને કારણે ખાવી પડતી દવાઓની અસર પણ થઇ શકે છે. દવાઓ તેમજ ફૂડ પ્રોડક્ટ્સને કલરફૂલ બનાવતા તેમજ સેલિબ્રિટીઝની એડવર્ટાઇઝ, પ્રિઝર્વેટિવ્સના કારણે નાના બાળકોથી લઇને યંગસ્ટર્સમાં પણ હાઇપર એક્ટિવિટી વધી છે. પ્રિઝર્વ કરવા માટે વપરાતા કેમિકલ્સ પણ બાળકોને હાઇપર બનાવે છે. તો બાળકોને બને તેટલુ ઘરના ખાવાની ટેવ પાડવી જોઇએ. શારીરિક રીતે જોવા જઇએ તો બાળકો જો મોબાઇલનો વધુ પડતો ઉપયોગ કરે છે તો ભવિષ્યમાં આંખની દ્રષ્ટિ પર પણ અસર પડી શકે છે. તેના કારણે તેને માયોપિયા નામની બિમારી એટલે કે દ્રષ્ટિની ખામી થઇ શકે છે. મોબાઇલનો વધુ પડતો ઉપયોગ બાળકનો માનસિક વિકાસ પણ પૂરતો નથી થવા દેતો. બાળક મોબાઇલની દુનિયામાંથી બહાર જ નથી નીકળી શકતો અને જેથી આગળ વધુ કંઇ વિચારી જ નથી શકતો. જો કે આજના પેરેન્ટ્સ જ એટલા હાઇપર બની ગયા છે કે બાળક તો હાઇપર બનશે જ. તો આની પહેલા પેરેન્ટ્સએ પોતાના પર ધ્યાન આપવુ પડશે અને બાળકોને સમય આપવો પડશે. તો તમારા બાળકો તમારા હાથમાં રહેશે અને તેમનો પૂરતો વિકાસ થશે.