નવી મેલેરિયા વિરોધી દવાના આશાસ્પદ પરિણામો

ચ્છરને મારી નાખતી એક ઔષધિ (દવા)થી નાનાં બાળકોમાં મેલેરિયા થવાની સંભાવના ૨૦ ટકા ઘટે છે તેમ એક અજમાયશ (ટ્રાયલ)ના પરિણામોમાં જાણવા મળ્યું છે. મેલેરિયા સંક્રમણ થવાની ઋતુમાં દર ત્રણ સપ્તાહે આઇવરમેક્ટિન નામની દવા વ્યાપક રીતે દેવાથી પાંચ કે તેથી નાની ઉંમરના બાળકોમાં મેલેરિયા થવાની શક્યતા પાંચમા ભાગની થઈ જાય છે તેમ ‘ધ લેન્સેટ’ જર્નલમાં પ્રકાશિત અજમાયશમાં જણાવાયું છે.

આઈવરમેક્ટિન દવા રિવર બ્લાઇન્ડનેસ અને સ્કેબિઝ નામના ત્વચાના રોગથી લઈને હેડલાઇસથી થતાં સંક્રમણની સારવાર કરવા વપરાતી દવા છે. અમેરિકામાં કૉલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના સંશોધક બ્રાયન ડી. ફોય કહે છે કે “આઈવરમેક્ટિન વ્યક્તિના લોહીને તેમને કરડવા આવતા મચ્છરો માટે જીવલેણ બનાવી દે છે. મચ્છરો તેનાથી મરી જાય છે. આથી બીજાને મેલેરિયાનો ચેપ લાગવાની શક્યતા ઘટી જાય છે અને આ રીતે તે મેલેરિયાના નવા કેસોની સંભાવના ઘટે છે.”

ફોય કહે છે, “આઈવરમેક્ટિન અન્ય મેલેરિયા નિયંત્રક દવા અને મેલેરિયા વિરોધી દવાઓની સરખામણીએ અનોખી કાર્યપદ્ધતિ ઘટાડે છે. રોગ બીજામાં ન ફેલાય તે માટે મેલેરિયાની સારવાર માટે લેવાતી દવાની સાથે તેને લઈ શકાય છે.” અભ્યાસ માટે ટીમે ૧૮ સપ્તાહની અજમાયશ દરમિયાન મેલેરિયાનું નિયંત્રણ કરવા વારંવાર વ્યાપક આઈવરમેક્ટિન આપવાની સલામતી અને અસરકારકતાનું પરીક્ષણ કર્યું હતું.

આ ટીમમાં પશ્ચિમ આફ્રિકાના બુર્કિના ફાસોનાં આઠ ગામોનાં ૫૯૦ બાળકો સહિત ૨,૭૦૦ લોકો હતાં. હસ્તક્ષેપ જૂથમાં ૧,૦૮૦ અને નિયંત્રણ જૂથમાં ૯૯૯ લોકો જે તમામ લાયક નિવાસી હતા તેમને એક ૧૫૦/૨૦૦ µg/kgની આઈવરમેક્ટિનની માત્રા તેમજ આલ્બેન્ડેઝોલની ૪૦૦ મિલીગ્રામની માત્રા મળી હતી. આલ્બેન્ડેઝોલ એ કીડા વિરોધી દવા છે. હસ્તક્ષેપ જૂથને એકલી આઈવરમેક્ટિનનો વધુ ત્રણ સપ્તાહની પાંચ માત્રા મળી.

વર્ષ ૨૦૦૦થી વૈશ્વિક સ્તર પર મેલેરિયાથી થતાં મૃત્યુમાં ૪૮ ટકા ઘટાડો થયો છે. હવે મેલેરિયાથી ખૂબ પ્રભાવિત એવા થોડા જ પ્રદેશો રહ્યા છે. જોકે આ સફળતામાં જેનો મુખ્ય ફાળો છે તે દવા આર્ટેમિસિનિન સામે પ્રતિકાર સતત વધી રહ્યો હોવાથી આ પ્રગતિ ઘટી છે.

મેલેરિયાગ્રસ્ત માનવોમાં આઈવરમેક્ટિનની વારંવાર સારવારથી શંકાસ્પદ સીધી મેલેરિયા વિરોધી અસરોની તપાસ કરવા હજુ પણ અભ્યાસોની જરૂર તો છે જ તેમ આરોગ્યનિષ્ણાતો કહે છે.

વર્ષ ૨૦૧૫માં, વિશ્વ આરોગ્ય અહેવાલમાં જણાવાયું હતું કે વિશ્વભરમાં ૨૧.૪ કરોડ કેસ મેલેરિયાના હતા જેના લીધે ૪.૩૮ લાખ મૃત્યુ થયાં હતાં. વર્ષ ૨૦૦૦ની સાથે સરખામણી કરવામાં આવે તો કેસોમાં ૧૮ ટકા ઘટાડો થયો હતો અને મૃત્યુમાં ૪૮ ટકા ઘટાડો થયો હતો. જોકે આનાથી સંતોષ માનીને બેસી રહેવાય તેમ નથી કારણકે દક્ષિણ પૂર્વ એશિયામાં એટલે કે વિયેતનામથી આપણા પડોશી મ્યાનમાર તેમજ પાકિસ્તાનમાં મેલેરિયાના કેસોમાં ચેતવણીરૂપ વધારો થયો છે. અને આપણા પડોશી દેશોમાં હોય એટલે આપણે ત્યાં આવે જ. આથી જ આ રોગ માટે નવી સારવાર વિકસાવવી તાત્કાલિક જરૂરિયાત બધા માટે બની ગઈ છે.

ભારતની વાત કરીએ તો (આઈવરમેક્ટિન હજુ અજમાયશના તબક્કામાં છે ત્યારે) પશ્ચિમમાં જે ચિકિત્સા પદ્ધતિઓ વિકસી છે તેનો ઉપયોગ ભારતમાં કરવો થોડો મુશ્કેલ બને છે કારણકે ભારત અને પશ્ચિમમાં વ્યક્તિ અને જંતુના સંબંધો અલગ હોઈ શકે છે. આપણા જનીનો, ચેપનો આપણો ઇતિહાસ, રોગપ્રતિકારક ક્ષમતા તેમજ પર્યાવરણ સંબંધિત પરિબળોને ધ્યાનમાં લેતાં, યુરોપની વસતિ પર જે સારવાર સારી રીતે લાગુ પડે તે ભારતના લોકો પર સારી રીતે લાગુ પડે જ તેમ કહી શકાય નહીં. આથી જ હવે ભારતના લોકોને મેલેરિયાથી બચાવવા માટે શ્રેષ્ઠ ઉપાયો કયા હોઈ શકે તે માટેના માર્ગો શોધવા જરૂરી બની ગયા છે.

કંટ્રૉલ્ડ હ્યુમન ઇન્ફેક્શન મૉડલ (સીએચઆઈએમ) અભ્યાસો એવા રસ્તા બતાવે છે જેના દ્વારા ઉપરોક્ત કાર્ય થઈ શકે છે. આ પ્રકારના અભ્યાસમાં સંપૂર્ણ તંદુરસ્ત પુખ્ત સ્વયંસેવકમાં રોગના કાળજીપૂર્વક પસંદ કરાયેલા બળ સાથે ચેપ લગાડવાનો હોય છે. સંશોધકો ચેપની પ્રગતિનું અવલોકન કરે છે. તેનો સારવારને કેવો પ્રતિસાદ મળે છે તે જુએ છે અને કુદરતી રીતે તેમજ રસી વગેરે દ્વારા જે પ્રતિસાદ હોય તેની અસરકારકતા જુએ છે. સ્વયંસેવકને કોઈ નુકસાન ન થાય તે માટે જંતુના બળથી લઈને સમય, માર્ગ અને ચેપની માત્રાને નિયંત્રિત કરાય છે. આ રીતે સંશોધકો રોગ વિશે અને તેની સારવાર વિશે ખૂબ જ ચોકસાઈપૂર્વકનાં અવલોકનો કરી શકે છે.