કામના સ્થળે લોકો બીમાર થઈ રહ્યા છે!

સ્ટ્રેલિયામાં પાંચમાંથી ચાર નોકરિયાત લોકો અસુરક્ષિત નોકરીના વાતાવરણમાં છે અને તેઓ તેના કારણે ઘાયલ થઈ રહ્યા છે, બીમાર થઈ રહ્યા છે અથવા તો પછી કામના સ્થળે ખરાબ સ્થિતિના કારણે બંનેથી પીડિત થઈ રહ્યા છે. એક સર્વેક્ષણમાં આ તારણ બહાર આવ્યું છે. સમાચાર સંસ્થા સિન્હુઆના અહેવાલમાં કહેવાયું છે કે ‘વર્ક શુડન્ટ હર્ટ’ નામના આ સર્વેક્ષણને ઑસ્ટ્રેલિયન કાઉન્સિલ ઑફ ટ્રેડ યુનિયન્સે તાજેતરમાં જાહેર કર્યો હતો. આ સર્વેમાં ૨૬ હજાર કામદારોનું સર્વેક્ષણ કરાયું હતું.

આ સર્વેક્ષણમાં એ ઘટસ્ફોટ પણ થયો છે કે લગભગ ૮૦ ટકા લોકો પોતાના કામના કારણે ઘાયલ, બીમાર અથવા બંને છે. જ્યારે ૧૬ ટકા લોકો કોઈ એવા માણસને જાણતા હતા જેનું કામ દરમિયાન એટલે કે નોકરી પર હતો કે હતી ત્યારે મૃત્યુ થયું હતું કે પછી કામ સાથે જોડાયેલી બીમારીઓના કારણે મૃત્યુ થયું હતું. તેમાં એ પણ જાણવામાં આવ્યું કે ૪૭ ટકા સહભાગીઓએ જણાવ્યું કે ગત ૧૨ મહિનાઓમાં તેમને કામ દરમિયાન સંકટપૂર્ણ કે દર્દજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો અને ૩૧ ટકા લોકોએ કહ્યું કે તેમને સહકર્મચારીઓ કે ગ્રાહકો દ્વારા ગાળો અપાઈ, ધમકી અપાઈ કે તેમને માર મારવામાં આવ્યો.

પાંચમાંથી ત્રણ કામદારોએ કહ્યું કે છેલ્લા ૧૨ મહિનાઓમાં તેઓ ખરાબ માનસિક સ્વાસ્થ્યનો સામનો કરી રહ્યા છે કારણકે તેમના નિયોક્તા (રોજગાર પ્રદાતા) કામ કરવાની અસુરક્ષિત સ્થિતિને સુધારવામાં નિષ્ફળ છે. એસીટીયૂના સહાયક મંત્રી લિયામ ઑબ્રાયને ફૅરફૅક્સ મિડિયાને જણાવ્યું કે ઈજા થવાથી કે માનસિક સ્વાસ્થ્ય ખરાબ થવાની ઘટનાઓથી સંપૂર્ણ પણે બચી શકાતું હતું. તેમણે કહ્યું કે “કામના સ્થળે કોઈને તકલીફ ન થવી જોઈ- ચાહે તે માનસિક રીતે હોય કે શારીરિક રીતે હોય.” તેમણે વધુમાં કહ્યું, “’વર્ક શુડન્ટ હર્ટ’ સર્વેક્ષણથી ખબર પડે છે કે ઘણા બધા નોકરિયાત લોકો કામના સ્થળે હિંસા, પ્રતાડના અને કામકાજની ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેમાંથી ઘણી બધી બાબતોને રોકી શકાય છે.”

હવે કામના સ્થળે જે શારીરિક બીમારી થવાની શક્યતા હોય છે તેને કેવી રીતે રોકી શકાય તે પણ જોઈએ. નોકરીનાં ઘણાં સ્થળો ચોખ્ખાં નથી રખાતાં. સફાઈ બરાબર થતી નથી. સફાઈ બરાબર થવી જોઈએ. સફાઈ કર્મચારી તો આવતા હોય છે, પરંતુ પૂરતી સફાઈ થાય તેનું ધ્યાન રોજગાર પ્રદાતાથી માંડીને નોકરિયાત સુધીના લોકોએ રાખવું જોઈએ. કર્મચારીઓએ પોતાનું ટેબલ સાફ રાખવું જોઈએ. ગંદકી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ.

નોકરીના સ્થળે મચ્છર ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. મચ્છર થયા હોય તો મચ્છરનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. નોકરીના સ્થળે જાવ ત્યારે ફેશન કરવા કરતાં મચ્છર ન કરડે તે માટે આખી બાંયનાં અને પગ પૂરતાં ઢંકાય તેવાં કપડાં પહેરવાં જોઈએ.

નોકરીના ઘણા સ્થળે શૌચાલયમાં હાથ ધોવા માટે સાબુ કે પ્રવાહી નથી હોતું. આ આપવું રોજગાર પ્રદાતાની ફરજમાં આવે છે. પરંતુ માનો કે કોઈ કારણસર રોજગાર પ્રદાતા તેની ઉપેક્ષા જ કરે છે તો તમે ખિસ્સામાં કે પર્સમાં નાનો સાબુ કે હૅન્ડ સેનિટાઇઝર રાખો. તમે બેસતાં હો તે ડેસ્ક, કી બૉર્ડ, ટેબલ, માઉસ, વગેરે સ્વચ્છ રાખો.

જો તમે માંદા હો તો

  • તમે ધ્યાન રાખો કે તમને છીંક આવે ત્યારે નાક આડે રૂમાલ અવશ્ય રાખો.
  • તમને ઉધરસ આવે ત્યારે પણ મોઢા આડે હાથ કે રૂમાલ રાખો.
  • હાથ મેળવવાની પ્રથા વિદેશી છે. તેના બદલે બે હાથ જોડી નમસ્તેથી અભિવાદન કરો.
  • માંદા હો ત્યારે તમારું ભોજન બીજાને આપો નહીં. બીજા કોઈનું કમ્પ્યૂટર પણ વાપરો નહીં.

જો તમે માંદા હો તો રજા લઈ ઘરે આરામ જ કરો. માંદગીમાં આમેય તમારાથી કામ નહીં થાય. એટલે પોતે બહુ કામઢા છો અને માંદગીમાં પણ કામ કરો છો તેવો દેખાડો કરવાની જરૂર નથી. તમારી માંદગીના લીધે તમારી કંપનીના કામને તો અસર થશે જ પરંતુ બીજા કર્મચારીઓમાં પણ માંદગીનો ચેપ લાગી શકે છે. રોજગાર પ્રદાતાએ પણ ઉપરોક્ત કારણસર જ માંદા વ્યક્તિને સામેથી રજા આપવાનું વિચારવું જોઈએ.