માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે સકારાત્મકતા જરૂરી!

માનસિક બીમારી અંગે અનેક મનોચિકિત્સકો સકારાત્મકતા રાખવાનું કહે છે. તો માનસિક બિમારીનો અનુભવ કરી ચૂકેલી અભિનેત્રી દીપિકા પદુકોણ લોકોને હતાશામાંથી બહાર આવવા ભારપૂર્વક કહે છે. પોતાના દમદાર અભિનયથી લોકોમાં ચાહના પામેલા ૩૪ વર્ષીય સુશાંત સિંહ રાજપૂતે પોતાના ઘરે આત્મહત્યા કરી લેતાં તેના ચાહકો તેમજ અનેક ફિલ્મી હસ્તીઓને આઘાત લાગ્યો છે. પોલીસ તપાસમાં સુશાંત સિંહના ઘરેથી ડિપ્રેશનના ઇલાજ માટે તેના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન તેમજ દવાઓ મળી આવી છે. બુદ્ધિશાળી તેમજ અનેક વિષયોનું જ્ઞાન ધરાવનાર સુશાંત સિંહ રાજપૂત કુશળ કલાકાર હતો. તેમજ તે બહુ મહેનતુ અને અભ્યાસુ પણ હતો.

અનેક ફિલ્મી હસ્તીઓએ સુશાંત સિંહને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી. ફિલ્મ અભિનેત્રી દીપિકા પદુકોણે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક લાગણીસભર નોટ શેર કરી છે. જેમાં તેણે માનસિક હતાશામાંથી બહાર આવવું ખૂબ જ જરૂરી છે એ વાત ભારપૂર્વક લખી છે. દીપિકાએ માનસિક તાણથી ઝઝૂમતા દરેક લોકોને ભારપૂર્વક લખ્યું છે, ‘તમે પોતાની સમસ્યા વિશે કોઈ સાથે વાત કરો, જણાવો. કોઈની મદદ લો.

દીપિકાએ પોસ્ટ કરેલી નોટમાં લખ્યું છે, ‘માનસિક બીમારીનો અનુભવ લઇ ચૂકેલી વ્યક્તિ તરીકે હું ભારપૂર્વક જણાવું છું કે, તમે તમારી સમસ્યાનો ઉકેલ મેળવો. તમારી સમસ્યા વિશે કોઈને જણાવો, વાતો કરો. કોઈની મદદ લો. તમે તમારી લડાઈમાં એકલા નથી. યાદ રાખો, આમાં આપણે બધા આ વાતમાં સાથે છીએ. સૌથી મહત્વપૂર્ણ વાત છે, આશા રાખો!’

વર્ષ 2017માં સુશાંત સિંહની ફિલ્મ ‘રાબતા’નું એક ગીત દીપિકા પદુકોણ પર ચિત્રિત થયું હતું. દીપિકા પણ ડિપ્રેશનથી લડી ચૂકી છે અને આ જ માનસિક તાણ માટે ‘લિવ લવ લાફ’ નામનું ફાઉન્ડેશન પણ ચલાવી રહી છે.

થોડાં વર્ષો પહેલાં દીપિકા પદુકોણને માનસિક બીમારી નિદાન થઈ હતી. તે કહે છે, ‘માનસિક તાણના એ ભયાનક દિવસોમાં સવારે ઉઠું તો બધું ખાલી ખાલી લાગે. કોઈ દિશા જ ના જડે, બધું દિશાવિહીન લાગતું. મારે ક્યાં જવું, શું કરવું, કંઈ સૂઝતું જ નહોતું. એમાં ને એમાં હું વાતે વાતે અચાનક રડી પડતી. મેં રીતસરની આ બાબત માટે ડોક્ટરોની મદદ માંગી છે.’

આ વાતના બે-ત્રણ વર્ષ બાદ માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થતાં દીપિકા પદુકોણે પીટીઆઈ એજન્સીને જણાવ્યું કે, ‘માનસિક તણાવ, હતાશા સાથે લડવું એ એક બહુ ભયંકર અનુભવ છે.’ વધુમાં તેણે જણાવ્યું, ‘મને નથી લાગતું કે, હું આ માનસિક બીમારીથી સંપૂર્ણ સાજી થઈ હોઉં. મને હંમેશાં એક ડર લાગ્યા કરે છે કે, આ બીમારી ફરીથી ઉથલો ના મારે. કારણ કે, માનસિક તાણનો બહુ ખરાબ અનુભવ મને રહ્યો છે.’

દીપિકાએ બાદમાં વર્ષ 2015માં માનસિક રોગોથી લડતાં લોકો માટે ‘લિવ લવ લાફ ફાઉન્ડેશન’ શરૂ કર્યું છે. માનસિક તાણ અંગે આપણા વડીલો તેમજ શિક્ષકો પણ એક સલાહ અચૂક આપતા આવ્યાં છે કે, ‘તમે કોઈ પણ દુઃખનો મનમાં સંગ્રહ ના કરો. કોઈને તમારી વાત કહીને તમારું મન હળવું કરી લો. કહી ના શકતા હોવ તો તમારા મનની વાતને કોઈ કાગળમાં લખી દો પછી કાગળ ફાડીને કચરાની ટોપલીમાં ફેંકી દો.’

દરેક વ્યક્તિ પછી એ પ્રાથમિક શાળાનું બાળક હોય, કે કોલેજના ટીનેજર, કે પછી વ્યવસાય કે કેરિયર માટે ફાંફા મારતા યુવાનો હોય, વેલ સેટલ્ડ વ્યક્તિને પણ કોઈક માનસિક દ્વિધા હોઈ શકે છે. આવી વ્યક્તિ આપણી આસપાસ પણ જોવા મળી શકે છે. પરંતુ એવી વ્યક્તિને કઈ રીતે ઓળખાય જેથી તે વ્યક્તિને મદદરૂપ થઇ શકાય?

1. માનસિક લક્ષણોમાં એ વ્યક્તિ એકલી, બધાથી દૂર અને હંમેશાં દુઃખી રહેતી હોય છે અને બધી વાતોમાં પોતાની જ ભૂલ થઈ છે. એવું જણાવ્યા કરતી હોય છે.

2 શારીરિક લક્ષણોમાં આવી વ્યક્તિ રાત્રે શાંતિથી સૂઈ શકતી નથી. હંમેશા થાકેલી દેખાય એનો અવાજ પણ ધૂંધવાયેલા જેવો ધીમો હોય છે.

3. ડિપ્રેશનમાં રહેતી વ્યક્તિ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનું ટાળે છે. તેને ક્યાંય જવું, કોઈ સાથે બોલવું ગમતું નથી. તેઓ એકલા જ રહેવાનું પસંદ કરે છે.

4. આવી વ્યક્તિ હંમેશા વિચારોમાં ખોવાયેલી હોય છે. તેમના મગજમાં ખોટા વિચારો આવતા રહે છે. તેમને ડર લાગ્યા કરતો હોય છે.

5. ડિપ્રેશનવાળી વ્યક્તિ મુક્ત મને હસી નથી શકતી.

6. ડિપ્રેશન વાળા લોકો માટે ભાગે નકારાત્મક વિચાર જ કરતા હોય છે. કોઈ સારી સકારાત્મક વાતમાં પણ તેઓ નકારાત્મકતા જોવા લાગે છે.

7. હતાશ વ્યક્તિ કોઈપણ કારણ વગર રડી પડે છે. તેમને હંમેશા અશક્તપણું લાગતું હોય છે. માથું દુખ્યા કરે, હદયના ધબકારા વધી જાય અને પરસેવો છૂટતો હોય છે.

માનસિક તાણથી બચવાના અમુક સાદા ઉપાયો:

1. દરરોજ કસરત અથવા યોગાસન કરો.
2. સમયસર જમવાનું રાખો.
3. સમયસર ઉંઘો.
4. પોતાના પર વિશ્વાસ રાખો.
5. બહુ વિચાર ના કરો .
6. પોતાના પરિવાર સાથે સમય વિતાવો.
7. સકારાત્મક વિચાર કરો.

માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે સકારાત્મકતા રાખવી, એ સૌથી ઉત્તમ ઉપાય છે એવું મનોચિકિત્સકો પણ કહેતાં હોય છે. તમે કોઈ સારી પ્રવૃત્તિમાં પણ તમારું ધ્યાન કેન્દ્રિત કરીને હતાશામાંથી બહાર આવી શકો છો. છતાં જો તમે માનસિક તાણમાંથી ઉપર નથી આવી શકતા, તો તમારે માનસિક ચિકિત્સકને મળીને યોગ્ય સલાહ તેમજ ઉપચાર મેળવવા જોઈએ. આ બાબતમાં પોતાની જાતે કોઈ ઉપાય કે દવા કરવા કરતાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.