વાહન ચલાવનારાઓની આંખની નિયમિત તપાસ જરુરી

ક ચોંકાવનારા સમાચાર આવ્યા છે જે વાંચીને તમારી આંખો પહોળી થઈ જશે. આપણે ત્યાં ગુજરાતમાં ચાલવાનું હવે ઓછું થઈ ગયું છે, પરંતુ ચાલવાનું હોય કે વાહન ચલાવવાનું, આ સમાચાર તમારા માટે કામના છે, કારણ કે આજે રસ્તા પર વાહન લઈને નીકળો કે ચાલતાં, એ જોખમભર્યું છે કારણકે અકસ્માતના ભોગ બનવાની પૂરી શક્યતા રહે છે.સમાચાર એ છે કે એનએચઆઈની એક તપાસમાં હાઇવે પર વાહન ચલાવનારા ડ્રાઇવરોમાંથી લગભગ ૨૫ ટકાની આંખો કમજોર છે.

એનએચઆઈના જણાવ્યા પ્રમાણે, માર્ગ પર થતી દુર્ઘટનામાંથી ઘણી બધી આંખોની સમસ્યાના કારણે થાય છે. નેશનલ હાઇવે પર ચાલી રહ્યા હો તો જરા સાવધ થઈ જજો. એનએચઆઈની એક તપાસમાં થયેલો ઘટસ્ફોટ ખળભળાવી મૂકનારો છે. આ તપાસ મુજબ, હાઇવે પર વાહન ચલાવનારા ડ્રાઇવરોમાંથી લગભગ ૨૫ ટકા ડ્રાઇવરોની આંખો નબળી છે. એનએચઆઈએ કહ્યું કે ૨૫ ટકા ડ્રાઇવર એવા છે જેમને દૂરનું ઓછું દેખાય છે. અને નવાઈની વાત પાછી એ છે કે ડ્રાઇવરોને આ વાતની જાણકારી જ નથી કારણકે તેમણે પોતાની આંખોની ક્યારેય તપાસ જ નથી કરાવી.

એનએચઆઈના અધ્યક્ષ દીપકકુમારે જણાવ્યું કે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ સમગ્ર દેશમાં ટૉલ પ્લાઝા અને હાઇવે પર આવતા ઢાબાની આસપાસ કેમ્પ લગાવીને ડ્રાઇવરોની આંખની તપાસ કરાવડાવી. આ કેમ્પોમાં લગભગ ૧૩ હજાર કૉમર્શિયલ વાહનોના ડ્રાઇવરોની આંખોની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી લગભગ ૩,૦૦૦ ડ્રાઇવરોની આંખો નબળી સાબિત થઈ.

શહેરમાં માર્ગ દુર્ઘટનામાં ઘટાડો કરવા માટે એનએચઆઈએ એક પહેલ કરી છે. નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાનું કહેવું છે કે માર્ગ દુર્ઘટનાનું એક કારણ આંખોની નબળાઈ હોઈ શકે છે.

એનએચઆઈના અધિકારીઓનું કહેવું છે કે ઑથોરિટી તરફથી ચલાવાયેલું આ અભિયાન માર્ગ દુર્ઘટનોને ઘટાડવા માટે યોજાયું હતું. માર્ગ પર થતી ઘણી દુર્ઘટના આંખોની સમસ્યાના કારણે પણ થાય છે. તેના પર લોકો ધ્યાન નથી દેતા. સડક સુરક્ષા માટે કરવામાં આવેલા સર્વે મુજબ, રાતના સમયે ઘણા અકસ્માતો નબળી આંખોના કારણે થાય છે.

એન.એચ.આઈ.ના અધિકારીઓના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૧૪થી ૨૦૧૬ વચ્ચે માર્ગ દુર્ઘટનામાં ઘણો વધારો થયો છે. તેને રોકવા માટે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા વાહન ચાલકો માટે સમયેસમયે ફ્રી આઈ ચેકઅપ કેમ્પ યોજે છે. એનએચઆઈ દ્વારા અપાયેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૧૪માં લગભગ ૧,૩૭,૯૦૯ માર્ગ દુર્ઘટના થઈ જેમાં લગભગ ૪૭,૬૪૯ લોકોનાં મૃત્યુ થયા હતા. તો વર્ષ ૨૧૬માં ૧,૪૨,૩૫૯ માર્ગ દુર્ઘટના થઈ જેમાં ૫૧,૨૦૪ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

રૉયલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ બ્લાઇન્ડનો દાવો છે કે દર વર્ષે ૧.૨૫ કરોડ લોકોએ આંખોની ખરેખર તો તપાસ કરવાની હોય છે, પરંતુ તેઓ તપાસ કરાવતા નથી. આ સંસ્થાના પ્રવક્તાએ જણાવ્યું કે લોકો નિયમિત આંખની તપાસ કરાવતા નથી જેથી તેમની દૃષ્ટિ તપાસ કર્યા વગર અને સુધાર્યા વગર રહી જાય છે. આવા લોકો ડ્રાઇવિંગ કરે તો તેઓ રૉડ પરની સાઇન સ્પષ્ટ જોઈ શકતા નથી કે વાહન કે રસ્તો ઓળંગતા લોકોને જોઈ શકતા નથી અને પરિણામે દુર્ઘટના કરી બેસે છે. આવા લોકો પોતાને તો જોખમમાં મૂકે જ છે પરંતુ સાથેસાથે બીજા નિર્દોષ લોકોના જીવને પણ જોખમમાં મૂકે છે.

કાયદા પ્રમાણે, ડ્રાઇવર ૨૦ મીટરના અંતરેથી આધુનિક કાર નંબર પ્લેટ વાંચી શકતો હોવો જોઈએ. ઉપરાંત દર વખતે કંઈ વાતાવરણ ચોખ્ખું જ હોય તે જરૂરી નથી. આથી જ્યારે પ્રકાશ ઓછો હોય, વાદળછાયું વાતાવરણ હોય ત્યારે પણ ડ્રાઇવરને સ્પષ્ટ દેખાવું જરૂરી છે.

તમને પણ જો ધૂંધળું દેખાવાની સમસ્યા હોય તો ચશ્મા કેવા લાગશે તેની પરવા કર્યા વગર નંબર કઢાવી ચશ્મા અથવા લેન્સ પહેરવાનું શરૂ કરી પોતાનો અને રાહદારીનો જીવ બચાવવા પ્રયાસ કરવો જોઈએ.