લૉકડાઉનમાં મિલિંદ સોમણ આપી રહ્યા છે ફિટનેસ ટિપ્સ!

લૉકડાઉન દરમ્યાન ઘરે રહીને ફિટનેસને લઈને ઘણા લોકો મૂંઝાઈ ગયા હતા. જેમ કે, નવા એથ્લિટ્સ, રમતવીરો કે જેમણે હજી તો ટ્રેનિંગની શરૂઆત જ કરી હોય અને લૉકડાઉનમાં તેમની ટ્રેનિંગ અટકી ગઈ હોય. જો કે ઘણા એથ્લિટ્સે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો માટે ફિટનેસ તેમજ ટ્રેનિંગ સેશન પણ રજૂ કર્યા છે. એવા જ એક સ્ટાર એથ્લિટ, આયર્નમેન ફિટનેસ માટેની ટિપ્સ આપી રહ્યાં છે.

આ આયર્નમેન છે, મિલિંદ સોમણ. જે ભારતીય સુપરમોડલ, એથ્લિટ, અભિનેતા, ફિલ્મ નિર્માતા અને ફિટનેસ પ્રોત્સાહક છે. 2015માં પહેલાં જ પ્રયત્નમાં ટ્રાયથલોનમાં આયર્નમેનનો પડકાર જીતીને ‘આયર્નમેન’નું શિર્ષક મેળવનાર મિલિંદ સોમણ, મહિલાઓના સ્વાસ્થ્ય માટે જાગરૂકતા ફેલાવવા માટે યોજાતી દોડ ‘પિંકથોન’ના પણ માર્ગદર્શક છે. મિલિંદ સોમણ આપી રહ્યાં છે લૉકડાઉનમાં એથ્લિટ, રમતવીરો તેમજ પોતાની ફિટનેસ માટે જાગૃત લોકો માટે ફિટનેસ ટિપ્સઃ

• ધ્યાન રાખીને તમારું ડાયેટ તૈયાર કરો:

જ્યારે તમે સ્પોર્ટ્સ, મેરેથોન કે પછી ફક્ત રૂટિન ફિટનેસ માટે ટ્રેનિંગ લઈ રહ્યા હોવ તો તમારે વાસ્તવિક અપેક્ષા રાખવી જરૂરી છે. એવું ના થાય કે, વજન ઘટાડવાના નાદમાં તમે તમારી જાતને વધુ તાણ આપો. માત્ર વજન ઘટાડવાના વિચારથી શરીરને વધુ તાણ ન આપો. નહિતર યોગ્ય તંદુરસ્તી તમે નહીં મેળવી શકો. પરંતુ જો તમે તંદુરસ્ત વિકલ્પ કેમ અપનાવી રહ્યા છો એવું વિચારશો તો તમે સકારાત્મક અભિગમ કેળવી શકશો!

તમારુ રૂટીન નક્કી કરતી વખતે સહુથી પહેલાં તમારે હેલ્ધી ખોરાક કયો લેવો એ વિચાર કરવો. મારી વાત કરું તો આવો વિચાર કરવો મારા માટે સહેલો છે. કારણ કે, હું ઘરમાં રાંધેલો ખોરાક જ લઉં છું. સાથે ફળ તેમજ સુકામેવા પણ લઉં છું.

મારો મંત્ર છે ‘તમારા દિવસની શરૂઆત યોગ્ય આહારથી કરો’. જે માટે હું રોજ સવારે એક મુઠ્ઠી ભરીને બદામ ખાવા માટે લઉં છું. નાનપણથી બદામ મારે માટે નાસ્તામાં મુખ્ય રહી છે. બદામ સ્વાદિષ્ટ તો છે જ, તેનાથી પેટ પણ ભરાય છે. ઉપરાંત બદામમાં બધાં જ પોષક તત્વો જેવા કે, પ્રોટીન, વિટામિન-ઈ, મેગ્નેશિયમ વગેરે છે. જે આપણા શરીરની તંદુરસ્તી માટે જરૂરી છે. તેનાથી ઉર્જા પણ મળે છે. જે સારા દિવસની શરૂઆત કરવા માટે આવશ્યક છે.

એટલે સૌથી પહેલું તમારા માટે હેલ્ધી ડાયેટ નક્કી કરો. જેથી તમે તંદુરસ્ત અને પ્રોડક્ટિવ ટ્રેનિંગની શરૂઆત કરી શકો!. મારે તો હેલ્થ માટે એક જ મંત્ર છે: યોગ્ય આહાર લઈને દિવસની શરૂઆત કરવી

• કાર્યસૂચિ તૈયાર કરીને, સમયપત્રક બનાવીને દિવસની શરૂઆત કરો

લૉકડાઉનને કારણે આપણે બધા લાંબા સમયથી ઘરમાં પુરાઈ ગયા છીએ. એવામાં પોતાને પ્રવૃત્ત અને રચનાત્મક રાખવું એ પડકારરૂપ થઈ ગયું છે. મારું આ બાબતે તમને સૂચન છે કે, તમે આખા દિવસના કાર્યોની, પ્રવૃત્તિની તેમજ તમારી ટ્રેનિંગ માટેની સૂચિ એટલે કે સમયપત્રક બનાવી લો. જો આખા દિવસમાં કોઇ એક પ્રવૃત્તિ રહી પણ જતી હોય તો પણ તેને એક દિવસના શેડ્યુલમાં ના કરો. તેને પૂરી કરવાની પ્રયત્ન કરો. જો કે, એ માટે તમારે ગજા બહારનું કામ કરીને કે તમારી જાતને ત્રાસ નથી આપવાની. બધી પ્રવૃત્તિઓ માટે એકસરખો સમતોલ સમય ફાળવીને તમારા રોજિંદા જીવનને વ્યવસ્થિત બનાવો.

હું પોતે માનું છું, કોઈપણ એથ્લિટ માટે શિસ્તબધ્ધતા એ સફળતા મેળવવા માટેની ચાવી છે. તો સમયપત્રક એ પ્રગતિ તેમજ સફળતા પ્રાપ્તિ માટેનો માર્ગ છે. આ વાતનું પાલન કરશો તો અમુક અઠવાડિયામાં જ તમે તમારી રોજની જિંદગીમાં બદલાવ જોશો. મિલિન્દ માને છે: શિસ્તબધ્ધતા એ સ્વસ્થ રહેવાની તેમજ સફળ થવાની પણ ચાવી છે.

• કસરતના સામાન્ય પ્રકાર કરતાં થોડા અન્ય પ્રકાર પણ અપનાવો

સાદી કસરત તેમજ કસરતના હળવા પ્રકાર એ બંનેનો તફાવત સમજવો એ મુખ્ય ચાવી છે. તમારા શરીરના કયા ભાગની ચરબી ઘટાડવી એ તમારા હાથની વાત નથી. પરંતુ ટ્રેનિંગ વખતનો વર્કઆઉટ તમારા સમગ્ર શરીરને ધ્યાનમાં રાખીને કરવાનો હોય છે. આ માટે કસરતના ઘણા પ્રકારો છે. પણ હું પોતે આગ્રહ રાખું છું ‘હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ’ (HIIT)માં. તમારી ટ્રેનિંગની શરૂઆત તેમજ યોગ્ય દિશામાં આગળ વધવા માટે HIIT ટ્રેનિંગનો આ પ્રકાર બહુ જ અસરકારક છે. જેને વ્યવસ્થિત રીતે કરવામાં આવે તમારી કસરત પૂરી થયા બાદ પણ તમારા આખા શરીરની ચરબી સપ્રમાણ ઘટવાની ચાલુ રહેશે. ‘હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ’ (HIIT) એ કસરતનો પ્રકાર મિલિંદ સોમણ અપનાવવાનું સૂચવે છે.

• શરીર માટે આરામની જરૂરિયાતને ઓછી ના આંકો:

પૂરતી ઉંઘ લેવી એ માત્ર શરીરના સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ તમે જે રૂટિન કસરત કરો છો એનું સારું પરિણામ મેળવવા માટે પણ જરૂરી છે. રોજની કસરત કર્યા બાદ સ્નાયુની દુરુસ્તી માટે તેમજ ફરીથી ઉર્જાવાન થવા માટે પણ ઊંઘ બહુ જરૂરી છે. અપૂર્ણ ઊંઘને કારણે સ્નાયુને દુરુસ્ત તેમજ મજબૂત કરવાના કાર્યમાં શરીરને અડયણ આવે છે.

મારે માટે તો પૂરતી ઊંઘ લેવી એ મારી પ્રાથમિકતા છે. જેના થકી હું મારી રોજબરોજની પ્રવૃત્તિઓ, પર્સનલ તેમજ પ્રોફેશનલ બંનેને બહુ સારી રીતે દક્ષતાપૂર્વક પાર પાડી શકું છું. એથી જ હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, તમારે રોજના કાર્યોમાં સારું પરિણામ મેળવવું હોય તો પૂરતી ઊંઘ લેવાનું રાખો. કસરત અને આરામ બંનેને સમતોલ રાખવા જરૂરી

• યોગ્ય નાસ્તો લો:

એક બહુ મહત્વની વાત તમારે ધ્યાનમાં લેવાની છે યોગ્ય નાસ્તા વિશેની. ઉપર જણાવેલી દરેક બાબતોને ધ્યાનમાં લઈને તમે સખત મહેનત કરીને ટ્રેનિંગ શરૂ કરી દો. પણ જો તમે તમારો ખોરાક યોગ્ય નહીં લો તો વર્ક આઉટ પછીનું ધાર્યું પરિણામ તમે મેળવી નહીં શકો. તમે જ્યારે સખત પણ વ્યવસ્થિત ટ્રેનિંગ લો છો તેમજ સાથે ડાયેટનો ચાર્ટ બનાવીને યોગ્ય ડાયેટ લો છો. તો સ્વાભાવિક છે કે, આખા દિવસમાં એકાદ વાર તમને ફરીથી ભૂખ લાગે અને તમને કંઇક નાસ્તો ખાવાનું મન થાય તો તમારે અવશ્ય નાસ્તો કરવો જ જોઈએ. પણ ધ્યાનપૂર્વકનો! એટલે કે, તળેલો નાસ્તો નહીં પરંતુ સૂકા મેવાનો, જે શેકેલો હોય!

આ સૂકો મેવો એક નાના ડબ્બામાં ભરીને તમારે હાથવેંત રાખવો. એટલે કે, જ્યાં પણ તમે જાઓ તમારી પાસે રાખવો. જેથી જ્યારે પણ નાસ્તો ખાવાની ઈચ્છા થાય તો તમે મુઠ્ઠીભર સૂકોમેવો ખાઈ લો તો ભૂખ પણ મટી જાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]