ડાયાબિટીસ: ભારતમાં પુરુષો વધુ રોગી

ડાયાબિટીસને મધુપ્રમેહ તરીકે ઓળખવામાં આવે છે. આ રાજરોગનો કોઈ ઈલાજ દવા અને ઇન્જેક્શન સિવાય નથી. આ રોગ એકવાર થાય તે પછી આજીવન રહે છે. આ અસાધ્ય રોગ ગણાય છે. તે બે પ્રકારનો હોય છે. ટાઇપ ૧ અને ટાઇપ ૨.  ટાઇપ ૧નો અર્થ છે શરીર ઇન્સ્યુલિન બનાવી શકતું નથી. ટાઇપ ૨માં શરીરમાં ઇન્સ્યુલિન હોય છે પરંતુ પૂરતા પ્રમાણમાં નથી હોતું.  આ રોગ થાય તો હૃદયરોગ, કિડની બગડવી જેવા બીજા રોગો પણ આવી શકે છે. વર્તમાનમાં જે દિનચર્યા બની છે તેના લીધે આ રોગના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. મધુપ્રમેહ સંદર્ભ એક નવું વિશ્લેષણ બહાર આવ્યું છે. તેમાં ચોંકાવનારી વાત એ જાણવા મળી છે કે મહિલાઓની સરખામણીમાં પુરુષોને આ બીમારી થવાની સંભાવના વધુ હોય છે. છેલ્લાં સાડાં ત્રણ વર્ષમાં (૨૦૧૪થી ૨૦૧૭ના મધ્ય સુધી) ૬૩ લાખથી વધુ નમૂનાઓના વિશ્લેષણમાં ૨૧ ટકા પુરુષો અને ૧૭..૩ ટકા મહિલાઓમાં રક્ત શર્કરા અથવા બ્લડ સુગરનું સ્તર જે સામાન્ય ગણાય તેના કરતાં વધુ મળી આવ્યું.

ભારતના ચારેય ક્ષેત્રમાં ૪૬-૬૦ અને ૬૧-૮૫ આયુ વર્ગમાં મધુપ્રમેહના સૌથી વધુ કિસ્સા દેખાયા છે જે અનુક્રમે ૨૬.૭૧ ટકા અને ૨૭.૦૧ ટકા છે. શહેરમુજબ વિશ્લેષણની વાત કરીએ તો, દેશનાં અન્ય શહેરોની સરખામણીમાં મુંબઈ અને કોલકાતામાં મધુપ્રમેહના સૌથી વધુ કિસ્સાઓ મળી આવ્યા. અનુક્રમે ૨૩.૭૪ અને ૨૨.૦૭ ટકા છે. આ વિશ્લેષણ એક ડાયેગ્નોસ્ટિક કંપનીએ કર્યું છે.

કંપનીના સલાહકાર તથા સંરક્ષક ડૉ. બી. આર. દાસે જણાવ્યું કે જો મધુપ્રમેહ આ દરથી વધતો રહેશે તો આવનારા સમયમાં ભારત ચીનને પછાડીને મધુપ્રમેહની દૃષ્ટિએ દુનિયાની રાજધાની બની જશે. આ સ્થિતિ ખૂબ જ ખતરનાક હશે કારણકે મધુપ્રમેહથી પીડિત વસતિ ઉત્પાદક આયુ વર્ગની હશે જેની સીધી અસર તેમના પરિવારો પર પડશે. હાર્વર્ડ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થ અને વર્લ્ડ ઇકૉનૉમિક ફૉરમ દ્વારા કરવામાં આવેલાં સંયુક્ત અધ્યયનો મુજબ, ૨૦૧૧થી ૨૦૩૦ સુધીમાં મધુપ્રમેહના કારણે દુનિયાના કુલ ઘરેલુ ઉત્પાદનમાં ૧.૭ અબજ ટ્રિલિયન ડૉલરનું નુકસાન વેઠવું પડશે.

ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફૅડરેશન અનુસાર, ભારતમાં ૬.૯ કરોડથી વધુ લોકો મધુપ્રમેહથી પીડિત છે અને દર વર્ષે તેના કારણે લગભગ ૩.૫ લાખ મૃત્યુ થાય છે. ડૉ. દાસે કહ્યું હતું કે તપાસથી લઈને ઉપચાર સુધી મોટા ભાગે ખર્ચ દર્દીએ જ ઉઠાવવાનો આવે છે. સ્વાસ્થ્ય સેવાઓની વધતી કિંમત અને મધુપ્રમેહથી પીડિત વસતિના કારણે સ્થિતિ બગડતી જઈ રહી છે. રોગના કારણે મૃત્યુ થવાનો દર ઝડપથી વધી રહ્યો છે. રોગના વિશે જાગૃતિ વધારવા માટે વ્યાપક અભિયાન ચલાવવાની જરૂરિયાત છે. રોગને નિયંત્રિત કરવા માટે આપણે ઉચિત જીવનશૈલી અને સ્વાસ્થ્યપ્રદ આહારના સેવનની ટેવ પાડવી પડશે.

ચારેય ક્ષેત્રમાં કરવામાં આવેલા વિશ્લેષણ મુજબ, ભારતના પશ્ચિમી ક્ષેત્રમાં જેમાં આપણો ગુજરાતનો અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે તેમાં મધુપ્રમેહના કિસ્સા સૌથી વધુ ૨૦.૪૭ ટકા છે. દેશભરમાં અમારી પ્રયોગશાળાઓમાં કરવામાં આવેલાં પરીક્ષણોમાં ૧૯.૨૨ ટકા કિસ્સાઓમાં મધુપ્રમેહ જણાયું હતું.

મધુપ્રમેહ માટે કામમાં લેવામાં આવતાં પરીક્ષણો છે- ફાસ્ટિંગ બ્લડ સુગર, પૉસ્ટ પ્રેંડિયલ બ્લડ સુગર અને ગ્લાકૉસાઇલેન્ટેડ હિમોગ્લૉબિન. કોઈ પણ નમૂનાને મધુપ્રમેહ માટે પૉઝિટિવ જાહેર કરવા માટે અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન ૨૦૧૭ના દિશા નિર્દેશોનું પાલન કરવામાં આવે છે. ત્રણમાંથી બે પરીક્ષણોનું અસામાન્ય હોવું એક વ્યક્તિમાં મધુપ્રમેહ સૂચવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]