કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક વચ્ચે ફરક જાણો

0
1684

ભારતનાં પૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપનાં વરિષ્ઠ નેત્રી સુષમા સ્વરાજના અચાનક મૃત્યુથી બધાં જ હતપ્રભ જેવાં થઈ ગયાં. સુષમાજીએ માત્ર ૬૭ વર્ષની ઉંમરમાં જ દુનિયામાંથી અંતિમ વિદાય લઈ લીધી. તેમને રાત્રે કાર્ડિયાકએરેસ્ટ આવ્યા પછી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા. પરંતુ તેમને બચાવી શકાયાં નહીં અને રાત્રે લગભગ ૧૧ વાગ્યા આસપાસ તેમનું મૃત્યુ થઈ ગયું. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતાં. તેમની કિડની ટ્રાન્સ્પ્લાન્ટ પણ થઈ હતી આ જ કારણ હતું કે આ વખતની લોકસભા ચૂંટણી લડવાની તેમણે ના પાડી હતી.

આ કાર્ડિયાકએરેસ્ટ એટલે શું હૃદયરોગ અથવા હાર્ટ એટેક? ના. તબીબી નિષ્ણાતો કહે છે કે બંને વચ્ચે અંતર છે. કાર્ડિયાકએરેસ્ટ શું છે તે પહેલાં સમજીએ.

જ્યારે હૃદયની અંતર વેન્ટ્રીકુલર ફાઇબ્રિલેશન ઉત્પન્ન થાય અર્થાત્ હૃદયની અંદરના કેટલાક હિસ્સાની વચ્ચે સંદેશાઓનું આદાનપ્રદાન ખોરંભાઈ જાય તો કાર્ડિયાક એરેસ્ટ થાય છે. કાર્ડિયાક એરેસ્ટ થવાની સૌથી વધુ આશંકા હૃદયની બીમારીવાળા લોકોને હોય છે, જેમને પહેલાં હાર્ટ એટેક આવી ગયો હોય છે. આવા લોકોમાં કાર્ડિયાક એરેસ્ટની આશંકા વધી જાય છે.

ઘણા લોકોને લાગે છ કે હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ એક જ છે, પરંતુ આવું નથી. હાર્ટ એટેક દરમિયાન હૃદયના કેટલાક હિસ્સાઓમાં લોહીનું વહેણ જામી જાય છે. જ્યારે કાર્ડિયાક એરેસ્ટમાં હૃદય બરાબર કામ કરવાનું બંધ કરી દે છે અને અચાનક અટકી જાય છે.

અત્યારે લોકોની દિનચર્યા બદલાઈ રહી છે, જેના કારણે ૩૦થી ૩૫ વર્ષની ઉંમરમાં જ હાર્ટ એટેકના દર્દીઓ આપણને દેખાઈ રહ્યા છે અને તેમાંય વધુ સંખ્યા મહિલાઓની હોય છે. મોટી ઉંમરની જ નહીં, પરંતુ યુવતીઓમાં પણ હૃદયની બીમારી જોવા મળે છે. આ વાતને ગંભીરતાથી લેવી જોઈએ. જે મહિલાઓમાં તણાવ, ઉચ્ચ કૉલેસ્ટેરોલ, સ્થૂળતા, ઉચ્ચ રક્તચાપ (બ્લડ પ્રૅશર), ડાયાબિટિસ, ગર્ભાવસ્થાની સમસ્યા, શારીરિક પ્રવૃત્તિઓ ઓછી હોય, મેનોપૉઝ, બ્રૉકન હાર્ટ સિન્ડ્રૉમ (તેનો અર્થ પ્રેમભગ્ન યુવાન કે યુવતી તેવો ન કરવો, તેનો અર્થ હાર્ટ એટેક જેવાં જ લક્ષણો થાય છે), કેમોથેરેપીની દવાઓ, રેડિએશન થેરેપી વગેરે હોય છએ તેમનામાં એટેકનું જોખમ વધુ હોય છે.

કાર્ડિયાક એરેસ્ટનાં કારણો કયાં છે? સુષમા સ્વરાજને લગભગ વીસ વર્ષોથી ડાયાબિટિસની સમસ્યા હતી. તેના કારણે તેમની કિડની પણ ખરાબ થઈ ગઈ. તેના કારણે જ કાર્ડિયાક એરેસ્ટ આવ્યો. આ સમસ્યા ધૂમ્રપાન, કૉલેસ્ટેરોલ વધવો, વ્યાયામ ન કરવો, ઉચ્ચ રક્તચાપ અને હાઇપર ટેન્શનના કારણે થાય છે.

સડન કાર્ડિયાક એરેસ્ટ એટલે કે અચાનક કાર્ડિયાક એરેસ્ટના કોઈ ખાસ સંકેતો નજરે પડતા નથી અન દર્દીના ધબકારા પણ કોઈ પણ સમયે અનિયમિત થઈ શકે છે. એસસીએ પછી તરત જ ત્રણથી છ મિનિટમાં સીપીઆર (હાથથી દબાણ બનાવવું) અથવા ઇલેક્ટ્રિક શૉક આપવામાં ન આવે તો આ સ્થિતિ જીવલેણ હોઈ શકે છે. ૮૦ ટકાથી વધુ લોકો આ રોગને ગંભીરતાથી નથી લેતા અને હૃદયની ગતિ તેજ થાય તો હાર્ટ એટેક સમજી લે છે જે ખોટું છે.

તેનાં લક્ષણો છે-

  • થાક લાગવો
  • શ્વાસ ટૂંકા થવા
  • હૃદયમાં દુઃખાવો થવો
  • ચક્કર આવવા

તે ઉપરાંત કાર્ડિયાક એરેસ્ટ દરમિયાન રોગી પોતાની ચેતના અચાનક ગુમાવી બેસે છે અને શારીરિક રૂપે કોઈ પ્રતિક્રિયા કરી શકતો નથી. તેના કારણએ અચાનક શ્વાસ અને નસો અટકી જાય છે. હકીકતે કાર્ડિયાક એરેસ્ટ દરમિયાન હૃદય ધડકવાનું બંધ કરી દે છે. તેથી નાડી ઓછી થવા લાગે છે. ધીરે ધીરે શરીરનાં તમામ અંગો સુધી લોહી પહોંચવાનું બંધ થઈ જાય છે અને તેનાથી દર્દીનું મૃત્યુ થઈ જાય છે.

જો કોઈ વ્યક્તિને કાર્ડિયાક એરેસ્ટ આવી જાય તો સીપીઆર (કાર્ડિયો પલ્મૉનરી રિસસ્કિટેશન) આપીને તેને બચાવી શકાય છે. તે ઉપરાંત તેની સારવાર માટે કાર્ડિયો પલ્મૉનરી રિસસ્કિટેશન (સીપીઆર) આપવામાં આવે છે. તેનાથી હૃદયના ધબકારાનો દર નિયમિત કરવામાં આવે છે. ડિફાઇબ્રિલેટર દ્વારા વીજળીના ઝાટકા આપવામાં આવે છે. તેનાથી હૃદયના ધબકારાને પાછા લાવવામાં મદદ મળે છે.