અરુણ જેટલીને જેના પર રખાયાં હતાં તે લાઇફસપૉર્ટ સિસ્ટમ શું છે?

પૂર્વ નાણાંપ્રધાન અરુણ જેટલીને તેમના અંતિમ દિવસોમાં લાઇફસપૉર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યાં હતાં. જીવન સહાયક પ્રણાલિ કઈ રીતે દર્દીને ખરાબ પરિસ્થિતિમાં પણ જીવિત રાખી શકે છે અને કઈ સ્થિતિમાં દર્દીને તેમાં રાખવામાં આવે છે તે જાણવાની ઉત્સુકતા ઘણાને થાય તે સ્વાભાવિક છે. આ પ્રણાલિમાં દર્દીને રાખવાથી દર્દીની બચવાની સંભાવના કેટલી છે તે પણ જાણવું જોઈએ.

મેડિકલ વિજ્ઞાન દિવસે ને દિવસે આગળ વધતું જાય છે. તેના લીધે દર્દીની હવે મૃત્યુની સંભાવના ઘટી છે. ખાસ કરીને ધનિક દર્દીઓની. આનું કારણ એ છે કે હૉસ્પિટલનાં બિલ પણ વધ્યાં છે. કેટલાક લોકો માને છે કે કેશલેસ સુવિધાવાળા મેડિક્લેમ તો છે ને. પરંતુ તેના માટે પણ દર વર્ષે પ્રિમિયમ તો ભરવું પડે છે. અને જે લોકો પ્રિમિયમ ભરે છે પરંતુ બીમાર નથી પડતા અથવા તેમને મોંઘી સારવારની જરૂર નથી પડતી તેમના પૈસામાંથી બીમાર લોકોને મોંઘી સારવાર મળી રહે છે.

જોકે આ બીજી વાત થઈ પરંતુ મુખ્ય વાત આપણે લાઇફસપૉર્ટ સિસ્ટમની કરવાની છે. આ પ્રણાલિ પણ આધુનિક વિજ્ઞાનની દેણ છે. તેના આવવાથી વ્યક્તિના જીવનને બચાવવાની સંભાવના વધી છે. આ શરીર જટિલ યંત્રોનું બનેલું એક મોટું યંત્ર છે. તમે જ વિચારો ને, રૂધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, પાચન તંત્ર, ચેતા તંત્ર વગેરે અનેક તંત્રો તેમાં આવેલાં છે. આ બધાં બરાબર કામ કરે ત્યારે આપણું શરીર તંદુરસ્ત રહી શકે છે. આ તંત્રોમાં પાછા અનેક અવયવો રહેલા છે. આમાં કેટલાક જો કામ કરતા બંધ થઈ જાય તો આપણું શરીર સાવ અટકી પડે અને આવી સ્થિતિને આપણે મૃત્યુ કહીએ છીએ. ફેફસાં, હૃદય અને મગજ આવા જ અવયવો છે જે બંધ થાય તો વ્યક્તિ મૃત્યુ પામી તેમ જાહેર કરવામાં આવે છે.

જ્યારે મોટા ભાગના લોકો એમ કહે કે તેમના દર્દી લાઇફસપૉર્ટ પર છે તો તેઓ એમ કહેતા હોય છે કે તેમનું દર્દી વેન્ટિલેટર પર છે. આ એવું યંત્ર છે જે શ્વાસ લેવામાં મદદ કરે છે. વેન્ટિલેટર અથવા રેસ્પિરેટર ફેફસામાં હવાને ધકેલીને સમગ્ર શરીરમાં ઑક્સિજનનો પ્રવાહ વહેતો રાખે છે. ન્યૂમોનિયા જેવી સ્થિતિમાં તેનો કામચલાઉ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો કોઈનાં ફેફસાં નિષ્ક્રિય થઈ જાય તો તેની જરૂર લાંબા ગાળા માટે પડી શકે છે.

આમાં દર્દીના મોઢામાં કે નાકમાં નળીનો એક છેડો હોય છે. બીજો છેડો ઇલેક્ટ્રિક પમ્પ સાથે જોડાયેલો હોય છે. જ્યારે દર્દીને કૃત્રિમ શ્વાસના યંત્ર પર રાખવામાં આવે છે ત્યારે કેટલીક વાર દર્દીને દવા આપીને રાહત આપવામાં આવે છે અને તેમને ઉંઘાડી દેવામાં આવે છે. એક નિષ્ણાત ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, જો દર્દીનું બ્લડ પ્રૅશર ઘટી ગયું હોય તો તેને પહેલા તો બલૂન પમ્પથી શ્વાસ આપવામાં આવે છે. આમ છતાં જો શ્વાસ ચાલુ ન થાય તો વેન્ટિલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. જો વેન્ટિલેટર પણ ઉપયોગી ન નિવડે તો મુસીબત વધી જાય છે. આવામાં દર્દીને લાઇફસપૉર્ટ સિસ્ટમ પર રાખવામાં આવે છે.

જ્યારે દર્દીનું હૃદય કામ કરતું અટકી જાય ત્યારે ડૉક્ટર હૃદયને પુનઃ ધબકતું કરવા મથે છે. આવા સમયે જે જીવનસહાય પ્રણાલિ હોય છે તેમાં સીપીઆર હોય છે. તે સમગ્ર શરીરમાં લોહી અને ઑક્સિજનને પ્રવાહિત અને સંચારિત રાખે છે. ઘણી વાર હૃદયને પુનઃ ચાલુ કરવા માટે ઇલેક્ટ્રિક શૉક પણ આપવામાં આવે છે. આ સિવાય દવાઓ પણ અપાય છે. તાત્કાલિક પરંતુ ઓછી વાપરવામાં આવતી પ્રણાલિ ડાયાલિસિસની છે. તે કિડનીના દર્દીઓ માટે વધુ વપરાય છે. લોહી માંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આ રીતે સાવિત્રીએ જેમ પોતાના પતિના પ્રાણ યમરાજ સામે લડીને બચાવ્યા હતા તેમ આધુનિક વિજ્ઞાનના મહર્ષિઓએ પણ શોધ-સંશોધન કરીને મરણ સામે અંતિમ ઘડી સુધી લડી લેવા માટે કેટલીક પ્રણાલિઓ વિકસાવી છે. આના લીધે ઘણાને મદદ મળે જ છે. પરંતુ જો આ પ્રણાલિ વધુ ને વધુ લોકો અને ગરીબમાં ગરીબ લોકો સુધી પહોંચે તો તેનો સાર્થક ઉપયોગ કહેવાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]