ખીચડી તૈયાર છે, ભારતની રાષ્ટ્રીય ભોજન બ્રાન્ડ બનવા માટે…

ગુજરાત અને મુંબઈ સહિત દેશ-વિદેશમાં ગુજરાતીઓ તો ઠીક, દેશભરમાં અન્ય સમુદાયોનાં ઘરોમાં પણ દૈનિક ભોજનના રૂપમાં લોકપ્રિય એવી ખીચડીને આવતી ૪ નવેંબરે ભારતના સુપર ફૂડ અથવા રાષ્ટ્રીય ભોજન બ્રાન્ડ તરીકે ઘોષિત કરવામાં આવનાર છે.

દાળ-ચોખા મિશ્રિત શાકાહારી વાનગી ખીચડી તો છેક મુગલોના સમયના લોકોનું ભાવતું ભોજન હતી.

નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારે જાહેરાત કરી છે તે મુજબ આવતી ચાર નવેંબરે ખીચડીને એક આગવું સ્થાન પ્રાપ્ત થશે, એ રાષ્ટ્રીય ભોજન બ્રાન્ડ જાહેર કરવામાં આવશે.

ચોથી નવેંબરે વિશ્વ ખાદ્ય દિવસ ઉજવવામાં આવનાર છે અને એ જ દિવસે દિલ્હીમાં ખીચડીને રાષ્ટ્રીય ભોજન તરીકે ઘોષિત કરવામાં આવશે.

ખીચડીની પસંદગી શા માટે?

કેન્દ્રીય ખાદ્યાન્ન મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે આપણા દેશના તમામ ભાગોમાં અમીર અને ગરીબ, એમ તમામ પ્રકારનાં લોકોમાં સામાન્ય રીતે સૌથી વધારે ખવાતા ભોજનમાંની એક ખીચડી છે. તામિલનાડુમાં ખીચડી પોંગલ નામથી મશહૂર છે. મુંબઈમાં તો હવે લગભગ બધી જ રેસ્ટોરન્ટ્સ દાલ-ખીચડી નામની વાનગી પીરસતી થઈ છે અને લોકોમાં લાઈટ-ફૂડ, પાચનમાં આસાન, હેલ્ધી ફૂડ અને ભાવતા ભોજન તરીકે જાણીતી થઈ છે.

ખીચડીની મુખ્ય સામગ્રીમાં ચોખા, મગની દાળ કે ફોતરાવાળી મગની દાળ, હળદર, મીઠું, સહેજ હિંગ જરૂર પડે.
ખીચડીને રાષ્ટ્રીય ભોજન ઘોષિત કરવાનો પ્રસ્તાવ કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌરે રજૂ કર્યો હતો.

દિલ્હીમાં ચોથી નવેંબરે યોજાનાર વિશેષ કાર્યક્રમમાં ૮૦૦ કિલોગ્રામ ખીચડી તૈયાર કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એ ખીચડી કાર્યક્રમનું ઉદઘાટન કરશે.

ખીચડીનું આંતરરાષ્ટ્રીય ભારતીય સુપર ફૂડ તરીકે માર્કેટિંગ પણ કરવામાં આવશે. એને ડિઝાઈનર પેકેટ્સમાં પેક કરીને દિલ્હીસ્થિત તમામ દેશોની દૂતાવાસ તથા વાણિજ્ય દૂતાવાસ કાર્યાલયોમાં ભેટ તરીકે મોકલવામાં આવશે. આમ કરવા પાછળનો હેતુ ખીચડીને નિર્દોષ ભારતીય વાનગી તરીકે લોકપ્રિયતા અપાવવાનો છે.

નવાઈની વાત એ છે કે ખીચડી ભારત ઉપરાંત પડોશના પાકિસ્તાન અને ભારતીયોની જ્યાં ઘણી વસ્તી છે તે ફિજી ટાપુરાષ્ટ્રમાં પણ લોકોની મનભાવતી રોજિંદી વાનગી છે.

ભારતના લોકોમાં ખીચડી સ્વાસ્થ્ય માટે લાભદાયી ભોજન ગણાય છે. ડોક્ટરો પણ એમના દર્દીઓને જરૂર લાગે તો ભોજનમાં ખીચડી ખાવાની સલાહ આપતા હોય છે.

અન્ન મંત્રાલયનો હેતુ દુનિયાભરની રેસ્ટોરન્ટ્સ ચેઈનમાં પણ ખીચડીને વિશિષ્ટ રીતે રજૂ કરવાનો છે, જેથી એ લોકપ્રિય બની શકે.

ખીચડી બનાવવાની રીત

સાદી  ખીચડી

સામગ્રીઃ ½  વાટકી ચોખા,  ½  વાટકી મગની દાળ, મીઠું સ્વાદાનુસાર, ½  ચમચી હળદર, ચપટી હિંગ, 3 વાટકી પાણી.

સાદી ખીચડીની રીતઃ દાળ અને ચોખા ભેગા કરી કુકરમાં ધોયા બાદ તેમાં બાકીની સામગ્રી ઉમેરવી. અને ત્યારબાદ 20 મિનિટ માટે ધીમી આંચે કુકર મૂકવું.

વઘારેલી ખીચડી

વઘાર માટે સામગ્રીઃ ઘી 1 ચમચો, જીરૂં, તેજપત્તા, તજ, લવિંગ, 2 સૂકા લાલ મરચાં, હિંગ, મીઠું સ્વાદાનુસાર, 3 વાટકી પાણી.

રીતઃ કુકરમાં ઘી ગરમ થાય એટલે જીરૂં, તેજપત્તા, તજ, લવિંગ, 2 સૂકા લાલ મરચાં નાખો મસાલો થોડો લાલ થાય એટલે હિંગ ઉમેરી દાળ-ચોખા તેમજ અન્ય સામગ્રી અને પાણી ઉમેરી ત્યારબાદ 20 મિનિટ માટે ધીમી આંચે કુકર મૂકવું. આમાં, લીલા શાકભાજી ઉમેરી શકાય જેમ કે, લીલા વટાણા, ગાજર, ફણસી, ફ્લાવર.