બાળકોને સ્કૂલે મોકલતી વખતે આ ધ્યાનમાં રાખો

દિવાળી વેકેશન પૂરું થઈ ગયું. ક્યારે દિવાળી આવી અને ક્યારે આ તહેવારો પૂરા થઈ ગયા તે ખબર પણ ન પડી. મોબાઇલ, ટીવી અને ક્રિકેટ મેચના લીધે ક્યાં દિવસ જતો રહે છે તે ખબર નથી પડતી. તેમાંય દિવાળીના વેકેશનમાં ક્યાં તો તમે ફરવા ગયા હશો અથવા તો ઘરે હશો તો સગાસંબંધીને મળવા ગયા હશો અને પરિવાર સાથે ફિલ્મ પણ જોઈ હશે, ખરું ને.આ દિવાળીમાં ઘરે બનાવેલા નાસ્તા અને બહાર હોટલમાં જમવા જઈને જલસો કરી લીધા પછી હવે ફરીથી સાવધ થઈ જાવ. બાળકોને શાળાએ મોકલતી વખતે તમારે કેટલીક સાવધાની રાખવી પડશે નહીંતર આ જલસો બધો પાણીમાં જશે. હજુ ખાસ ઠંડી પડવાનું શરૂ નથી થયું પરંતુ સવારમાં ઠંડો પવન હોય છે અને ૧૦ વાગ્યાથી ગરમી શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં બાળકોને તંદુરસ્ત રાખવા કેટલીક બાબતોનું ધ્યાનમાં રાખવા અત્રે કેટલાંક સૂચનો છે.

બાળકોને સવારે ટોપી અને સ્વેટર પહેરીને મોકલો. બાળકોને આ નહીં ગમે. કારણકે હવે તો બાળકો જન્મજાત જ ફેશનવાળા હોય છે. બાળકોને સમજાવો કે આ તંદુરસ્તી માટે જરૂરી છે. આમ છતાં બાળકોને જો ઉપર સ્વેટર પહેરવાનું ન જ પસંદ હોય તો અંદર પણ ગરમ કપડાં પહેરાવી શકાય છે. તેમાં બાળકોને કદાચ કોઈ વાંધો નહીં હોય. ઉપરાંત મીઠાઈઓ ખાઈને તેમને શરદી થઈ હોય તો તેમને નાક સાફ કરતા શીખવાડો. ઘણા બાળકોને નાકમાંથી શેડા કાઢતા જ નથી આવડતું પરિણામે કફ શરીરની અંદર રહીને તાવ સહિતની બીમારીઓ નોતરી શકે છે. શરદી જેવી બીમારીમાં બાળકોને એલોપેથિક દવા આપવાના બદલે તુલસી, જેઠીમધ, શિતોપલાદિ જેવી દવાઓ આપો. ઉપરાંત તેમને નસ્ય પણ લેવડાવો. તેમને નાનપણથી જ પ્રાણાયામ કરવાની ટેવ પાડો.

બાળકોને થોડી ચાલવાની ટેવ અવશ્ય પાડો. નાનપણથી જ જો ચાલશે અને દોડશે તો તેમના પગ સારા રહેશે અને ભવિષ્યમાં વાહનની અનુપલબ્ધિમાં તેમને તકલીફ નહીં પડે. આ સિવાય તેમને ઠંડું પાણી પીવાની ટેવ જ ન પાડો. બને તો સૂંઠ, સંચળ અને હિંગ નાખેલું ઉકાળીને ઠંડું પડેલું પાણી પીવાની ટેવ પાડો. તે માફક ન આવતું હોય તો માત્ર ઉકાળેલું સાદું પાણી અને તે પણ માફક ન આવતું હોય તો માટલાના ગોળાનું પાણી પીવાની ટેવ પાડો. આર.ઓ. પાણીમાં ખનીજ તત્ત્વો રહેતાં નથી અને કેટલીક જગ્યાએ ક્ષારવાળું પાણી પણ હોય છે. આનો ઉપાય છે ઉકાળેલું પાણી પીવું.

બાળકોને જંક ફૂડની ટેવ ન પડે તે ધ્યાન રાખો. જો જંક ફૂડની બાળક જિદ કરે તો અઠવાડિયે કે પંદર દિવસે એક વાર, એ રીતે જેમ બને તેમ ઓછું જંક ફૂડ ખાય તે જુઓ. બાળકને બને ત્યાં સુધી પૌષ્ટિક ખોરાક ખવડાવો. પોસાય તેમ હોય તો સૂકો મેવો પણ થોડો થોડો ખવડાવી શકાય.

દૂધ એ સર્વોત્તમ આહાર છે. ગાયનું દૂધ બાળકોને અચૂક પીવડાવો. નાનપણથી દૂધ શરીરમાં જશે તો મોટી ઉંમરે કેલ્શિયમ અને વિટામીન બી-૧૨ની ખામી નહીં સર્જાય. દૂધ ઉપરાંત ઘી પણ બાળકોને જરૂરી છે. બાળકો જાડા થઈ જશે તેવી બીકથી ઘી અને માખણ ન ખવડાવો તેવું ન કરતા. વિટામીન બી-૧૨ એ ડેરી ઉત્પાદનોમાંથી જ મળે છે. માટે દૂધ અને દૂધજન્ય ચીજો જરૂર બાળકોને આપો.

બાળકોને માથામાં તેલ નાખવાની પણ ટેવ પાડો. બાળકો ફેશનના માર્યા વાળ શેમ્પૂથી ધોઈ કોરા રાખવા જિદ કરે તો તેમને સમજાવો કે ફેશન કરવા જતાં શરદી થઈ જશે અને માથું દુખશે. વળી, માથાને તેલનું પોષણ જરૂરી છે. વાળ લાંબા, કાળા અને જાડા બને તે માટે નાનપણથી જ તેલ જરૂરી છે. ઉપરાંત તેલથી માથામાં લોહીનું પરિભ્રમણ પણ સારું થાય છે જેનાથી મગજને પણ ફાયદો થતો હોય છે.

વિડિયો ગેમ અને ઇન્ટરનેટથી બાળકોને બને તેટલું દૂર રાખો. તેનાથી આંખો તો નબળી થશે જ પણ સાથે ઉશ્કેરાટ, ગુસ્સો, તણાવ અને હતાશાના શિકાર પણ બાળકો બની શકે. ઇન્ટરનેટમાં જો તમે ધ્યાન નહીં રાખો તો ગૂગલ સર્ચ કે યૂ ટ્યૂબ સર્ચમાં આવતાં ઑટો સજેશનથી બાળક હિંસા કે બીભત્સ સામગ્રી તરફ દોરાઈ શકે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]