તમારા બાળકની ત્વચાની કાળજી કઈ રીતે લેશો?

માતાઓ માટે તેમનું બાળક જ તેમનું વિશ્વ હોય છે. તેમના માટે થઈને તેઓ પોતાની ઈચ્છાઓ અને પોતાની કાળજી પણ ભૂલી જતી હોય છે. તો કેટલીક વાર તેમના માટે થઈ તેઓ પોતાને ન પસંદ હોય તેવું ભોજન, તેવી દિનચર્યા કે તેવી ટેવો અપનાવી લેતી હોય છે. આથી જ માતાને મહાન કહી છે. ઈશ્વરનું બીજું રૂપ કહી છે.

પરંતુ ઘણી વાર નવી માતાઓ માટે બાળકની કાળજી કઈ રીતે લેવી તે મૂંઝવણરૂપ બની જતું હોય છે. બાળકની ત્વચા બહુ જ નાજૂક હોય અને નવીસવી માતાને તેના પર કોઈ ઉઝરડો કે કોઈ લાલ ચકામાં કે સૂકી ત્વચા થાય તો ચિંતા થઈ જાય છે. બાળકની ત્વચા નાજૂક અને લીસી રહે તે માટે શું કરવું જોઈએ? આવો તેની વાત કરીએ.

પહેલાં તો યોગ્ય આહાર. બાળકને પરસેવો થતો હોય, તેની ત્વચા પર ખંજવાળ આવતી હોય. નાક, પગ અને હાથ પર આવું વિશેષ થવાની સંભાવના છે. આમાં મૉઇશ્ચરાઇઝરથી ત્વચા પર ખંજવાળ ઓછી થઈ શકે છે. ત્વચાની અન્ય સમસ્યાઓ પણ ઘટી શકે છે. આથી જરૂરી છે કે જ્યારે બાળકને નવડાવી લેવામાં આવે તે પછી માતા બાળકની ત્વચાને મૉઇશ્ચરાઇઝ એટલે કે ભીની રાખે. જો તેમની ત્વચા સૂકી હોય તો તેમની ત્વચા દિવસમાં બે વાર મૉઇશ્ચરાઇઝ રાખો. હા, એ ધ્યાન અવશ્ય રાખો કે હળવું મૉઇશ્ચરાઇઝર રાખો.

બાળકને બોલતાં ન આવડતું હોય ત્યારે સ્વાભાવિક છે કે તે પોતાને થતી સમસ્યાની રજૂઆત કે ફરિયાદ બરાબર કરી શકવાનું નથી. આથી જો તેની નીચે બરાબર સફાઈ નહીં કરવામાં આવે તો તેને તકલીફ થશે. તે રોયા રાખશે. માતાને પણ ચિંતા થશે. તેને પણ રોવું આવશે. પરંતુ સમજવાની જરૂર એ છે કે બાળકને કઈ તકલીફ થઈ રહી છે. આથી બાળકને નિયમિત સમયે સાફ કરતા રહો. સ્વચ્છ કપડાં વડે આમ કરવું જોઈએ. આનાથી બાળકને બિનજરૂરી ચેપ અને બીજી તકલીફો નહીં પડે.

નવજાત શિશુને સ્નાન કરાવવું જોઈએ પરંતુ જરૂરી નથી કે રોજ સ્નાન કરાવવું. તેને સપ્તાહમાં બેથી ત્રણ વાર સ્નાન કરાવી શકાય. તેની ત્વચા ખૂબ જ નાજૂક અને સંવેદનશીલ હોય છે. તેથી નિયમિત સ્નાન જરૂરી નથી હોતું. નિયમિત સ્નાનથી ત્વચામાં રહેલું તેલ અને પોષકતત્વો દૂર થઈ શકે છે.

સ્નાન કરાવતા પહેલાં તેના શરીરનાં અંગો સુવિકસિત અને સુડોળ બને તે માટે માલિશ જરૂરી છે. આમ તો બાળક જ નહીં, મોટા લોકો માટે પણ માલિશ સારું. ખાસ કરીને શિયાળા જેવી ઠંડી ઋતુમાં તો સરસવ કે તલના તેલથી જરૂર માલિશ કરવું જોઈએ. પરંતુ શિશુને તો ખાસ માલિશ કરવું જોઈએ. તેના માટે ખાસ માલિશ કરનારી બહેન કે ભાઈને રાખવાં પડે તો રાખવા જોઈએ. માલિશથી શરીરમાં લોહીનો પ્રવાહ પણ સારો વહે છે. તેના લીધે ત્વચા સારી બને છે. નાળિયેર, બદામ કે ઑલિવઑઇલથી તેની ત્વચાને પોષણ મળશે અને ભીની થશે. હા, માલિશ કર્યા પહેલાં તેલ હૂંફાળું થાય એટલું ગરમ કરી લેજો અને માલિશ કરતાં પહેલાં ધ્યાન રાખજો કે એટલું બધું ગરમ ન હોય કે તમારું બાળક દાઝી જાય.

ત્વચા પર લાલ ચકામાં તકલીફદાયક હોય છે. તે બાળકને જ નહીં, તમને પણ તકલીફ આપે છે. બાળકને લાંબા સમય સુધી ડાઇપરપહેરાવીરાખવાથી કે ખૂબ જ ચુસ્ત કપડાં પહેરાવવાથી આવાં ચકામાં થાય છે અને ત્વચા લાલ થઈ જાય છે. તમારા બાળકની ત્વચા પર લાલ ચકામા ન થાય તેથી તેના કપડાં બદલતાં રહેવા જોઈએ. તેનાં જનનાંગ સાફ રહેવાં જોઈએ. ચકામાં ન થાય તે માટે તેના પર ટેલ્કમલગાવવો જોઈએ. ઉપરાંત ખૂબ જ ચુસ્ત કપડાં ન પહેરાવો. બાળકની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેના માટે વધુ કાળજી અને ધ્યાન જરૂરી છે.

રસાયણ આધારિત ઉત્પાદનોના બદલે કુદરતી ઉત્પાદનો વાપરવાં જોઈએ. ઉત્પાદનોમાં રહેલું રસાયણ તમારા બાળકની ત્વચાના આરોગ્ય માટે ખરેખર નુકસાનકારક હોઈ શકે છે. તે તમારા બાળકની ત્વચાને સૂકી બનાવી દે છે. આથી તમારા બાળક માટે ઉત્પાદન પસંદ કરતી વખતે સમજદારીથી નિર્ણય લો. શિયાળા દરમિયાન ઘણાં માતાપિતા હીટર વાપરે છે. તેનો પણ બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. બાળકનું વાતાવરણ ગરમ ન બની જાય તે ધ્યાન રાખવું જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]