ઝિકા વાઇરસની ઝિંકાઝિંકથી બચવા શું કરવું?

મદાવાદમાં ઝિકા વાઇરસનો કેસ પૉઝિટિવ આવ્યો છે. બનાસકાંઠા અને ભાવનગરમાં પણ આ વાઇરસે દેખા દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવાતું હોવા છતાં ભારતમાં ગંદકીની ટેવ લોકોમાંથી છૂટતી નથી. તેથી મચ્છરો માટે મોકળું મેદાન મળી રહે છે. આથી ભારતના લોકોએ ચિંતા કરવાની જરૂર છે.

ત્યારે એ જાણવું જરૂરી બને છે કે આ વાઇરસ વળી કઈ બલા છે?

આ વાઇરસ એડેસ એજીપ્તી નામના મચ્છરથી ફેલાય છે. આ એ જ મચ્છર છે જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવે છે. તેનું નામ યુગાન્ડાના ઝિકા વન પરથી પડ્યું છે. તેનું કારણ એ છે કે આ વાઇરસ આ વનમાંથી જ ૧૯૪૭મા પકડાયો હતો.ઝિકા વાઈરસથી પ્રભાવિત બાળક

ગર્ભવતી મહિલાઓમાં ઝિકાના લીધે માઇક્રૉસેફલી નામની ઉણપ સર્જાઈ શકે છે. આ ઉણપના લીધે ગર્ભાશયમાં રહેલા બાળકનું માથું અસાધારણ નાનું માથું અને અન્ય મગજને લગતી ખામીઓ થઈ શકે છે. આ ચેપના લીધે ગુલૈન બર્રે સિન્ડ્રૉમ પણ સર્જાઈ શકે છે. આ એક ભાગ્યે જ જોવા મળતો ચેતાતંત્રને લગતો સિન્ડ્રૉમ છે જેના લીધે પેરાલિસિસ થઈ શકે છે.

હજુ સુધી ઝિકા વાઇરસ માટે કોઈ સારવાર કે રસી શોધાઈ નથી.

આ વાઇરસનાં લક્ષણો જાણવા જોઈએ. તેનાથી હળવો તાવ, ચામડી પર ફોલ્લીઓ, કન્જક્ટિવાઇટિસ (આંખ આવવી), સ્નાયુ અને સાંધાનો દુઃખાવો, અસુખ, માથાનો દુઃખાવો, શરીર તૂટવું જેવાં લક્ષણો સર્જાય છે. પરંતુ માત્ર ૨૦ ટકા દર્દીઓ જ આ લક્ષણો બતાવે છે જે સામાન્ય રીતે એક સપ્તાહ સુધી ચાલે છે.

આ વાઇરસ સામે કેમ લડવું તે પ્રશ્ન થશે કારણકે કોઈ સારવાર કે રસી તો નથી. આથી ચેતતો નર સદા સુખીની જેમ તમારા ઘરમાં કે ઘરની આસપાસ મચ્છર ઉછરે તેવી તમામ શક્યતાઓ નાબૂદ કરો. પાણી ન ભરાવા દો. ઝિકા વાઇરસનું મચ્છર તાજા પાણીમાં ઉછરે છે. આથી કુંડામાં, વણવપરાયેલી બૉટલમાં, ડબ્બા કે ડોલમાં, ટાયર વગેરે કોઈ જગ્યાએ પાણી એકઠું ન થવા દો.

ઝિકા વાઈરસથી પ્રભાવિત બાળક

મચ્છરને ભગાવવા માટે મૉસ્કિટો રેપલન્ટ, જેમ કે ક્રીમ, જૅલ, ઇલેક્ટ્રૉનિક મૉસ્કિટો રેપલન્ટ, સ્ટિક, મચ્છરદાની વગેરેનો ઉપયોગ કરો. તુલસી, સિટ્રૉનેલા, લીંબુ ઘાસ, ફૂદીનો, રૉઝમેરી વગેરે ઉગાડો.

દિવસ દરમિયાન વિશેષ કાળજી લો કારણકે ઝિકા વાઇરસ દિવસ દરમિયાન કરડતું મચ્છર છે. આથી નારીવાદીઓ ગમે તે કહે, પણ તમારા શરીરના ભાગ ઢંકાય તે રીતે પૂરા કપડાં પહેરો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]