જેની સ્યુગરેએ ઉપવાસથી કઈ રીતે પોતાનું વજન ઘટાડ્યું?

પૉપસ્યુગર કરીને એક વેબસાઇટ છે, તેમાં સ્ટાફ લેખિકા જેની સ્યુગર લખે છે. પરંતુ સાથે મહત્ત્વની વાત એ છે કે હૅલ્થ પર લખતાં જેની સ્યુગર પોતે પણ પોતાની તબિયત અને ચુસ્તીસ્ફૂર્તિ વિશે ઘણાં જ સજાગ છે. તે પોતાને ક્રૉસફિટ કહે છે. ક્રૉસફિટ એટલે એવી જીવનશૈલી જેમાં સલામત, અસરકારક કસરત અને સારો પોષણક્ષમ આહાર લેવાનો હોય છે. જેનીએ સાત મહિના બર્પી (એક પ્રકારની દંડબેઠક), બૉક્સ જમ્પ (એક ખોખું હોય તેના પર ચડવાનું અને ઉતરવાનું) અને સ્નેચ (વજન ઉંચકવાનું) કર્યા. પરંતુ તેનાથી તેની ચરબીમાં ખાસ કંઈ ફરક ન પડ્યો.

જેની સ્યુગર દાવો કરે છે તેમને ફાયદો ઉપવાસથી થયો છે. એ જ ઉપવાસ જેનું ભારતમાં હિન્દુ, જૈન, વગેરે ધર્મ અને મુસ્લિમોમાં રોજાની રીતે ઘણું મહત્ત્વ છે. પરંતુ આપણે ત્યાં તેને ધર્મની સાથે જોડી દેવામાં આવ્યો હોવાથી તેનો વિરોધ થાય છે.

જેની સ્યુગર કહે છે કે ફેબ્રુઆરી ૨૦૧૭માં તેણે અનિયમિત અંતરાલે ઉપવાસ શરૂ કર્યા. ખાસ કરીને ૧૬:૮ પદ્ધતિથી. અર્થાત્ તમારે દિવસમાં ૧૬ કલાક સુધી કંઈ ખાવાનું નહીં. બીજા આઠ કલાક દરમિયાન જ ખાવાનું. જેની રાત્રે આઠ વાગ્યા પછી ખાવાનું બંધ કરી દેતાં. (આપણે ત્યાં હિન્દુ, જૈનમાં રાત્રે જમવાનો નિષેધ છે. પરંતુ હવે તેનું પાલન ઓછું થાય છે.) તે બીજા દિવસે બપોર સુધી કંઈ ખાતાં નહીં. આમ, તેઓ સવારનો નાસ્તો ન કરતાં. જેનીનો ઉદ્દેશ પોતાના પેટની ચરબી ઘટાડવાનો હતો, જે લગભગ તેના આખા જીવન દરમિયાન હતી. એક મહિનો ઉપવાસ કર્યા પછી તેમણે જોયું કે તેમના પેટની ચરબી ઓગળી રહી છે. ત્રણ મહિના પછી તેમને વધુ મોટો તફાવત જણાયો. આથી તેમણે આ પદ્ધતિ ચાલુ રાખવાનું નક્કી કર્યું. છ મહિના પછી તેમને વધુ ફાયદો થયો અને તેમને સારું લાગે છે.

આવા ઉપવાસથી થયેલા ફાયદાથી સ્વાભાવિક તેમને લોકો પ્રશ્નો પૂછે છે. તેમના તેમણે જવાબો આપ્યા છે.  એક પ્રશ્ન એ હતો કે શું તમે સવારમાં ભૂખ્યા રહી શકતાં હતાં? જવાબ એ છે કે પહેલાં થોડાં અઠવાડિયાં તેમને ખૂબ જ અઘરું લાગ્યું કારણકે શરીરને સવારમાં ખાવાની ટેવ હતી પરંતુ તે ટેવમાંથી બહાર નીકળવા જાવ તો શરીર તકલીફ કરે જ. પરંતુ થોડા સમય પછી તેમને ભૂખ જતી રહી. ગ્રેહલિન એ ભૂખનો અંતઃસ્ત્રાવ છે. તે ભૂખ વધારે છે. આથી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે ગ્રેહલિનનું ઉત્પાદન ઘટી જાય છે.

સવારે પાણી પીવાથી ભૂખ દૂર જતી રહે છે. પહેલાં તેમને દિવસમાં પાંચથી છ સમય ખાવાની ટેવ હતી, પરંતુ શરીરને આ સતત ખોરાક ન મળ્યો ત્યારે હવે શરીર તેમના શરીરમાં સંગ્રહાયેલી વધારાની ચરબીનો ઉપયોગ કરવા લાગ્યું.

પરંતુ સવારમાં કામ કરવાનું કેવું રહે છે? જેની કહે છે કે તેમને હતું કે તેઓ થાકી જશે, માથું ભારે થઈ જશે. ખાવાની તીવ્ર ઈચ્છા થશે. પરંતુ તેમને તેનાથી વિરુદ્ધ અનુભૂતિ થઈ. તેમના વિચારો વધુ સ્પષ્ટ બન્યા. શક્તિ વધી. તેઓ શું ખાશે તે વિચારવા પાછળ તેઓ સમય બગાડતા નથી. પહેલાં કરતાં ખૂબ જ સારું લાગે છે.

તેનાથી તમારી સ્યુગર ઘટી જતી હતી? જેની કહે છે કે તમને લાગે છે કે સવારે નહીં ખાવાથી પહેલા હું જે કંઈ ખાઈશ તે સ્યુગરવાળી કોઈ ચીજ હશે. પરંતુ મને તો આરોગ્યપ્રદ ખોરાક જ ખાવાની ઈચ્છા થતી હતી. આ છેલ્લા કેટલાક મહિનાઓમાં મેં રિફાઇન્ડ કરેલા કાર્બૉહાઇડ્રેટ, આઈસ્ક્રીમ અને ચૉકલેટ ખાવામાં પણ કાપ મૂક્યો છે.

તમે આઠ કલાકનો જે ખાવાનો સમય છે તેમાં શું ખાવ છો? સામાન્ય રીતે હું મારો ઉપવાસ કાચી બદામ અને એક કે બે કેળાં ખાઈને તોડું છું. તે પછી ટોફુ, બિન્સ, એવોકેડો અને સનફ્લાવર બી વગેરે સલાડ ખાઈને અથવા તો બાફેલું ટોફુ, ગળ્યું બટેટું કે રેડ પીપર ડિશ ખાઈને કરું છું. બપોરે ૩.૩૦ આસપાસ હું પ્રૉટીન સ્મૂથી, લારાબાર અથવા ગ્યુકામૉલ સાથે કેટલાંક ગાજર ખાઉં છું. રાત્રે ભોજનમાં હું શાકાહારી ભોજન લઉં છું. બાફેલાં બટરનટ સ્ક્વૉશ, કાલે સલાડ વગેરે લઉં છું. મારું ભોજન કેટલા વાગે સમાપ્ત થાય છે તેના આધારે હું થોડું સફરજન, કાજુ વગેરે પણ લઉં છું. આ પદ્ધતિમાં સારી વાત મને એ લાગે છે કે મારે કેલેરી ગણવી પડતી નથી અને ખાવા વિશે મને તણાવ થતો નથી.

આ પદ્ધતિથી મારું વજન ઘટ્યું નથી! તેમ આશ્ચર્યની વાત કરતા જેની કહે છે કે વજન ભલે ન ઘટ્યું હોય પરંતુ મારાં સ્નાયુ બન્યા છે અને શરીરની ચરબી દૂર થઈ છે. મારા પેટમાં અને શરીર પર તમે એ જોઈ શકો છો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]