અટલજીને થઈ હતી તે ડિમેન્શિયાની તકલીફનો ઉપાય શું છે?

તાજેતરમાં અટલબિહારી વાજપેયીનું નિધન થયું. તેઓ ડિમેન્શિયા સહિત અનેક બીમારીઓથી પીડિત હતા. ડિમેન્શિયા કઈ બીમારી છે? આ બીમારી વિસ્મૃતિની બીમારી છે. સ્મરણશક્તિ જતી રહેવી. અટલજીની સ્મરણશક્તિ અગાધ હતી. તેઓ પ્રવચન વાંચ્યા વગર કરી શકતા. કવિતાનું પઠન વાંચ્યા વગર કરી શકતા. પરંતુ છેલ્લે તેમને વિસ્મૃતિની બીમારી થઈ.આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ડિમેન્શિયાના દર્દીઓ યાદશક્તિ ગુમાવી બેસે છે ત્યારે તેમના વ્યવહારમાં પણ પરિવર્તન થાય છે. તેનાથી દર્દી જ નહીં, પરંતુ પરિવારના અન્ય સભ્ય પણ પ્રભાવિત થાય છે. ભારતમાં ડિમેન્શિયા અંગે જાગૃતિ ઓછી છે. રોનાલ્ડ રેગન, માર્ગારેટ થેચર, અમિતાભ બચ્ચનનાં માતા જેવાં મહાનુભાવોને પણ ડિમેન્શિયાની તકલીફ થઈ હતી. તેનાથી બચવાના કેટલાક ઘરેલુ ઉપચાર નીચે મુજબ છે જે આરોગ્ય નિષ્ણાતોની સલાહ પર અનુસરવા જોઈએ.

ખાંડ ઓછી ખાવ. સૌથી પહેલાં પોતાના ભોજનમાંથી ગળ્યું, કાર્બૉહાઇડ્રેટ અને રિફાઇન્ડ કાર્બૉહાઇડ્રેટ ઓછું કરી નાખો. જ્યાં સુધી તમારું વજન નિયંત્રિત ન થાય, કાર્બૉહાઇડ્રેટવાળી ચીજોથી બચો. બહુ વધુ ખાંડ ખાવાથી મગજના પટલ નબળા પડે છે. તેની અસર યાદશક્તિ પર પડે છે.

હળદર લો. હળદરમાં હાજર તત્ત્વ કરક્યૂમિન ડિમેન્શિયાથી સુરક્ષા આપે છે. હળદરમાં એન્ટિ ઑક્સિડન્ટ તત્ત્વ હોય છે જે મગજના વિકાસ માટે જરૂરી છે. આથી ભોજનમાં હળદરને જરૂર સામેલ કરો. બને તો, તેનો ફાકડો ભરી પાણી પી લો અથવા દૂધમાં પણ લઈ શકાય.

નાળિયેર તેલમાં ભોજન લો. નાળિયેર તેલમાં ભોજન બનાવવાથી ડિમેન્શિયાનો ઉપચાર સંભવ છે. નાળિયેર તેલમાં ચરબીનું પ્રમાણ બહુ વધુ નથી હોતું અને તે મગજને તેજ પણ કરે છે.

આદુ ડિમેન્શિયામાં રાહત માટે સારું છે. આદુની ચા, જમવામાં આદુ કે સૂંઠ, એમ કોઈ પણ સ્વરૂપે આદુ ખાવાથી ડિમેન્શિયામાં ઘણો ફાયદો મળે છે.

ગ્રીન ટી પણ ડિમેન્શિયાના ઉપચારમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ગ્રીન ટી સારા સ્વાસ્થ્ય અને મગજના સારા વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. ગ્રીન ટી પીવાથી શરીરમાં ઑક્સિજનનો સંચાર થાય છે અને જામેલી ચરબી દૂર થાય છે. તેનાથી યાદશક્તિ વધે છે. ભૂલવાની સમસ્યા દૂર થાય છે.

બદામ પણ તેજ મગજ માટે ફાયદારૂપ છે. બદામના તેલમાં ચરબી તો હોય છે પરંતુ તેના ખાવાથી શરીરમાં ચરબી વધતી નથી. મગજ માટે જરૂરી અન્ય પોષક તત્ત્વો પણ મળે છે જેનાથી શરીર જ નહીં, મગજ પણ સ્વસ્થ થાય છે.

આ તો થયા પ્રાકૃતિક ઉપચાર. આયુર્વેદ મુજબ, ડિમેન્શિયાનો ઉપચાર કરવા માટે વાયુ અથવા વાત સંતુલન જરૂરી છે. ઉંમર થાય તેમ શરીરમાં વાયુનું પ્રમાણ વધે છે. તેથી આયુર્વેદમાં ડિમેન્શિયાનો ઉપચાર વાત સંતુલિત આહાર સાથે શરૂ થાય છે.

આ ઉપરાંત અશ્વગંધાનું ચૂર્ણ દૂધ, ઘી કે સ્કિમ્ડ દૂધ સાથે લેવું. પરંતુ વ્યક્તિની પાચનક્ષમતા અનુસાર તે લેવું જોઈએ. તેલ માલિશથી પણ વાતનો પ્રકોપ શાંત થાય છે. સ્નાન કરતા પહેલાં રોજ તેલ માલિશ કરવું જોઈએ. આ સિવાય વધુ તકલીફ થઈ ગઈ હોય તો આયુર્વેદના નિષ્ણાતો પંચકર્મની સલાહ આપતા હોય છે, પરંતુ તે માટે શરીરની સ્થિતિ પણ ધ્યાનમાં લેવાય છે. પંચકર્મ ગમે તે વ્યક્તિ કરાવી શકે તેવું નથી.