સાવધ રહો આ પાંચ બીમારીઓથી

બીમારીઓ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી. બીમારી આવે છે ત્યારે જવાનું નામ નથી લેતી. પરંતુ આવી નિરાશાજનક કહેવતોની સામે આ કહેવતો પણ તમે જરૂર સાંભળી હશે- ચેતતો નર (નારી) સદા સુખી. પહેલું સુખ તે જાતે નર્યા. જાન હૈ તો જહાન હૈ.આપણે હકારાત્મક વાત કરવી છે. જો બીમારી વિશે પહેલેથી જાણકારી હોય તો આપણે ચેતતા રહી શકીએ અને પરિણામે બીમારીને આવતા વેંત જાકારો આપી શકાય, તેની સારવાર કરીને. હવે વૈજ્ઞાનિકો દ્વારા ઘણાં સંશોધનો થઈ ચૂક્યાં છે એટલે ભલભલી બીમારીનો ઈલાજ મળી રહે છે.

આજે સ્ત્રીઓને ઘણી બધી બીમારીઓનો સામનો કરવો પડે છે. આમાંથી પણ પાંચ બીમારીઓ એવી છે જેનો મહિલાઓના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ પ્રભાવ પડે છે; જેમ કે હૃદયની બીમારી, સ્તન કેન્સર, ઑસ્ટિયૉપાઇરોસિસ, તણાવ અને રોગપ્રતિકારક શક્તિના અભાવથી થતા રોગો. આવો કેટલીક બીમારીઓ વિશે જાણીએ.

હૃદયની બીમારી. આજે હૃદયની બીમારીના કારણે લગભગ ૨૯ ટકા સ્ત્રીઓનાં મૃત્યુ થાય છે. તેનું સૌથી મોટું જોખમ એ છે કે તેમાં સ્ત્રીઓના કવેળાએ મૃત્યુ અને વિકલાંગતાની સ્થિતિ ઉત્પન્ન થાય છે. ઘણી એવી મહિલાઓ પણ છે જે હૃદયની બીમારી સાથે ઘણી બધી તકલીફો, જેમ કે દાદરા ચડવામાં અસમર્થ હોવું, શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરેનો સામનો કરતી રહે છે કારણકે હૃદયની બીમારી આ બધી ક્ષમતાને નષ્ટ કરી દે છે.

હૃદય રોગના વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે, હકીકતમાં જોઈએ તો હૃદય રોગોમાં કૉરોનરી હૃદય રોગનું સૌથી ઘાતક રૂપ લઈ ચૂક્યો છે.

સ્તન કેન્સર. આ રોગ સ્ત્રીઓમાં જોવા મળતી સૌથી પ્રચલિત બીમારી પૈકીની એક છે. તે ફેફસાના કેન્સર પછી જોવા મળતી એવી બીમારી છે જેનાથી મહિલાઓનું મૃત્યુ થવાની સંભાવના છે. વિશેષજ્ઞો જણાવે છે કે ક્યારેક ક્યારેક સ્તન કેન્સર થવાનો ડર એટલો બધો વધી જાય છે કે તેના કારણે મહિલાઓ ડૉક્ટર પાસે તપાસ કરાવવા પણ જતી નથી અને ક્યારેક ક્યારેક વિચારવામાં મોડું થઈ જાય છ કે ઈલાજ કરાવવો જરૂરી છે કે નહીં. આજે સ્તન કેન્સ્ર માટે ઘણા ઈલાજ સંભવ છે પરંતુ મહિલાઓને તેના વિશે જાણકારી હોવી જરૂરી છે.

આપણે ત્યાં ‘કેન્સર’ શબ્દ ખૂબ જ ડરાવી દે છે. કેન્સર એટલે કેન્સલ એવું સમજવામાં આવે છે. પરંતુ પશ્ચિમમાં કેન્સરનો ઈલાજ આજે એ રીતે થઈ રહ્યો છે જેવો આપણે ત્યાં ક્ષયનો. નવાંનવાં સંશોધનોથી સ્તન કેન્સરનો ઈલાજ હવે સરળ થઈ ગયો છે. ગત કેટલાંક વર્ષોમાં દેશમાં મહિલાઓમાં સ્તન કેન્સરના કિસ્સા વધુ બહાર આવ્યા છએ.

આમ કેન્સર એટલે કેન્સલ જેવી વિચારસરણી બદલવી જોઈએ. કેન્સરથી ડરવાના બદલે તેનો સામનો કરવો ઉચિત છે. લીસા રે, મનીષા કોઈરાલા, એન્જેલિના જૉલી જેવી અભિનેત્રીઓ તેનો સામનો કરીને હિંમતપૂર્વક બહાર આવી છે.

ઑસ્ટિયોપોરોસિસ. ઑસ્ટિયોપોરોસિસ પણ લોકોને ડરાવી દે છે. આજે દેશમાં લગભગ ૬૦ ટકા મહિલાઓ આ રોગથી ગ્રસિત છે. આ બીમારી મોટા સ્તર પર ઈલાજ કરાવવા યોગ્ય છે. મોટા ભાગની મહિલાઓ ૩૦ વર્ષની ઉંમર પછી જાડી થવા લાગે છે. તેનાથી નવાં હાડકાં બનવા સમાપ્ત થવા લાગે છે. વળી, મહિલાઓ ઘર ખર્ચ બચાવવા અને પોતાનાં બાળકોને દૂધ મળે તે માટે પોતે દૂધ પીતી નથી. પરિણામે કેલ્શિયમ મળવું જોઈએ તેટલું મળતું નથી. આથી જ માતાપિતાઓએ દીકરીને નાનપણથી કેલ્શિયમ ભરપૂર મળી રહે તે માટે પ્રયત્ન કરવા જોઈએ.

તણાવ, આજે દરેકના જીવનમાં તણાવ વધતો જાય છે, પરંતુ મહિલાઓના જીવનમાં ખાસ. ઘર પણ ચલાવવાનું અને ઘણી વાર નોકરી પણ કરવાની હોય. ઘરમાં બાળકના હૉમ વર્ક, સ્કૂલમાં તેની સાથે અન્ય બાળકોનું વર્તનથી લઈ સાસુ-સસરાની સંભાળ, સાસરિયા અને પિયરના પ્રસંગો વચ્ચે સંતુલન, ઘરમાં રસોઈ, સાફસફાઈ, પતિની દેખભાળ વગેરે અનેક બાબતો સ્ત્રીઓના જીવનમાં તણાવ પેદા કરી શકે છે. આથી પોતાના માટે સમય કાઢી મહિલાઓએ યોગ અને પ્રાણાયામને અપનાવવા જોઈએ. જો પોતે તંદુરસ્ત હશે તો ઘરને સારી રીતે ચલાવી શકશે. બાળકોને અને પતિને પણ સંભાળી શકશે. અને પોતે તંદુરસ્ત હશે તો રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી તેના અભાવના કારણે થતા રોગ નહીં થાય. જો આ શક્તિ ઘટી જાય તો લ્યુપસ, મલ્ટિપલ સ્ક્લેરોઇસિસ, ડાયાબિટીસ વગેરે નહીં થાય.