નકામી દવાઓ પર મૂકાયો પ્રતિબંધઃ લેવાયો જનહિતમાં નિર્ણય

કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે લોકોનાં આરોગ્યની ચિંતા રાખીને ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો છે. એણે સેરિડોન, ડી કોલ્ડ, કોરેક્સ, વિક્સ એક્શન 500 જેવી શરદીમાં તાત્કાલિક રાહત આપતી 328 દવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

સરકારે દવાઓનાં 328 ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન્સ (FDC)ના ઉત્પાદન, વેચાણ અને ડિસ્ટ્રીબ્યુશન પર તાત્કાલિક અમલમાં આવે એ રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. તથા અન્ય છ દવાઓ પર નિયંત્રણો લાગુ કર્યા છે.

સેરિડોન, વિક્સ એક્શન 500, સુમો, જીરોડોલ, ફેન્સીડીલ, જિન્ટાપ જેવી દવાઓ સામાન્ય રીતે લોકો માથાનો દુખાવો, શરદી, ઝાડા, પેટમાં દર્દ જેવી તકલીફો માટે લેતા હોય છે. મેડિકલ સ્ટોરવાળાઓ પણ વિવિધ પ્રકારની એન્ટીબાયોટિક્સ, પેઈન કિલર્સ, સુગર તથા હાર્ટના રોગોને લગતી આવી દવાઓ ઘણી વાર લોકોને ડોક્ટરની સલાહવાળી ચીઠ્ઠી વગર વેચતા હોય છે. હવે આ દવાઓના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ મૂકાઈ ગયો છે.

આ પ્રતિબંધિત દવાઓમાં ઘણી જાણીતી દવાઓનો પણ સમાવેશ થાય છે, જેવી કે પેઈનકિલર સેરિડોન, સ્કીન ક્રીમ પેન્ડર્મ, કોમ્બિનેશન ડાયાબિટીસ દવા ગ્લુકોનોર્મ PG અને એન્ટીબાયોટિક લુપિડીક્લોક્સ.

આરોગ્ય મંત્રાલય આ અસુરક્ષિત અને અવ્યવહારુ દવાઓ પર પ્રતિબંધ મૂકવા માટે છેલ્લા બે વર્ષથી પ્રયત્નશીલ હતી. હવે એ માટેની કાનૂની લડાઈનો અંત આવી ગયો છે.

ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે આ બાબતમાં ચકાસણી કરવાનો ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડને આદેશ આપ્યો હતો. બોર્ડે પોતાના તપાસ અહેવાલમાં જણાવ્યું છે કે ઉક્ત 328 FDC દવાઓમાંના તત્ત્વો માટે કોઈ તબીબી વાજબીપણું નથી અને તે માનવ વપરાશ માટે સારી નથી તેથી એની પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.

કહેવાય છે કે સરકાર આ ઉપરાંત આવી બીજી 500 દવાઓ ઉપર પ્રતિબંધ મૂકી દેવાની છે.

હવેથી FDC વિશે કડક નિયમો લાગુ કરાશે. આવી દવાઓ ડોક્ટરની ચીઠ્ઠી વગર મેડિકલ સ્ટોરવાળાઓ વેચી નહીં શકે.

શું હોય છે FDC દવાઓ?

એફડીસી દવાઓ એ હોય છે જેને બે કે તેથી વધારે દવાઓનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. આવી દવાઓ વિશે લાંબા સમયથી દેશમાં વિવાદ ચાલતો રહ્યો હતો. સંસદની એક સમિતિએ પણ આવી દવાઓ વિશે સવાલ ઉઠાવ્યો હતો. સમિતિનું કહેવું હતું કે આવી દવાઓ ઉચિત મંજૂરી વગર તેમજ અવૈજ્ઞાનિક રીતે બનાવવામાં આવે છે. આમાં ઘણી એન્ટીબાયોટિક દવાઓનો પણ સમાવેશ થાય છે. આવી દવાઓને ઘણા રાજ્યોની સરકારોએ પોતાની રીતે મંજૂરી આપી દીધી હતી એટલે તે વેચાતી રહી. કેન્દ્ર સરકાર આનો વિરોધ કરતી હતી. એનું કહેવું છે કે કોઈ પણ નવી એલોપેથિક દવાને મંજૂરી આપવાનો રાજ્ય સરકારોને અધિકાર નથી.

અનેક દેશોમાં FDC દવાઓ પર પ્રતિબંધ છે

FDC દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં ભારત ઘણું મોડું પડ્યું છે. અમેરિકા, જાપાન, ફ્રાન્સ, જર્મની, બ્રિટન જેવા ઘણા દેશોમાં આવી દવાઓ પર ક્યારનો પ્રતિબંધ મૂકી દેવાયો છે. ભારતમાં માત્ર એક જ રાજ્યએ આવી દવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તે છે પુડુચેરી.

સરકારે જે 328 એફડીસી દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે એમનો દેશના સંગઠિત દવા ઉદ્યોગ સેક્ટરમાં આશરે 3800 કરોડ રૂપિયાનો વ્યાપાર થાય છે. ભારતના ફાર્માસ્યુટિકલ સેક્ટરના કુલ વ્યાપારનો આ 3 ટકા હિસ્સો છે.

કોરેક્સ દવા પર પ્રતિબંધ આવતા ફાઈઝર કંપનીને રૂ. 308 કરોડનો ફટકો પડશે. જ્યારે એબોટને 480 કરોડ, મેકલોડ્સને 367 કરોડ, પેનડેમને 214 કરોડ, સુમોને 79, જીરોડોલને 72 કરોડ રૂપિયાનો ફટકો પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]