અરુણ જેટલીની બીમારી અને તેના ઉપાય જાણો

કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલી આજકાલ કિડનીની બીમારીનો સામનો કરી રહ્યાં છે. તેમનું ટૂંક સમયમાં કિડની પ્રત્યારોપણ કરવામાં આવશે. બીમારી હોવાના કારણે તેમણે આગામી સપ્તાહે લંડનની મુલાકાત રદ કરી દીધી છે.જેટલીની સ્વાસ્થ્યની વર્તમાન સ્થિતિ બેરિએટ્રિક સર્જરીના કારણે હોઈ શકે છે. વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં રા.જ.ગ. (એનડીએ) સત્તામાં આવ્યો તે પછી તેમણે આ સર્જરી કરાવી હતી. આ ઑપરેશન હકીકતે તેમણે કરાવ્યું હતું તો વજન નિયંત્રણ માટે. પહેલાં આ ઑપરેશન મેક્સ હૉસ્પિટલમાં થયું, પરંતુ જટિલતાઓના કારણે તેમને પછી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા. સૂત્રોના કહેવા પ્રમાણે, એઇમ્સના ડૉક્ટરો જેટલીજીના આવાસ પર તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. હજુ એ નિર્ણય નથી કરાયો કે કિડની પ્રત્યારોપણની જરૂરિયાત છે કે નહીં.

આવો આપણે જાણીએ કે કિડની ખરાબ છે તે કેવી રીતે ખબર પડે. હાથ અને પગમાં સોજા આવવા લાગે. રક્તચાપ (બ્લડ પ્રૅશર) વધવા લાગે. હાડકાંમાં દર્દ થવા લાગે. નબળાઈ આવવા લાગે. બેચેની લાગે. ઉબકા આવે. રોગ વધે ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે. નિદ્રા ન આવે. ગંભીર સ્થિતિમાં પીડિત વ્યક્તિ કૉમામાં કે બેભાન પણ થઈ શકે છે. રોગીનો જીવ જોખમમાં મૂકાય છે. શરીરમાં લોહી ઓછું થાય છે.

કિડની ખરાબ થવાંનાં અનેક કારણો છે. લોકો ઘણી વાર તેને અવગણે છે. જો આ રોગના ઇલાજની વાત કરીએ તો લગભગ ૯૦ ટકા અંગ્રેજી દવાઓ અને ઇલાજ કરાવે છે. ગંભીર સ્થિતિમાં તો તે જ કરાવવું હિતાવહ છે, પરંતુ કિડની પ્રત્યારોપણ માટે આયુર્વેદમાં પણ સારવાર પ્રાપ્ય હોવાનું આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે. કિડની ફેઇલ થવાના શરૂઆતના તબક્કામાં દર્દીને ડૉક્ટર બ્લડ પ્રૅશર કંટ્રૉલમાં રાખવા, ડાયટમાં પ્રૉટિન પર નિયંત્રણ મૂકવા, મીઠું ઓછું કરવા વગેરે પરેજી પાળવા કહેશે. તેનાથી દર્દીની કિડની ફેઇલ થવાની શક્યતા જો અટકશે નહીં, તો ધીમી તો થશે જ. પરંતુ જો કિડની ફેઇલ થઈ જ ગઈ હોય તો? તો તેના બે ઉપાય છે.

પહેલ ઉપાય. કિડની ટ્રાન્સપ્લાન્ટ અથવા પ્રત્યારોપિત કરવાનો છે. બીજો ઉપાય નિયમિત રીતે ડાયાલિસિસ કરાવવાનો છે. ડાયાલિસિસ અઠવાડિયામાં એક વાર કરાવાય છે જેમાં લોહી સાફ કરવામાં આવે છે. આ ક્રમ આખી જિદંગી ચાલતો રહે છે. એક બીજા પ્રકારનું ડાયાલિસિસ પણ હોય છે જેમને આપણે સીએપીડી કહીએ છીએ. તે ઘરે જ થાય છે. તેમાં પેટમાં કેથેટર લગાવીને પેટની સફાઈ કરાય છે. કિડની પ્રત્યારોપણની સુવિધા વર્તમાનમાં મોટા ભાગનાં શહેરોમાં થઈ ગઈ છે. તે ડાયાલિસિસ કરતાં સારો, પરંતુ મોંઘો ઉપાય છે.

સ્વસ્થ કિડનીના ઉપાય જોઈએ તો, કિડનીની સમસ્યાથી ગ્રસ્ત લોકોએ પોતાના આહારમાં મીઠું અને પ્રૉટીનની માત્રા ઓછી કરવી જોઈએ, કારણકે આ બંને ચીજોથી કિડની પર દબાણ વધે છે. રોજ વ્યાયામ અને શારીરિક ગતિવિધિઓ કરવાથી રક્તચાપ અને લોહીમાં સર્કરા (શુગર)ની માત્રાને નિયંત્રિત રાખી શકાય છે. તેનાથી ડાયાબિટીસ અને તેનાથી થઈ શકે તેવી ક્રૉનિક કિડનીની બીમારીના જોખમને ઓછું કરી શકાય છે.

મેગ્નેશિયમની ઉણપથી ઉચ્ચ રક્તચાપ અને વિષાક્ત પદાર્થો વધી જવાથી કિડનીના કામ પર અસર પડવા લાગે છે. આથી તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં મેગ્નેશિયમ લો. ડાયાબિટીસની કિડની પર ખરાબ અસર પડે છે. એમ પણ કહી શકાય કે ડાયાબિટીસ કિડનીનો સૌથી મોટો શત્રુ છે. આથી લોહીમાં શુગરની માત્રા નિયંત્રિત રાખવી આવશ્યક છે. ઓછું પાણી પીવાથી કિડનીને નુકસાન થાય છે. પાણીની ઉણપથી કિડની અને મૂત્રનળીમાં સંક્રમણનો ખતરો વધી જાય છે. જેના કારણે પોષક તત્ત્વોના કણ મૂત્રનળીમાં પહોંચીને મૂત્ર ત્યાગને બાધિત કરવા લાગે છે.