ખાશો મરી તો ભાગશે અનેક બીમારી

સામાન્ય રીતે રસોઈમાં ભોજનનો સ્વાદ વધારવા અને મસાલાના રૂપમાં પ્રયોગમાં લેવાતા મરી ખાવાના અનેક ફાયદા છે. સામાન્ય રીતે એ અવધારણા છે કે મરીનું વધુ સેવન આરોગ્યને તકલીફદાયક હોય છે. આથી જરૂરી છે કે તમે મરીનું સેવન કરવામાં સંયમિત રહો. દરરોજ બેથી ત્રણ દાણા મરી તમારા શરીરમાં અનેક રીતે ફાયદારૂપ સાબિત થશે. એટલું જ નહીં, તમે મરી ખાવાથી અનેક રોગોની સારવાર ઘરે બેઠાં કરી શકો છો. આયુર્વેદમાં મરી સહિત રસોડામાં સ્વાદ વધારવા વપરાતી ઘણી ચીજોના ઔષધિ તરીકે ઉપયોગ ગણાવાયેલા છે.

મરીનું સેવન કરવાથી ઠંડી હવા હોય ત્યારે થતી ઉધરસ અને શરદીથી તમને રાહત મળે છે. સાથે જ તેના સેવનથી તમારું ગળું પણ સાફ રહે છે. એટલું જ નહીં, કેટલાક લોકોને શરદીના કારણે વાળ ખરવાની સમસ્યા થઈ જાય છે. તેનાથી તમને આરામ મળે છે. મરીના સેવનથી અનેક પ્રકારની બીમારીઓમાં તમને રાહત મળી શકે છે.

જો તમને શરીર પર ફોડલી કે ગુમડા થવાનું સામાન્ય હોય તો મરીને ઘસીને ફોડલીવાળી જગ્યા પર લગાડી લો. તેનાથી તમને ઓછા સમયમાં આરામ મળશે. તે ઉપરાંત મોઢા પર થતાં ખીલથી પણ મરી રાહત આપે છે. જોકે તેને લગાવવાથી તમને થોડો સમય તકલીફ પડી શકે છે પરંતુ ઝડપથી આરામ મળશે. આમ છતાં આરોગ્ય નિષ્ણાતોની સલાહ લઈ આમ કરવું જોઈએ.

મરીમાં પિપરાઇન હોય છે. તેમાં એન્ટી ડિપ્રેસન્ટ ગુણો હોય છે. તેના લીધે લોકોને ટેન્શન અને ડિપ્રેશનમાં રાહત મળે છે. આથી જ ઘરડા લોકો મરીના સેવનને મહત્ત્વ આપતા હતા.

મરી લેવાથી દાંતો સાથે જોડાયેલી સમસ્યાઓમાં રાહત મળે છે. પેઢામાં થતા દર્દમાં મરીથી જલદી આરામ મળે છે. તમે મરી, માજુફૂલ અને સિંધાલૂણને ભેળવીને ચૂર્ણ બનાવીને કેટલાંક ટીપાં સરસવના તેલમાં મેળવીને દાંતો અને પેઢામાં લગાવીને અડધો કલાક મોઢું સાફ કરો. તેનાથી તમારા દાંત અને પેઢામાં થતા દર્દમાં તમને રાહત મળશે.

ઘણાને હેડકી બહુ આવતી હોય છે. લોકો એમ કહે છે કે જ્યારે માણસને હેડકી આવે ત્યારે તેને કોઈ યાદ કરતું હોય છે. જોકે આ વાતને હજુ સુધી પ્રમાણ નથી મળ્યા. પરંતુ જો લીલા ફૂદીનાની ૩૦ પત્તી, બે ચમચી વરિયાળી અને મરીને વાટીને એક ગ્લાસ પાણીમાં ઉકાળી તે મિશ્રણ પી લો તો હેડકી બંધ થવાની શક્યતા છે. પાંચ દાણા મરીને બાળીને વાટીને વારંવાર સૂંઘવાથી પણ હેડકીની સમસ્યા ઓછી થાય છે.

આધુનિક જીવનશૈલીના લીધે વાયુ અને પિત્ત (અનુક્રમે ગેસ અને એસિડિટી)ની સમસ્યા થાય છે. તમને જો આ તકલીફ હોય તો લીંબુના રસમાં મરી અને સંચળનો ભૂકો મેળવીને તે ચપટી જેટલું લો. વાયુથી થતા દર્દમાં તમને ઝડપથી આરામ મળશે.

મરીનો ભૂકો ભોજનમાં ઉપયોગમાં લેવાથી પેટમાં જીવડાની સમસ્યા દૂર થાય છે. તે ઉપરાંત મરીની સાથે કિશમિશ ખાવાથી પેટમાં જીવડાની સમસ્યાથી છૂટકારો મળે છે.

મહિલાઓ માટે મરી ખાવું ફાયદારૂપ હોય છે. મરીમાં વિટામીન સી, વિટામીન એ, ફ્લેવૉનૉઇડ્સ કેરોટિન અને અન્ય એન્ટી ઑક્સિડેન્ટ હોય છે. તેનાથી મહિલાઓમાં સ્તન કેન્સર થવાનો ખતરો ઓછો થાય છે.