અક્ષરો પણ જીવનપ્રવાહ પલટાવી શકે : પિન્કી આચાર્ય

મુંબઈનાં આ મહિલા અક્ષરના મરોડ બદલી જિંદગીને નવો મોડ આપે છે… એ લાઈફ કોચ છે, કાઉન્સેલર છે, જીવનમાંથી રસ ગુમાવી ચૂકેલા કૅન્સર પેશન્ટને  પ્રેરણાદાયી પ્રવચન દ્વારા એક નવી આશા આપે છે.

અહેવાલઃ કેતન મિસ્ત્રી

જીવન શું છે? જીવન તો ગાઢ ધુમ્મસથી છવાયેલા વળવળાંકવાળા રસ્તા પર કાર હંકારવા જેવું છે… તમે બહુ લાંબે જોઈ શકતા નથી. ક્યાં વળવાનું છે-ડાબે કે જમણે? કયો રસ્તો ઊંચાઈ તરફ લઈ જશે? ટૂંકમાં, બહુ વિચારવાનું નહીં…  જીવનનો આ પાઠ પિન્કી હિમાંશુ આચાર્ય શીખ્યાં હતાં ચારેક વર્ષ પહેલાં.

ઓક્કે, કોણ છે પિન્કી આચાર્ય?

અક્ષરના મરોડ બદલી સફળતાનો રોડ કંડારી આપવાનું એક વિજ્ઞાન છે. આ વિજ્ઞાન જેને હસ્તગત છે એને કહે છે ગ્રાફોલૉજિસ્ટ.  પિન્કીબહેન દોઢેક દાયકાથી આવાં બાહોશ ગ્રાફોલૉજિસ્ટ છે. પોતાની પાસે આવેલી વ્યક્તિના લખાણનું પૃથક્કરણ કરી એની સમસ્યાનો ઉકેલ કેમ લાવવો એમાં માહેર. મુંબઈના પૉશ ગણાતા વિસ્તારોની ભદ્ર સ્કૂલનાં કિશોર-કિશોરીની નાજુક સમસ્યાથી લઈને લગ્નજીવનની, લગ્નેતર સંબંધોની સમસ્યા એ ગ્રાફોથેરાપી તથા કાઉન્સેલિંગથી ઉકેલે.

‘ચિત્રલેખા પ્રિયદર્શિની’ને પિન્કીબહેન કહે છે: ‘તે વખતે આખા વર્ષમાં મારે શું શું કરવાનું છે એનું પરફેક્ટ પ્લાનિંગ કરી રાખેલું, પણ કાગળના એક ટુકડાએ (મેમ્મોગ્રાફી-બાયોપ્સી, વગેરેના રિપોર્ટ્સે) મારુંં આખું પ્લાનિંગ ખોરવી નાખ્યું. મારી સાથે જોડાયેલાં કાઉન્સેલર-ગ્રાફોલૉજિસ્ટ-લેખિકા-માતાની પાછળ વધુ એક છોગું ઉમેરાયું: હવે હું સ્ટેજ વન કૅન્સર પેશન્ટ હતી. જો કે ડૉક્ટરે કરેલા નિદાનથી ભાંગી પડવાને બદલે, જીવનથી નાસીપાસ થવાને બદલે મેં જીવનને એક નવી રીતે જોવાની શરૂઆત કરી. મને થયું કે આપણું જીવન આપણા કહ્યામાં છે ખરું? જીવન પર આપણો કન્ટ્રોલ ખરો? કેટલો?  આ બધું વિચારીને મેં જીવનને એક નવો વળાંક આપ્યો. કેટલાક ઈન્ટરનૅશનલ કોર્સ કર્યા. એ વિશેના ગ્રંથના અભ્યાસ કર્યા…’

પિન્કીબહેન ગ્રાફોલૉજિસ્ટ, ગ્રાફોથેરાપિસ્ટ તો હતાં જ, આજે એ લાઈફ કોચ, મેન્ટર હોવા ઉપરાંત અનેક મોટી કંપનીમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટની સેવા આપે છે. એમણે એમનાં સંસ્મરણ ‘તત ત્વમ અસિ’ એ શીર્ષક હેઠળ પુસ્તકબદ્ધ કર્યાં છે તો કૅન્સર સામે ઝઝૂમવાની એમની અનુભવકથા ‘બાલ્ડ ઈઝ બ્યુટિફુલ’ એ શીર્ષક હેઠળ પુસ્તિકાબદ્ધ કરી છે, જેનો ગુજરાતીમાં ભાવાનુવાદ ‘પેશન્ટ ક્યાં છે?’ એ શીર્ષક હેઠળ થયો છે.

લાઈફ કોચ અથવા માર્ગદર્શકની કામગીરી ટૂંકમાં સમજીએ તો એ પોતાના ક્લાયન્ટ માટે લક્ષ્ય નક્કી કરે છે. ધારો કે એને એટલે કે ક્લાયન્ટને કોઈ ક્ષેત્રમાં કશુંક પામવું છે, પણ કેવી રીતે એ ખબર નથી તો અહીં લાઈફ કોચ એની મદદે આવે છે. ક્લાયન્ટની જરૂરત, એનું લક્ષ્ય, વગેરે સમજી એ સિદ્ધ કરવાની યોજના, વ્યૂહનીતિ રચવી. આ માટે ઈન્ટરનૅશનલ લેવલના કોર્સ કરવા પડે, સર્ટિફિકેટ મેળવવું પડે. એ પછી તમે કોઈના માર્ગદર્શક બની શકો, જ્યારે ગ્રાફોથેરાપિસ્ટ એટલે લખાણ વાંચીને જીવનની સમસ્યા ઉકેલનાર. જો કે એક વાત અહીં એ સમજવી જરૂરી છે કે ટૂંકા ગાળાનો કોર્સ કરીને ગ્રાફોલૉજિસ્ટ તો કોઈ પણ બની જાય, પરંતુ આખી વાત સમજી એનું પૃથક્કરણ કરવું એ ઊંડો અભ્યાસ માગી લે છે.

દોઢ દાયકાથી આ ક્ષેત્રે કામ કરતાં પિન્કીબહેન સાથે વાત કરીએ ત્યારે ખયાલ આવે કે સત્તા-સંપત્તિ-સફળતા પામવાની ન સંતોષાય એવી ઝંખનાથી પ્રેરાયેલું જગત આજકાલ વધુ ને વધુ ભૌતિક બનતું જાય છે. સ્માર્ટફોનને પગલે સોશિયલ મિડિયાના થયેલા અતિરેકથી માનવમનની અંદર એક ન સમજાય એવો ખાલીપો છે. આત્મવિશ્ર્વાસનો અભાવ, એકબીજાની દેખાદેખી (પીઅર પ્રેશર), જાતીય સતામણી, વગેરેને કારણે કિશોર-કિશોરીમાં ડિપ્રેશન, ડ્રગ્ઝ, આત્મહત્યા તથા પુખ્ત વયમાં છૂટાછેડાના કિસ્સા ભયજનક હદે વધી રહ્યા છે.

મુંબઈમાં જન્મેલાં તથા મુંબઈમાં જ પતિ હિમાંશુ તથા પુત્રી અશ્નિ અને પુત્ર ક્રિશ્નવ સાથે વસતાં પિન્કીબહેન કહે છે:

‘એક અમીર ઘરાણાની કિશોરી મારી પાસે આવેલી. એનાં માતા-પિતા અમુક કારણસર સતત ઝઘડ્યા કરે. સુખ-સગવડ-સાધન બધું હાજર, પણ નહોતાં મળતાં હૂંફ-પ્યાર. એ એણે બહાર શોધવાનો પ્રયત્ન કરતાં એક વિચિત્ર કહેવાય એવો સંબંધ બાંધી બેઠી. વક્રતા તો એ હતી કે એ છોકરી માનવા તૈયાર નહોતી કે આ સંબંધ એને બેહાલી સિવાય કંઈ આપી શકે એમ નથી. એની માર્ગદર્શક (લાઈફ કોચ) બની મેં એને બધાંમાંથી બહાર કાઢી, એના માંદા પડેલા મનને સાજું કર્યું, એનાં માતા-પિતા સાથે મીટિંગ યોજી. મને ખુશી છે કે એ છોકરી આજે જીવનમાં સફળતાનાં એક પછી એક સોપાન સર કરતી જાય છે.’

હાલ પિન્કીબહેન સાન ફ્રાન્સિસ્કોના ઈન્ટરનૅશનલ કોચ ફેડરેશન  (આઈસીએફ)ના કહેવાથી અમદાવાદની જગવિખ્યાત સંસ્થા સેવા  (SEWA)ની નવ બહેનનાં લાઈફ કોચ બન્યાં છે. સેવા સાથે સંકળાયેલી આ બહેનોમાં કોઈ પાટણનું મ્યુઝિયમ સંભાળે છે, કોઈ બૅન્કિંગ તો કોઈ કમલા કેફે… પિન્કીબહેન એમને વિવિધ તબક્કે માર્ગદર્શન આપી એમની કાર્યક્ષમતા વધે એવા પ્રયાસ કરે છે.

ઉદાહરણ તરીકે, જે બહેન બૅન્કિંગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં છે એમનું કામ છે ગામડાંગામની આત્મનિર્ભર મહિલાને નાના પાયે બિઝનેસ કરવા જોઈતી લોન આપવી… તો એ કેવી રીતે વધુ મહિલા સુધી પહોંચી શકે? કેવી રીતે લોનની રકમનો લક્ષ્યાંક વધારી શકાય? આ માટે એમને સજ્જ કરવી. નવ બહેનને બે જૂથમાં વહેંચી પિન્કીબહેન સમયાંતરે એમની સાથે ઑનલાઈન સેશન યોજે છે.

તાજેતરમાં જ એ એક જાણીતી મહિલા બેડમિન્ટન પ્લેયરનાં લાઈફ કોચ બન્યાં છે. બેડમિન્ટન પ્લેયર કઈ રીતે નૅશનલ-ઈન્ટરનૅશનલ સિદ્ધિ મેળવે એ દિશામાં કામ કરી રહ્યાં છે. આ ખેલાડીની સમસ્યા એ છે કે દર વખતે એ છેક સુધી (સેમિ-ફાઈનલ, ફાઈનલ) પહોંચે છે ખરી, પણ નિર્ણાયક રાઉન્ડમાં એ હારી જાય છે. આનું કારણ શું? આની પર હાલ પિન્કીબહેન કામ કરી રહ્યાં છે.

અનેક મોટી કંપની ઉચ્ચ પદે સ્ટાફની નિમણૂક કરતાં પહેલાં પિન્કીબહેનનું માર્ગદર્શન લે છે કે જે-તે વ્યક્તિ કંપની માટે યોગ્ય તો છેને?  અહીં એ પોતાનું ગ્રાફોલૉજીનું જ્ઞાન કામે લગાડે છે.

પિન્કીબહેન કહે છે: ‘હું જેની કોચ બનું છું એને સતત સવાલો પૂછું છું, કેમ કે કોઈ પણ સવાલના જવાબ-કોઈ પણ સમસ્યાના ઉકેલ આપણી પાસે જ હોય છે. આપણા મનમાં પડેલી ગૂંચ આપણે જાતે જ છોડી શકીએ છીએ. જરૂર છે જાતને સતત પ્રશ્ન પૂછવાની. ઉત્તર એમાંથી જ મળી રહેશે.’

આ બધાં ઉપરાંત એ બે સ-રસ સેવાભાવી પ્રવૃત્તિમાં રત છે. પહેલી, ‘મેન્ટર મી ઈન્ડિયા’,  જેના હેઠળ એ આર્થિક રીતે નબળા સામાજિક વર્ગમાંથી આવતાં બાળકોનાં માર્ગદર્શક બને છે. એમને આગળ જઈને કઈ લાઈન લેવી, શેમાં જવું એ વિશે માર્ગદર્શન આપે છે. બીજી પ્રવૃત્તિ એટલે સમાજના નિમ્ન વર્ગમાંથી આવતા કૅન્સર પેશન્ટ્સને પ્રેરણાદાયી પ્રવચન આપવાં, જે એ મુંબઈ-અમદાવાદમાં કામ કરતી જાણીતી સંસ્થા ‘સંજીવની’ સાથે મળીને કરે છે. એ પોતે આમાંથી પસાર થઈ ચૂક્યાં હોવાથી મોંમાંથી નીકળતા શબ્દો સીધા હૃદયના ઊંડાણમાંથી આવે છે. એ કહે છે:

‘આ બધી પ્રવૃત્તિ હું નિ:સ્વાર્થભાવે, એક પણ પૈસો લીધા વિના કેવળ સમાજ પ્રત્યે ઋણ અદા કરવા કરું છું. મને હંમેશાં એવું લાગે છે કે ઈશ્વરે મારી પર અસીમ કૃપા વરસાવી છે. બીજાનાં દુ:ખ કરતાં મારાં દુ:ખ ઘણાં ઓછાં છે તો શા માટે બીજાનાં દુ:ખ વહેંચી એને બનતી મદદ ન કરવી?’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]