‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’: સેન્સાઈ સંદીપ દેસાઈ આપે છે ‘પોશ્ચર’ વિશે મહત્ત્વની ટિપ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ખેલદિવસ નિમિત્તે દેશભરમાં શરૂ કરાવેલી ‘ફિટ ઈન્ડિયા’ ઝુંબેશને જોરદાર પ્રતિસાદ સાંપડ્યો છે. મુંબઈસ્થિત સેન્સાઈ સંદીપ દેસાઈએ પણ પોતાની રીતે એને પ્રતિસાદ આપ્યો છે. સંદીપભાઈ ‘તાઈ ચી’ (ચાઈનીઝ માર્શલ આર્ટ), માર્શલ આર્ટ, કરાટે-જૂડો અને યોગવિદ્યાના માસ્ટર છે.

સેન્સાઈ દેસાઈ છેલ્લા 40 વર્ષથી માર્શલ આર્ટ અને યોગવિદ્યામાં યોગદાન આપી રહ્યા છે અને 21 વર્ષથી લોકોને ‘તાઈ ચી’ની તાલીમ આપે છે. એમણે અનેક શિક્ષકોને યોગવિદ્યા શીખવી છે. સેન્સાઈ દેસાઈનું કહેવું છે કે, ભારતમાં યોગનું જે મહત્ત્વ છે એવું જ મહત્ત્વ ચીનમાં ‘તાઈ ચી’નું છે.

આ વિડિયો દ્વારા સેન્સાઈ સંદીપ દેસાઈ ફિટનેસપ્રેમીઓને એવી મહત્ત્વની અને ઉપયોગી ટિપ આપે છે જે લોકોને આરોગ્ય માટે લાભદાયી થશે.

આ ટિપ એમણે આપી છે પોશ્ચર વિશે, એટલે કે ઊભા રહેવાની કે બેસવાની યોગ્ય સ્થિતિ. એમનું કહેવું છે કે વ્યક્તિએ હંમેશાં ઉઠતા, બેસતા, ચાલતા, બોલતાં એમ દરેક ક્રિયા કરતી વખતે યોગ્ય પોશ્ચર રાખવા વિશે સભાન રહેવું જોઈએ. જો તમારું પોશ્ચર ખામીયુક્ત હોય તો તમારી શ્વસનક્રિયા અને હૃદયને સંબંધિત ક્રિયા પર વિપરીત અસર થાય છે. દિવસને અંતે શરીરમાં જે દુખાવો થતો હોય છે એનું કારણ ખરાબ પોશ્ચર જ હોય છે.

‘તાઈ ચી’ માર્શલ આર્ટની દ્રષ્ટિએ યોગ્ય પોશ્ચર કેવું હોવું જોઈએ એ વિશે સેન્સાઈ દેસાઈ જાણકારી આપે છે.

ઉચિત પોશ્ચરઃ

સીધા ઊભા રહો. તમારા પગ અને ખભા એક જ લાઈનમાં હોવા જોઈએ. પછી તમારા ઘૂંટણને એવી રીતે સહેજ વાળો કે એ પગના અંગૂઠાની લાઈનમાં આવે. એ પછી તમે કરોડરજ્જુને ટટ્ટાર કરો, તમારા માથાને ઉપરની તરફ ઉઠાવો. તમારા ખભાને નીચેની તરફ રાખો, રિલેક્સ્ડ અને લૂઝ સ્થિતિમાં. હાથને એવી રીતે લટકતા-ઝૂલતાં રાખવા કે હથેળીઓને તમારી પાછળની તરફ રહે. આંગળીઓને ખુલ્લી રાખવાની, આરામદાયક સ્થિતિમાં. જીભની અણીને મોઢાની અંદરના તાળવાને અડાડો. દાંતને નજીક રાખવા. છાતીને એકદમ હળવીફુલ સ્થિતિમાં રાખવી. જરાય કડક કે બહારની તરફ ફૂલાવીને ન રાખવી. શ્વાસ ધીમે ધીમે અંદર લેવો અને બહાર કાઢતા રહેવો. નજર એકદમ સામે રાખવી.

આ પોશ્ચરનો હેતુઃ આ કસરતનો હેતુ મન અને શરીરને સંપૂર્ણપણે સ્થિર અને શાંત કરવાનો છે. આમ કરવાથી માનસિક તાણ, ખાસ કરીને ગુપ્ત માનસિક તાણ ઘટે છે, જે ઘણી વાર આપણા ધ્યાનમાં આવતી નથી. સારું પોશ્ચર રાખવાથી આખો દિવસ શરીરમાં ઊર્જા જળવાઈ રહે છે.

આ પોશ્ચરનો ફાયદોઃ તમે આ પોશ્ચરમાં સ્વસ્થતાનો અનુભવ થાય ત્યાં સુધી ઊભા રહી શકો છો. તમે આ પોશ્ચરમાં પાંચ મિનિટ સુધી ઊભા રહેવાની શરૂઆત કરી શકો છો અને સમયની અવધિ વધારી પણ શકો છો. આ પોશ્ચરમાં પાવરધા થવાથી તમે બસ કે ટ્રેનમાં કે બેન્ક અથવા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જરૂર પડે તો થાક, પીડા કે અસ્વસ્થતાનો અનુભવ કર્યા વિના લાંબા સમય સુધી ઊભાં રહી શકો છો.