બ્રેડ-બર્ગર સાથે બાળકોને આ આસનો પણ કરાવો

બાળકને બટેટા બહુ ભાવે. ઉપરાંત કઠોળ પણ તેના વિકાસ માટે આપવું પડે. આ સિવાય બ્રેડ, પાંઉ, બર્ગર, સેન્ડવિચ, નુડલ્સ, સમોસા, કચોરી, વડા પાંઉ, દાબેલી વગેરે પચવામાં ભારે હોય છે અને બાળકોને તે વધુ ભાવે, પરંતુ બાળકને  જો માતાપિતા ન આપે તો બાળક જીદ કરે અથવા મિત્ર સાથે ખાઈ લે. સ્કૂલમાં કેન્ટિનમાં ખાઈ લે. આવી સ્થિતિમાં માતાપિતા પાસે શું વિકલ્પ રહે? તેને સમજાવવા સિવાય કંઈ નહીં.પરંતુ આ બધાથી બાળકનું શરીર નાનપણથી જ ફૂલી ન જાય, તે મેદસ્વી ન થઈ જાય તે ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે. બાળકને નાનપણથી જ પિત્ત અને વાયુની તકલીફ ઘર ન કરી જાય તે જોવું જોઈએ.

આ બધામાં યોગ મદદરૂપ થઈ શકે છે. કેટલાંક યોગાસનો બાળકને ચુસ્ત-તંદુરસ્ત રાખવા ઉપરાંત પાચનમાં સહાયભૂત થઈ શકે તેવાં છે.

શશાંક આસન:

આ આસન તણાવ અને ચિંતા દૂર કરવા માટે અસરકારક છે. આ આસનથી પેટનાં અવયવોને મસાજ પણ મળે છે અને પાચનપ્રણાલિ સરળ રીતે ચાલે તે માટે મદદરૂપ બને છે.શશાંક આસન કઈ રીતે કરશો? કે કરાવશો? વજ્રાસનમાં બેસો. તમારા હાથ તમારા સાથળ પર રાખો. તમારા બંને હાથ ઉપર ઉઠાવો. હથેળી માથા સામે હોવી જોઈએ. હાથ ખભા સાથે એક રેખામાં હોવા જોઈએ. ધીમે ધીમે વાંકા વળો અને હાથને આગળ લાવો ત્યાં સુધી જ્યાં સુધી હાથ, હથેળી અને કપાળ જમીનને સ્પર્શે નહીં. તમારા હાથ ઉપર ઉઠાવતી વખતે શ્વાસ અંદર લો (પૂરકની ક્રિયા) અને જ્યારે તમે આગળ ઝુકો ત્યારે શ્વાસ બહાર કાઢો (કુંભકની ક્રિયા). તમારું કપાળ અને હાથને જમીન પર રાખો. યાદ રાખો તમને જ્યાં સુધી સુવિધાજનક લાગે ત્યાં સુધી જ આ સ્થિતિમાં રહો. ધીમેધી શ્વાસ લો અને પાછા મૂળ સ્થિતિમાં આવી જાવ.

ચિનમ્ય મુદ્રા:

આ મુદ્રા શરીરમાં ઊર્જાનો પ્રવાહ સુધારે છે, પાચન સારું બનાવે છે, અને આ રીતે ભૂખ પણ લગાડે છે. આ મુદ્રા કરવા માટે સુખાસનમાં બેસો.આંખો બંધ રાખો. તમારા હાથને તમારા સાથળ પર રાખો. હથેળી ઉપરની બાજુ રાખો. અંગૂઠો અને તર્જની (પહેલી આંગળી)ને જોડી વીંટી જેવો આકાર બનાવો અને બાકીની ત્રણ આંગળીઓ હથેળીમાં વાંકી વળેલી હોવી જોઈએ. તમે આ સ્થિતિમાં હો ત્યાં સુધી ધીમાધીમા ઉજ્જયી શ્વાસ લો. બેથી ત્રણ મિનિટ આ પ્રક્રિયા ચાલુ રાખો. તમે આ સ્થિતિમાં હો ત્યારે શ્વાસના પ્રવાહનું અવલોકન કરો.

પવનમુક્તાસન:

પવનમુક્તાસન કરતી વખતે પેટ પર હળવું છતાં મક્કમ દબાણ લગાડવાથી પેટમાં વાયુ થઈ ગયો હોય અને તમને બેચેની લાગતી હોય તો તે દૂર થઈ શકે છે.તમારા બાળકને પણ આ આસન કરવું ગમશે. તમારી પીઠ પર સૂઈ જાવ. તમારા હાથને તમારી બંને બાજુ રાખો અને પગને સીધા ખેંચેલા રાખો. હવે તમારા ડાબા ઘૂંટણને વાળો અને તેને તમારી છાતી સુધી લાવો. તમારા સાથળને તમારા પેટ સાથે હળવેથી દબાવો. શ્વાસ અંદર લો અને તમારા માથાને તમારા ઘૂંટણ સુધી લાવો. બીજા ઘૂંટણને પણ પછી આ જ સ્થિતિમાં લાવો.

જ્યારે તમે શ્વાસ લો ત્યારે પકડ ચુસ્ત બનાવો અને જ્યારે તમે શ્વાસ બહાર કાઢો ત્યારે પકડ ઢીલી કરો. આ સ્થિતિ પાંચથી દસ શ્વાસ માટે રાખો અને પછી તમારા પગને ક્રમશ: છૂટા કરો.

પશ્ચિમોત્તાસન:

પશ્ચિમોત્તાસનથી તમારા પેટ પર દબાણ આવે છે અને તેના કારણે વાયુ મુક્ત થાય છે. આ આસનથી તમારી કરોડરજ્જુ પણ સારી રહે છે અને પેટ ખેંચાય છે, બહાર આવે છે અને તેના કારણે પાચન ક્રિયા સરળ બને છે.આ આસન કરવા તમારા પગને તમારી સામે ખેંચીને બેસો. શ્વાસ અંદર ખેંચો અને તમારા હાથને ઉપર તરફ ખેંચો. પછી શ્વાસ છોડતાં છોડતાં કરોડરજ્જુને સીધી-ટટ્ટાર રાખતાં રાખતાં તમારા પગના અંગૂઠા તરફ ઝૂકો. તમારા હાથના અંગૂઠા અને તર્જનીથી પગનો અંગૂઠો પકડો. આમ કરતી વખતે તમે શ્વાસ લેતા રહો. હવે શ્વાસ બહાર કાઢો અને તમારા કપાળને તમારા ઘૂંટણને અડાડો અને તમારી કોણી જમીનને અડવી જોઈએ. આ સ્થિતિમાં ઓછામાં ઓછું ૧૦-૨૦ સેકન્ડ રહો. પછી ધીમે ધીમે શ્વાસ લેતાં લેતાં મૂળ સ્થિતિમાં પાછા આવો.