ફણગાવેલાં ચણા ખાવ, અનેક સમસ્યાઓમાંથી છૂટો

જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય અને તમે બહુ ઝડપથી બીમાર પડી જતા હો તો અંકુરિત/ફણગાવેલા કે પલાળેલા ચણા તમારા માટે ઘણા ફાયદારૂપ રહેશે. તેનાથી તમારી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધશે અને શરદી-ઉધરસ, વાઇરલ તાવ વગેરે બીમારીઓથી તમારો બચાવ થશે. પલાળેલા ચણામાં પ્રૉટિન, ફાઇબર, કાર્બૉહાઇડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, મિનરલ અને વિટામીન વધુ હોય છે, જે આપણા શરીરને બીમારીઓથી લડવામાં મદદ કરે છે અને અનેક મોટી બીમારીઓથી બચાવે છે. તે વધુ મોંઘા પણ નથી હોતા અને બજારમાં કોઈ પણ કરિયાણાની દુકાનમાં મળી જાય છે. પલાળેલા ચણાથી કેટલા ફાયદા થાય છે તે તમે જાણશો તો તમે કાલથી જ ચણા ખાવા લાગશો.હિમૉગ્લૉબિન લેવલ વધશે: જો પલાળેલા ચણા રોજ સવારે ખાલી પેટ ખાશો તો શરીરમાં લોહીની કમી દૂર થઈ જશે કારણકે તેમાં આયર્ન અને ફૉસ્ફરસ મળી આવે છે જે હિમૉગ્લૉબિન લેવલને વધારે છે. તેને રોજ ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.

કબજિયાતથી રાહત: પલાળેલા ચણામાં ફાઇબરની માત્રા ખૂબ જ વધુ હોય છે જેનાથી આપણા પેટને સારી રીતે સાફ કરવામાં મદદ મળે છે. ફાઇબરના કારણે આપણું પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે.

ચર્મ સમસ્યાઓથી રાહત: જો તમે પલાળેલા ચણાને મીઠું નાખ્યા વગર ખાશો તો તેનાથી ચામડીની સમસ્યામાંથી રાહત મળશે. ચામડીમાં જો ખંજવાળ આવતી હોય તો તે પણ દૂર થઈ જશે અને તમારી ત્વચા ચમકવા લાગશે.

ઊર્જાનો સ્રોત: અંકુરિત ચણા ખાવાથી તાકાત મળે છે કારણકે તે એનર્જીનો બહુ મોટો સ્રોત છે અને તેને રોજ ખાવાથી શરીર મજબૂત બને છે તેમજ નબળાઈ દૂર થાય છે. ગોળ સાથે ખાવાથી પેશાબની સમસ્યાઓ પણ હળવી બને છે.

સુસ્તી અને થાક પણ દૂર થશે: ઘણી વાર આપણા શરીરને કંઈ પણ કામ ન કર્યું હોવા છતાં થાક લાગતો હોય છે. આવી સ્થિતિમાં ચણા ખાવા લાભદાયક છે. સુસ્તી અને થાક દૂર કરવા માટે પલાળેલા ચણા મદદરૂપ બની શકે છે. ચણા ખાવાથી ઘોડા જેવી તાકાત આવે છે તેમ લોકો વારંવાર કહેતા હોય છે. આમ, જો તમે સતત સ્ફૂર્તિમાં રહેવા માગતા હો તો તમે પલાળેલા ચણા ખાવ.

બ્લડ સ્યુગર અને ડાયાબિટીસમાં રાહત: જો તમને બ્લડ સ્યુગર કે ડાયાબિટીસની તકલીફ હોય તો કાળા ચણા તમારા માટે કારગર ઉપાય સાબિત થઈ શકે છે. તે લોહીમાં સર્કરાની માત્રાને નિયંત્રિત કરે છે અને શરીરમાં ગ્લુકૉઝની વધુ માત્રાને પણ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. તેને સવારે ખાલી પેટ ખાવા ફાયદારૂપ છે.

પેશાબની સમસ્યામાં રાહત: પેશાબ સંબંધિત તકલીફ હોય તો કાળા ચણા ઘણા ફાયદારૂપ રહે છે. તેને ન માત્ર અંકુરિત કરીને, પણ શેકીને ખાવાથી વારંવાર પેશાબ જવું અને અન્ય રોગોમાં પણ ફાયદારૂપ રહે છે.

ત્વચાની ચમક લાવવામાં મદદરૂપ: દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે તે સદા જુવાન રહે અને તેની ત્વચા નીખરેલી રહે. આ માટે ચણા તમારા માટે હિતાવહ છે. ત્વચાનો રંગ નિખારવા માટે તેનો પ્રયોગ કરી શકાય છે. તે માટે પલાળેલા ચણાને વાટીને તેને દૂધમાં મેળવી તેમાં મધ અને હળદર મેળવીને પીવાથી ત્વચાનો રંગ સાફ થાય છે અને ત્વચા ચમકવા લાગે છે.

માનસિક તણાવ પણ દૂર થશે: રાત્રે ચણાની દાળ પલાળીને સવારે ખાંડ અને પાણી મેળવીને પીવાથી માનસિક તણાવ અને ઉન્માદ હોય તો તેવી સ્થિતિમાં ઘણી રાહત મળે છે.

ઠંડી ભગાવે: અત્યારે તો ગરમી છે, પરંતુ આ ઉપાય શિયાળા માટે સાચવી રાખજો. ઠંડીની ઋતુમાં કાળા ચણાને પલાળીને ખાવાથી શરીરમાં ગરમી જળવાઈ રહે છે. વાયુ કે સાંધાના દુઃખાવાની સમસ્યા પણ નથી થતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]