યાદ રાખવા માટે ફળો અને શાકભાજી ખાવાનું યાદ રાખો!

પણે ગઈ કાલે જ રીંગણાનું શાક બનાવ્યું હતું, પરંતુ તમને ક્યાં યાદ રહે છે? પેલા અમૃતભાઈ જુઓ, તેમને શાક જ નહીં, કોના લગ્નમાં કેટલો ચાંદલો કર્યો હતો તે પણ યાદ છે!

શું તમે તો ભૂલકણા થઈ ગયા છો? તમારા ચશ્માં ક્યાં મૂક્યા તે તમને યાદ જ નથી રહેતું!

તમને તમારા દાંતનું ચોકઠું ક્યાં મૂકી દીધું તે યાદ રહે છે ખરું?

મોટી ઉંમરે તમારે આવા સંવાદો સાંભળવામાં રસ ન હોય તો તમારે વધુ પ્રમાણમાં ફળો, ફળોનો રસ કે લીલાં શાકભાજી ખાવાનું શરૂ કરી દેવું જોઈએ.

લીલાં શાકભાજી, સંતરા કે બેરી (સ્ટ્રૉબેરી, રોઝબેરી ઇત્યાદિ) ફળો ખાવાથી કે સંતરાનો રસ પીવાથી સમયાંતરે થતી યાદશક્તિમાં ઘટાડાના જોખમને ઘટાડે છે. ખાસ કરીને પુરુષોની બાબતમાં આ સાચું છે, તેમ એક અભ્યાસમાં જણાયું છે. ‘ન્યૂરૉલૉજી’માં પ્રકાશિકત અભ્યાસમાં ૫૧ વર્ષની સરેરાશ આયુવાળા ૨૭,૮૪૨ પુરુષો પર અભ્યાસ કરાયો હતો. આ પુરુષો તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યાવસાયિકો હતા. અભ્યાસની શરૂઆતમાં તેમને રોજ ફળ, શાકભાજી અને અન્ય ખાદ્ય સામગ્રી તેઓ કેટલી લેતા હતા અને તે પછી દર ૨૦ વર્ષ માટે દર ચાર વર્ષે તેઓ આ ચીજો કેટલી લેતા હતા તે વિશે તેમને આ અભ્યાસમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

ફળ એક વાર પીરસવું એટલે એક કપ અથવા અડધો કપ ફળનો રસ લેવો. આ જ રીતે શાકભાજી પીરસવાં એટલે કાચા શાકભાજીનો એક કપ અથવા લીલાં શાકભાજીના બે કપ લેવા. આ અભ્યાસ વીસ વર્ષ જેટલા લાંબા સમય માટે ચાલ્યો. અમેરિકી હાર્વર્ડ ટી એચ ચાન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના ચાન્ઝેંગ યુઆન કહે છે કે “આ અભ્યાસનું મહત્ત્વનું પરિબળ એ હતું કે અમે વીસ વર્ષની સમય અવધિ માટે આટલી મોટી સંખ્યામાં પુરુષો પર સંશોધન કરી શક્યા.”

યુઆન વધુમાં કહે છે, “અમારા અભ્યાસથી વધુ પુરાવા મળ્યા કે આહારવિહારની પસંદગી તમારા મગજની તબિયતને જાળવવામાં અગત્યની હોઈ શકે છે.”

સહભાગીઓએ અભ્યાસના અંતના ઓછામાં ઓછાં ચાર વર્ષ પહેલાં તેમના વિચાર અને યાદશક્તિના કૌશલ્યની વિષયલક્ષી કસોટીમાં પણ ભાગ લીધો. આ સમયે તેમની સરેરાશ ઉંમર ૭૩ વર્ષની હતી. આ કસોટી એવી રીતે ઘડાઈ હતી કે જેથી આ લોકો ચીજોને કેટલી સારી રીતે યાદ રાખી શકે છે તે પરિવર્તનો પકડી શકાય.

સહભાગીઓ દ્વારા યાદશક્તિમાં જે ફેરફારો જણાવાયા તેને હળવી જ્ઞાનસંબંધી ક્ષતિ પૂર્વસંકેત માની શકાય છે. કુલ ૫૫ ટકા સહભાગીઓ સારું વિચાર અને યાદશક્તિનું કૌશલ્ય ધરાવતા હતા, ૩૮ ટકા મધ્યમ પ્રકારનું કૌશલય ધરાવતા હતા અને સાત ટકાનું વિચાર અને યાદશક્તિનું કૌશલ્ય ખરાબ હતું. સહભાગીઓને તેમના ફળ અને શાકભાજીના સેવનના આધારે પાંચ જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. સૌથી સારું કૌશલ્ય ધરાવનાર જૂથ દિવસમાં છ વાર ખાતું હતું, જ્યારે સૌથી નબળું કૌશલ્ય ધરાવનાર દિવસમાં બે વાર ખાતું હતું.ફળની વાત કરીએ તો, ટોચનું જૂથ દિવસમાં ત્રણ વાર ખાતું હતું જ્યારે સૌથી નીચેનું જૂથ દિવસમાં અડધી વાર જ ખાતું હતું. જે લોકો મોટા ભાગનાં શાકભાજી ખાતાં હતાં તેઓ, જે લોકો ઓછાં શાકભાજી ખાતાં હતાં તેમની સરખામણીએ ખરાબ વિચાર અને યાદશક્તિનું કૌશલ્ય વિકસાવે તેની શક્યતા ૩૪ ટકા ઓછી હતી. ટોચના જૂથમાં કુલ ૬.૬ ટકા પુરુષોએ ખરાબ જ્ઞાનસંબંધી કાર્યને વિકસાવ્યું હતું જ્યારે નીચેના જૂથમાં કુલ ૭.૯ કા લોકોએ આ વિકસાવ્યું હતું.

જે પુરુષો પ્રતિ દિન સંતરાનો રસ પીતા હતા તેઓ જે લોકો મહિનામાં એક જ વાર રસ પીતા હતા તેમની સરખામણીએ ખરાબ વિચાર કૌશલ્ય વિકસાવે તેની સંભાવના ૪૭ ટકા ઓછી હતી. સંશોધકોએ જણાવ્યું કે આ સંબંધ મુખ્યત્વે સૌથી વૃદ્ધ પુરુષોમાં સંતરાના રસના નિયમિત સેવન માટે જોવા મળ્યો. જે લોકો રજ સંતરાનો રસ પીતા હતા તેવા કુલ ૬.૯ ટકા પુરુષોએ ખરાબ સંજ્ઞાન કાર્યને વિકસાવ્યું જ્યારે મહિનામાં એકથી ઓછી વાર સંતરાનો રસ પીતા ૮.૪ ટકા પુરુષોમાં આ વિકસ્યું.

સંશોધકોને એમ પણ જણાયું કે જે લોકો વીસ વર્ષ કરતાં પહેલાં વધુ પ્રમાણમાં ફળો અને શાકભાજીઓ ખાતા હતા તેઓ યાદશક્તિની કસોટીનાં છ વર્ષ પહેલાં ફળો અને શાકભાજી વધુ પ્રમાણમાં ખાવાનું ચાલુ રાખ્યું હોય કે નહીં, પરંતુ તેમને યાદશક્તિ અને વિચારવાની સમસ્યા ઓછી થવા સંભવ જણાયો. આમ, જો તમારે યાદ રાખવું હોય તો ફળો અને શાકભાજીઓને યાદ રાખો!