‘સ્માર્ટફૉન’ સ્માર્ટ બનાવે છે કે પછી આવા રોગિષ્ઠ?

સ્માર્ટફૉનના ફાયદા તો આપણને સહુને ખબર છે જ. ફૉન, કેલ્ક્યુલેટર, ઑફિસનાં સૉફ્ટવેર, રમતો, મનોરંજન, આરોગ્ય માટેની ઍપ, રેલવે ટિકિટ બૂકિંગ, વગેરે અનેક ફાયદાઓ છે. વિદેશમાં રહેલાં તમારાં સગાં સાથે પણ ચોવીસે કલાક જોડાયેલાં રહી શકો છો. વિડિયો ચેટ દ્વારા તમે જાણે પાસેપાસે જ હો તેવું અનુભવી શકો છો.

આ બધી વાત સાચી પણ…શું તમે જાણો છો કે આ સ્માર્ટફૉન તમને રોગિષ્ઠ પણ બનાવી શકે છે? જો તમે સ્માર્ટફૉનનો ઉપયોગ રોજના પાંચ કે તેથી વધુ કલાક કરતા હો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. મોટા ભાગનો સમય ફૉન પર વ્યસ્ત રહેતા, ખાસ કરીને વિદ્યાર્થીઓની જીવનશૈલીમાં ઘણો બદલાવ આવી જાય છે. તેના લીધે તેમનામાં સ્થૂળતા અને ભવિષ્યમાં હૃદયરોગનું જોખમ થઈ શકે છે. તમે નવી પેઢીના હશો તો કહેશો કે તમે જૂનવાણી છો, જૂની પેઢીના છો, સ્માર્ટફૉનથી એલર્જી છે એટલે આવું કહો છો…

ના, આવું અમે નથી કહેતા, પણ અમેરિકાના સંશોધકો જ કહે છે. અમેરિકાના કૉલંબિયા સ્થિત સિમોન બોલીવર યુનિવર્સિટીના સંશોધનકર્તા મિરારીમંટીલામોરન કહે છે, “સ્માર્ટફૉનનો ઉપયોગ ઘણાં કામો માટે થઈ શકે છે અને તેને દર સમયે પોતાની સાથે રાખવું સરળ પણ છે. પરંતુ લોકોને આ ખૂબીઓ પ્રત્યે આકર્ષિત કરવાની જગ્યાએ એ સમજાવવું જોઈએ કે તે આપણા સ્વાસ્થ્યને કઈ રીતે અસર કરી રહ્યો છે?” આ સંશોધન માટે ૧૯થી ૨૦ વર્ષના ૧,૦૬૦ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી. અધ્યયન મુજબ, પાંચ કલાક ફૉનનો ઉપયોગ કરનારા ૪૩ ટકા વિદ્યાર્થીઓ સ્થૂળતાનીસમસ્યાથી ગ્રસ્ત હતા.

મોબાઇલ ફૉન આપણી હવે જરૂરિયાત બની ગયો છે એ વાત સાચી પરંતુ દર સમયે તે જરૂરી નથી હતો. એક વ્યકિત દિવસના ૧૦-૧૨ કલાક સ્માર્ટફૉન પોતાની પાસે જ રાખ છે અને કેટલાક લોકો તો તેનાથી વધુ સમય તેને પોતાની પાસે રાખે છે. ઘણા લોકો સૂતા સમયે પણ મોબાઇલને ઑન રાખીને પોતાના તકિયા પાસે કે આસપાસ જ રાખે છે.

મોબાઇલ ફૉનનો ઉપયોગ કરતી વખતે મોટા ભાગે તમે ડોક ઝુકાવેલી રાખો છો. તેનાથી ડોકની માંસપેશીમાં ખેંચાણ થઈ શકે છે અને તે અકડાઈ શકે છે. આ નાનકડી ભૂલ અનેક વાર તમારી કમર અને ખભા સુધી કે તેનાથી નીચે પહોંચી જાય છે. આ બીમારીને ટૅક્સ્ટ નેક સિન્ડ્રૉમ કહે છે. જો તમે લાંબો સમય મોબાઇલ ફૉનનો ઉપયોગ કરતા જ હો (તમે ન જ માનવાના હો) તો ઓછામાં ઓછી ૨૦ મિનિટમાં એક વાર આંખોને સ્ક્રીનથી હટાવી લો, શરીરને (કહેતા દુઃખ થાય છે, પણ કૂતરાની જેમ- યોગાસન પ્રાણીઓના અવલોકનમાંથી જ ઉદ્ભવ્યાં છે) ખેંચી લો. અનેક યોગાસનોની મદદથી તમે આ બીમારીથી બચી શકો છો.

મોબાઇલ તમને ડાયાબિટીસ, સ્થૂળતા અને હૃદયની અનેક ગંભીર બીમારીઓ અપાવી શકે છે. હકીકતે લાઇટિંગ ક્રીનવાળાં ઉપકરણોને મોડી રાત સુધી વાપરવાથી તમારી આંખો પર અસર થાય છે. તેનાથી તમારી ઊંઘ પણ ઘટે છે. તમને હૃદયની બીમારી થઈ શકે છે અને સાથે તમે જાડિયા પણ બની શકો છો. અને આંખોને ગ્લુકોમા અથવા લૉ નાઇટવિઝનની સમસ્યા થઈ શકે છે. સંશોધન મુજબ, આંખો માટે સૌથી હાનિકારક સ્માર્ટફૉનની ભૂરી લાઇટ હોય છે.

કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે મોબાઇલ ફૉનથી પેદા થતાં રેડિએશનના કારણે અનેક પ્રકારનાં ટ્યૂમર અને કેન્સરનો ખતરો હોય છે. જ્યારે રાતે સૂઓ ત્યારે મોબાઇલને ઑફ કરી દો અને મોબાઇલ પર વાત કરો ત્યારે બની શકે તો સ્પીકર મૉડ પર રાખો અથવા ઇયરપ્લગનો ઉપયોગ કરો. તેને હૃદયની નજીક ન રાખો.

તેનાથી તમારા અંગૂઠામાંદુઃખાવો થઈ શકે છે. તેને થમ્બઆર્થરાઇટિસ કહે છે. તેનાથી તમારા કાંડામાં પણ દુઃખાવો થઈ શકે છે. આ ઉપરાંત મોબાઇલ ફૉન પર તમારા ટૉઇલેટની બેઠક કરતાં ૧૦ ગણા વધુ કીટાણુ હોય છે. તેના લીધે તમને ઝાડા અને પેટની બીમારી થઈ શકે છે. આથી મોબાઇલ ફૉનનો વધુ ઉપયોગ કરતા હો તો દર બે કલાકે હાથને સાબુથી ધોઈ નાખો. ટૉઇલેટમાં ફૉનનો ઉપયોગ કરવાથી કબજિયાત થઈ શકે છે અને જમતી વખતે તેના ઉપયોગથી પાચનમાં ગરબડ થઈ શકે છે, સાથે ચેપ પણ લાગી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]