ખુરશીની આ અસર જાણો છો?

જો તમે લાંબો સમય સુધી બેસીને કામ કરતા હો તો તે ટેવ છોડી દેજો. તમે કામગરા હો, તમે નિષ્ઠાથી કામ કરવા ટેવાયેલા હો તે સારી વાત છે. પરંતુ તેમાં વચ્ચે ઊભા ન થવું તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેના લીધે તમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. સતત બેસીને કામ કરવાનું કેમ ઘટાડવું? કારણ કે તમને લાગે છે કે તમે એક વાર જે કામ હાથમાં લો છો તે પૂરું કરીને જ ઊભા થાવ છો. આ માટેનો અભ્યાસ હજુ થયો નથી.અમેરિકામાં રિયો ગ્રાન્દે વેલીમાં યુનિવર્સિટી ઑફ ટેક્સાસની લિન્ડા ઇયાનેસે જાણકારી આપતા કહ્યું કે “લાંબો સમય સુધી બેસી રહેવાથી થતી તકલીફો વિશે જાગૃતિ ફેલાવવામાં નર્સોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.”

તાજેતરનાં વર્ષોમાં કરવામાં આવેલા અભ્યાસમાં એમ કહેવાયું છે કે એકધારા એક જ જગ્યાએ બેસી રહીને કામ કરવાને અને અનેક ગંભીર બીમારીઓના ખતરાને સીધો સંબંધ છે. કેટલાક લોકોનો એ દાવો રહે છે કે તેઓ લાંબો સમય સુધી બેસીને કામ કર્યા પછી કસરત કરીને આ નુકસાનને ભરપાઈ કરે છે પરંતુ અમેરિકન જર્નલ ઑફ નર્સિંગ મુજબ, કોઈ પણ કસરતથી લાંબો સમય બેસીને કામ કરવાથી થતા નુકસાનને ઓછું કરી શકાતું નથી.

એક જ જગ્યાએ વધુ સમય બેસી રહેવું હૃદય માટે ખતરનાક છે. વિશ્વમાં થતાં કુલ મૃત્યુમાંથી ચાર ટકા લોકોનાં મૃત્યુ માત્ર એટલા માટે થઈ કે તેઓ એક દિવસમાં ત્રણથી ચાર કલાક સુધી બેઠા રહેતા હતા. સતત બેઠા રહેવું, આરામ કરવો કે જાગતા પણ સૂતા રહેવું, વાંચતી વખતે, ટીવી જોતી વખતે, કે કમ્પ્યૂટર પર લાંબો સમય સુધી કામ કરવું કે સૂતાસૂતાં કામ કરવું તે જોખમી છે. તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે અને જીવલેણ પણ બની શકે છે. જો તમે ખુરશી પર પણ સતત ત્રણ કલાક બેઠા રહો છો તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે.દુનિયામાં ૫૪ દેશોમાં તાજેતરમાં થયેલા અભ્યાસના આધાર પર જાણવા મળ્યું છે કે દુનિયામાં ૩.૮ ટકા લોકોનાં મૃત્યુનું કારણ ત્રણ કલાક કે તેથી વધુ સમય સુધી ખુરશી પર સતત બેસી રહેવું છે. અર્થાત્ આ ટેવના લીધે દર વર્ષે ૪.૩૩ લાખ લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. અમેરિકન જર્નલ ઑફ પ્રિવેન્ટિવ મેડિસિનમાં પ્રકાશિત આ તાજો અભ્યાસ સ્પેનની સેન જ્યૉર્જ યુનિવર્સિટી જારાગોઝાએ કર્યો છે.

આ અધ્યયનમાં ખુરશીની અસર બાબતે ૨૦૦૨થી ૨૦૧૧ વચ્ચેના આંકડાનો અભ્યાસ કરાયો. આ અભ્યાસના મુખ્ય લેખક લિયોનાર્ડૉ રેજન્ડે કહે છે કે સમય પહેલાં બીમારીઓના કારણે થતાં મૃત્યુને રોકવા વ્યક્તિએ પોતાની વ્યાવહારિક ટેવોને બદલવી જોઈએ. અધ્યયન કહે છે કે ૬૦ ટકા લોકો ત્રણ કલાકથી વધુ સમય સુધી પોતાની જગ્યા પર બેસી રહે છે. યુવાનો દરરોજ લગભગ ૪.૭ ટકા સતત ખુરશી પર બેસી રહે છે. તેમણે અભ્યાસમાં એ વાત પર પણ ભાર મૂક્યો કે પોતાના બેસવાના કલાકોને ઓછા કરવાથી આયુષ્યમાં વર્ષે ૦.૨૦ ટકાનો વધારો કરી શકાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]