વહેતું નાક રોકવાના કારગત પાંચ ઉપાયો

એક ઋતુ આયેં.. એક ઋતુ જાયે મૌસમ બદલે ના બદલે નસીબ…

હિન્દી ફિલ્મ ‘ગૌતમ ગોવિંદા’માં ભલે વિજય અરોરા આ ગીત ગાય, પરંતુ મૌસમ બદલતાં બીજું બદલાય કે નહીં, માણસનું સ્વાસ્થ્ય જરૂર બદલાય છે. ઋતુ બદલાતાં જ શરદી-ઉધરસ થવાનું જોખમ વધવા લાગે છે. ઘણા લોકો નાક લુછતાં દેખાય છે. વહેતું નાક બદલાતી ઋતુ દરમિયાન એક સામાન્ય સમસ્યા છે. આજકાલ લોકોને ઝડપથી પરિણામ જોઈએ છે. આથી નાકને વહેતું રોકવા લોકો એન્ટી બાયૉટિક્સનો સહારો લેવા લાગે છે. જોકે તેનાથી શરદી મટતી નથી, માત્ર રોકાય જ છે. કફ બહાર નીકળતો નથી અને અંદર સૂકાઈ જાય છે. જે વધુ ગંભીર પરિણામો સર્જે છે. આવી સ્થિતિમાં વધુમાં વધુ પ્રાકૃતિક રીતે બીમારીઓનો ઉપચાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમે પાંચ ફૂડને ભોજનમાં સમાવિષ્ટ કરો તો શરદીને પ્રાકૃતિક રીતે સરળતાથી ઠીક કરી શકાય છે. આવો જોઈએ આ પાંચ ફૂડ વિશે જેનું સેવન કરવાથી વહેતું નાક અને શરદીની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.ગ્રીન ટી- ગ્રીન ટીમાં ફ્લેવૉનૉયડ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણોથી પણ ભરપૂર હોય છે. તે રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદગાર હોય છે. તે ઉપરાંત તે શરીરને અંદરથી ગરમ રાખે છે. એક કપ ગ્રીન ટી વહેતા નાકથી રાહત અપાવવામાં ખૂબ જ ફાયદાકારક છે.

લોકો પોતાના દિવસની શરૂઆત ચા, કૉફી કે દૂધથી કરે છે. જો ગ્રીન ટીથી પોતાના દિવસની શરૂઆત કરવામાં આવે તો માત્ર વહેતા નાક જ નહીં, અનેક સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે. ગ્રીન ટી બનાવવાની રીત આ પ્રમાણે છે: તેમાં એલચી, મધ કે ખાંડ લેવામાં આવે છે. સાથે ગ્રીન ટીનાં પાંદડાં લેવામાં આવે છે. ગ્રીન ટી બનાવવા માટે તપેલીમાં પાણી નાખીને જ્યારે પાણી સારી રીતે ઉકળી જાય તો અડધી ચમચી ગ્રીન ટીની પત્તી નાખીને તપેલીને ઢાંકીને બે મિનિટ સુધી સારી રીતે ઉકાળો. તે પછી તેને એક કપમાં ગાળી લો. પછી તેમાં એલચીનો ભૂકો નાખી તેને સારી રીતે હલાવી લો. તમે ઈચ્છો તો તેમાં ખાંડ કે મધ સ્વાદ પ્રમાણે નાખી શકો છો. ગ્રીન ટી એન્ટી વાઇરલ અને એન્ટી ઑક્સિડન્ટ પણ છે.

વિટામીન સી- વિટામીન સીથી ભરપૂર ફળ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેનાથી શરદી-ઉધરસ થવાની સંભાવના ઓછી થઈ જાય છે. વિટામીન સી એન્ટી ઑક્સિડન્ટ તરીકે કામ કરે છે. તે અનેક પ્રકારની રાસાયણિક ક્રિયાઓમાં મદદરૂપ સાબિત થાય છે જેમ કે તંત્રિકાઓમાં સંદેશ પહોંચાડવો, અથવા કોશિકાઓ સુધી ઊર્જા પ્રવાહિત કરવી. તે ઉપરાંત હાડકાંને જોડનારું કૉલાજેન નામનો પદાર્થ, ધમની, લિગામેટ, કાર્ટિલેજ વગેરે અંગોના નિર્માણ માટે વિટામીન સી જરૂરી છે. વિટામીન સી આપણા શરીરના કૉલેસ્ટેરોલને પણ નિયંત્રિત કરે છે. આથી આમળાં, દ્રાક્ષ, ટમેટાં, લીંબું, પપૈયું, સંતરું, સ્ટ્રૉબેરી, કેળાં, જામફળ, સફરજન, બિલ્વ, ફૂદીનો, મૂળાનાં પાંદડાં, દૂધ, ધાણાભાજી, પાલક અને તરબૂચનું સેવન કરવું જોઈએ.

મધ-મધમાં એન્ટી બૅક્ટેરિયલ ગુણ હોય છે. તે અનેક પ્રકારની બીમારીઓને દૂર રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. નાક સતત વહેતું હોય તો ગરમ દૂધ કે પાણી સાથે મધનું સેવન કરવાની સલાહ અપાય છે. મધને ગરમ પાણી સાથે પીવામાં આવે તો લોહીમાં હિમોગ્લૉબિનનું પ્રમાણ પણ વધે છે.  જ્યારે આહારમાં લોહ તત્ત્વનું પ્રમાણ ઓછું હોય છે તો લોહીની ઑક્સિજન વહન કરવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. તેથી થાક, હાંફ ચડવી, અને ઘણી વાર ઉદાસી જેવી બીજી સમસ્યાઓ થાય છે.  જો તમને નાક વહેવાની સમસ્યા કે શરદી હોય તો લીમડો, મરી, હળદર અને મધનું સેવન ઘણું ફાયદારૂપ સાબિત થઈ શકે છે. એક રસ્તો એ છે કે કાળા મરીના દસથી બાર દાણાનો ભૂકો કરી લો. તેમને બે નાની ચમચી મધમાં પલાળી આખી રાત રાખો. સવારે ચાવીચાવીને મરીના આ દાણા ખાવ. તમે મધમાં હળદર પણ ઉમેરી શકો છો. બીજો વિકલ્પ એ છે કે લીમડાનાં પાંદડાની ચટણી બનાવી લો. તેની ગોળી બનાવી લો. તેને મધમાં ડૂબાડીને દરરોજ સવારે ખાલી પેટ લઈ લો. આમ કર્યા પછી સાઇઠ મિનિટ સુધી કંઈ ન ખાવ. જેથી લીમડો તમારા શરીરમાં પ્રસરી જાય. તેનાથી બીજી પ્રકારની એલર્જી જેમ કે ત્વચા કે કોઈ ખાદ્ય પદાર્થથી થતી એલર્જીમાં પણ લાભ મળે છે.

આ ઉપરાંત શરદીમાં હળદરવાળું દૂધ કે ઉકાળીને ઠંડા કરેલા પાણીમાં હળદર નાખીને પીવાથી પણ લાભ મળે છે. લસણ અને ડુંગળીમાં પણ એન્ટી બૅક્ટેરિયલ ગુણધર્મો હોય છે અને તે ફ્લુની સામે લડવામાં મદદરૂપ સાબિ થાય છે. પરંતુ હા, આ નુસખાઓ આરોગ્ય નિષ્ણાતોની સલાહ પછી જ અનુસરવા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]