જમીન પર પલાંઠી વાળીને જમવાના પાંચ ફાયદા

પણી જીવનશૈલી દિનપ્રતિદિન પશ્ચિમી સભ્યતાનું આંધળું અનુકરણ કરી રહી છે. પશ્ચિમના પ્રદેશની આબોહવાના લીધે તેમની જીવનશૈલી વિકસી હશે, પરંતુ તેમનું બધું જ સારું તેમ માનીને આપણે પણ એ રીતે અનુકરણ કરીએ તે યોગ્ય નથી. આપણે જમીન પર આસન પાથરી કે પાટલા પર જમવા બેસતા હતા. આનું કારણ એ છે કે જમતી વખતે ઊર્જાનું સર્જન થતું હોય છે. આસન કે લાકડું વિદ્યુતનું અવાહક છે. તેથી તેનો ઉપયોગ કરવાથી ઊર્જાનો સંચય થાય છે, જ્યારે પ્લાસ્ટિક કે લોખંડની ખુરશી પર બેસી જમવાથી ઊર્જા આપણા શરીરમાંથી પૃથ્વીમાં ચાલી જાય તેવું એક અનુમાન છે. આપણે જમીન પર બેસીએ એટલે લોકો આપણને ગાંડા કે ગમાર ગણે. એમ પૂછે કે શું ડાઇનિંગ ટેબલ ખરીદવાના પણ પૈસા નથી? ન હોય તો હું આપું. આનો જવાબ ગર્વથી એવો આપવાનો કે પૈસા તો ઘણા છે પરંતુ આરોગ્યના કારણે ડાઇનિંગ ટેબલ લેતા નથી.

કોઈક એમ દલીલ કરે કે ઘૂંટણની તકલીફ થાય તો શું? તો જવાબ આપવાનો કે તમે ડાઇનિંગ ટેબલ વાપરો છો એટલે જ ઘૂંટણની તકલીફ થાય છે. જો જમીન પર બેસીને જમતા હોત તો ઘૂંટણની તકલીફ ન થતી હોત. અમે એટલે જ ડાઇનિંગ ટેબલ વસાવતા નથી.

પછી મહેમાનોને જમીન પર બેસીને જમવાના નીચેના ફાયદા ગણાવજો એટલે તે પણ ટેબલ-ખુરશી છોડી જમીન પર બેસતા થઈ જશે. અને હા, ભોજન કરતા પહેલાં તમે જે ઈષ્ટ દેવને માનતા હો તેની પ્રાર્થના જરૂર કરો. આના કારણે બે કાર્ય થશે- એક તો બહારથી આવ્યા હો તો બહારનું ટેન્શન દૂર થશે. બીજું કે કુદરતે આપણને ભોજન આપ્યું છે તે તેનો ઉપકાર છે. ઘણા બધા લોકોને બે ટંક ભોજન મળતું નથી. તેથી કુદરતનો આભાર પણ માનવો જ જોઈએ. જમીને પણ ફરી અન્નપૂર્ણા મા કે બીજા કોઈ તમને શ્રદ્ધા હોય તે દેવી-દેવતાનો આભાર માનો. રસોઈ બનાવનાર ગૃહિણીનો પણ આભાર માનો.

ફાયદો-૧: જમીન પર બેસવું હોય તો ભોજન સામગ્રી નીચે મૂકવી પડે. તે માટે વાંકા વળવું પડે. આજકાલ ઇલેક્ટ્રોનિક્સ ચીજો તેમજ રસોડામાં ઊભા પ્લેટફૉર્મના કારણે ગૃહિણી સહિત સહુ કોઈની વાંકા વળવાની ટેવ છૂટી ગઈ છે. આજકાલ ફી દઈને યોગ વર્ગોમાં પાદહસ્તાસન શીખવાડવામાં આવે છે પરંતુ જો યોગ્ય ઢબે જમીન પર વાંકા વળીને ભોજન સામગ્રી મૂકો તો અલગથી પાદહસ્તાસન કરવું પડતું નથી. તેનાથી તમારું સંતુલન સારું થાય છે. પાચન શક્તિ વધે છે.

ફાયદો-૨: તમારી ઊઠબેસ, વાંકા વળવું વગેરે રીત તમારા શરીરની સુખાકારીમાં સારો ભાગ ભજવે છે. નાનપણમાં શિક્ષક સજા તરીકે ઊઠબેસ કરાવતા. એ ખરેખર સજા નહોતી. એ આપણા આરોગ્યના હિતમાં હતું. જમીન પર જમવા બેસો એટલે આપોઆપ ઊઠબેસ થઈ જાય છે. કાન પકડીને ઊઠકબેઠક કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે. તેનાથી ચરબી પણ ઘટે છે. શરીરમાં લચિલાપણું આવે છે. અક્કડતા દૂર થાય છે.

ફાયદો-૩: જમીન પર પલાઠી વાળીને બેસીને હાથેથી જમવાથી પાચનશક્તિ સારી થાય છે. જ્યારે તમારી સમક્ષ થાળી હોય છે ત્યારે તમે કોળિયો લેવા આગળ ઝૂકો છો અને પછી પાછા ફરો છો. આ સતત હિલચાલથી તમારા પેટના સ્નાયુ ભોજનના સમય દરમિયાન સક્રિય થાય છે. આમ, પાચન શક્તિ વધુ સારી બને છે.

ફાયદો-૪: મોટા ભાગે ઝઘડા ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવાથી થતા હોય છે. પરંતુ જો જમીન પર પલાઠી વાળીને જમવા બેસો તો ઝઘડા થતા નથી. આનું કારણ એ છે કે મન શાંત થાય છે. શરીરને પણ રાહત મળે છે. વળી, પાચન પણ સારું થાય છે. આથી પરિવારમાં ખુશી વ્યાપે છે.

ફાયદો-૫: ‘યોગ ફૉર હિલિંગ પુસ્તકના લેખક પી. એસ. વેંકટેશ્વરના કહેવા મુજબ, સુખાસન ને પદ્માસન એ એવા યોગાસન છે જેનાથી શરીરને ઘણા બધા લાભો મળે છે. તેનાથી માત્ર પાચનતંત્રને જ ફાયદો નથી થતો પરંતુ સાંધામાં લવચિકતા આવે છે. આ રીતે વર્ષો સુધી પલાઠી વાળીને જમવાથી સાંધાને થતા દર્દ અટકે છે. બીજું કે જમીન પર બેસીને જમવાથી વ્યક્તિને ઉષ્ણતાનો અનુભવ થાય છે. ઘણી વાર પરસેવો પણ વળે છે. આનું કારણ છે કે જ્યારે તમે જમો ત્યારે પેટને તેને પચાવવા ઊર્જાની જરૂર પડે. નિષ્ણાતો મુજબ, પાચનનું સૌથી અગત્યનું તત્ત્વ છે યોગ્ય રીતે રક્ત સંચાર એટલે કે બ્લડ સર્ક્યુલેશન. પલાઠી વાળીને જમવાથી રક્ત સંચાર સુધરે છે. રક્ત પાચન તંત્રનાં અવયવો- લીવર, જઠર વગેરે તરફ ધસે છે, પરંતુ જો તમે ટેબલ પર બેસીને જમો તો રક્તનો પ્રવાહ ઊંધી દિશામાં વહે છે. તે સીધો પગ તરફ જાય છે. આનાથી ધીમે ધીમે પાચનશક્તિ ઘટતી જાય છે.

આમ, તમે નિરોગી રહો છો અને તેના કારણે સરવાળે લાંબી ઉંમર પ્રાપ્ત કરો છો.