પાર્કિન્સન્સના રોગીઓને ગાયનથી ફાયદો થાય છે

ગા મેરે મન ગા…

ગાતા રહે મેરા દિલ…

ગાયે જા ગીત મિલન કે

ગીત ગાતા હૂં મૈં…

ગીત ગાતા ચલ ઓ સાથી મુસ્કુરાતા ચલ

તમને થશે કે આ શું…ગીત ગાવા પર લેખ છે કે આરોગ્ય પરનો?

પરંતુ વૈજ્ઞાનિકો કહે છે કે ગાવાથી તણાવ તો ઘટે જ છે પરંતુ સાથે પાર્કિન્સન્સ રોગનાં લક્ષણોમાં પણ રાહત મળે છે. ભારતમાં તો રાગ-રાગિણીના આરોગ્ય પર અસરનો મહિમા છે જ પરંતુ હવે પાશ્ચાત્ય વિજ્ઞાને આ વાત સ્વીકારી છે. સંગીત ચિકિત્સા (મ્યૂઝિકલ થેરાપી)ના લાભો દવા લેવાના લાભો જેવા જ છે. અમેરિકાની લૉવા સ્ટેટ યુનિવર્સટીના સંશોધકોએ એક ચિકિત્સા ગાયન જૂથમાં ૧૭ સહભાગીઓ પર હૃદયના ધબકારા, રક્તચાપ (બ્લડ પ્રૅશર) અને કૉર્ટિસૉલ સ્તર માપ્યાં હતાં.

સંશોધનમાં ગાયન પહેલાં સહભાગીઓ વિશે માહિતી ભેગી કરાઈ અને એક કલાક ગાયન સત્ર પછી તેમના વિશે માહિતી ભેગી કરાઈ. લૉવા સ્ટેટ યુનિવર્સિટીમાં સહાયક પ્રાધ્યાપક એલિઝાબેથ સ્ટેગમૉલરે કહ્યું કે “જ્યારે સહભાગીઓ ગાયન જૂથ છોડતા હતા ત્યારે દર સપ્તાહે અમે સુધારો જોયો. અમને જણાયું કે તેઓ ઊર્જાવાન અને જીવંત જણાતા હતા. અમને ખબર પડી કે તેઓ સારું અનુભવી રહ્યા હતા અને તેમનો મિજાજ ખૂબ સારો બન્યો હતો.”

“કેટલાંક લક્ષણો સુધરી રહ્યાં હતાં, જેમ કે આંગળીની હલનચલન અને ચાલવાની ઢબ; આ બધું દવાથી હંમેશાં સુધરે જ તેવું નથી, પંતુ ગાયન સાથે તેઓ સુધરી રહ્યા હતા.” તેમ સ્ટેગમૉલરે કહ્યું હતું.

પાર્કિન્સન્સ રોગ ઘણો સામાન્ય છે. આ રોગ મધ્યસ્થ ચેતા તંત્રનો દીર્ઘકાલીન ડીજનરેટિવ ડિસઑર્ડર છે જે વિશ્વભરના ૧ કરોડ લોકોને અસર કરે છે.

પાર્કિન્સન્સના રોગીઓમાં ગાયન કઈ રીતે હૃદયના ધબકારા, બ્લડ પ્રૅશર અને કૉર્ટિસૉલને અસર કરે છે તે વિશે આ પહેલો અભ્યાસ હતો. આ ત્રણેય સ્તરમાં ઘટાડો થયો પરંતુ સ્ટેગમૉલરના કહેવા પ્રમાણે, સત્ર પછી સુખ અથવા ગુસ્સામાં બહુ ઝાઝો તફાવત નહોતો. જોકે સહભાગીઓ ઓછા ચિંતાતુર અને ઉદાસ હતા. સહભાગીઓ સત્ર પહેલાં ઉદાસ અને ચિંતાતુર હતા.

સંશોધન ટીમના અગાઉના તથ્ય પર આધારિત હતું. આ તથ્ય એ હતું કે ગાયન શ્વસન નિયંત્રણ સુધારવા માટે અસરકારક સારવાર છે અને પાર્કિન્સન્સના રોગીઓમાં સોજા માટે જે સ્નાયુઓ વપરાય છે તેને પણ સુધારે છે.

સંશોધકોએ કહ્યું કે ચિકિત્સાયુક્ત ગાયનમાં પાર્કિન્સન્સના રોગીઓમાં હલનચલનનાં લક્ષણો સુધારવા, તણાવ ઘટાડવા અને જીવનની ગુણવત્તા સુધારવા માટેનો એક સુલભ અને પોસાય તેવો સારવારનો વિકલ્પ પૂરો પાડવાની ક્ષમતા રહેલી છે.

સરળ ભાષામાં કહીએ તો, ગાયનથી પાર્કિન્સન્સના રોગીઓને લાભ થાય છે તે વાત ચોક્કસ છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]