એસિટામિનોફેન લિવરને ગંભીર નુકસાન કરી શકે

“બેટા, મને માથું દુઃખે છે.”

“મમ્મી, ચાલો, ડૉક્ટરને બતાવી આવીએ.”

“ના, ના, ડૉક્ટરને બતાવવામાં સમય જાય, તેની કરતા લાવ, પેરાસિટામોલ લઈ લઉં.”

આવો જ સંવાદ પગના દુઃખાવાની બાબતમાં સાંભળવા મળતો હોય છે. અત્યારે સમય બહુ ઝડપી વિતે છે. લોકોને હવે ધીરજ રહી નથી. બીજી તરફ, દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. તેથી ડૉક્ટરો ગમે તેટલા હોય, બધાનાં દવાખાનાં દર્દીઓથી ઉભરાતાં હોય છે. આથી સ્વાભાવિક છે કે ઘણા લોકોને મોડો વારો આવે. અને દવાખાનામાં માથું દુઃખતું હોય કે પગ દુઃખતા હોય ત્યારે બેસવું કઠિન હોય છે કારણકે દવાખાનામાં ક્યારેક બાળકો પણ આવતાં હોય. તેમના રોવાનો અવાજ આવી સ્થિતિમાં સહન ન થાય. તો બાળકો ન હોય તો, મોટા લોકો વાતો કરતા હોય તે પણ સહન ન થાય.

કેટલાક લોકો એવું માનતા હોય છે કે ડૉક્ટરને બતાવવા જઈશું તો પણ તેઓ આ જ પેઇનકિલર દવા આપવાના છે. તેની કરતાં આપણે જાતે જ ન લઈ લઈએ. અને જો મેડિકલ સ્ટૉરવાળો પ્રિસ્ક્રિપ્શનનનો આગ્રહ ન રાખનારો હોય તો તે દર્દીને એમ ને એમ જ દવા આપી દે છે. પરિણામે દર્દી જાતે આવી પેઇન કિલર લઈ લેતા હોય છે.

જોકે આ દર્દશામક દવા તાત્કાલિક રાહત ભલે આપતી હોય, પરંતુ લાંબા ગાળે તેની ખરાબ અસર પડતી હોય છે. સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીમાં થયેલા એક સંશોધને આ વાતની ફરી પુષ્ટિ કરી છે. તેના સંશોધન મુજબ, એસિટામિનોફેન જે સામાન્ય દર્દશામક દવા તરીકે જાણીતી છે તે યકૃતની ગંભીર નિષ્ફળતા એટલે સાદી ભાષામાં કહીએ તો યકૃત કામ કરતું બંધ કરી શકે છે. લિવરમાં જઈને આ દવા એક નવા સંયોજનમાં ફેરવાઈ જાય છે. તે એમિનો એસિડમાં પ્રૉટિન સાથે બંધ કરીને સિસ્ટીન બનાવે છે. આ સહસંયોજન બનવાની ઘટનાઓ થકી એસિટામિનોફેન ઝેરમાં ફેરવાય છે.

સંશોધનની વાત જાણતા પહેલાં એસિટામિનોફેન શું છે તે જાણીએ. એસિટામિનોફેન, ટાઇલેનૉલ, એસ્પિરિન ફ્રી એનાસિન, એક્સેડ્રિન અને શરદીની અનેક દવાઓમાં રહેલું તત્ત્વ છે. તે દર્દશામક છે અને તાવ ઉતારનાર છે. કેટલીક દવાઓમાં એસિટામિનોફેન અન્ય ઘટકો સાથે રહેલું હોય છે.

નિષ્ણાત તબીબો મુજબ, પુખ્ત અને તરુણ વયના લોકો, જેમનું વજન ૧૧૦ પાઉન્ડ કે તેથી વધુ હોય તેમણે એક સમયે, ૧૦૦૦ મિલીગ્રામથી વધુ ન લેવું જોઈએ અથવા ૨૪ કલાકમાં ૪૦૦૦ મિલીગ્રામથી વધુ ન લેવું જોઈએ.

લિવરમાં કોષનું ઊર્જા પૂરી પાડનાર તત્ત્વ હોય છે જેનું નામ છે મિટોચૉંડ્રિયા. ઉપરોક્ત સિસ્ટીન આ મિટોચૉંડ્રિયાનું કામકાજ બંધ કરી દે છે. સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીના સંશોધકોએ લિવરમાં પ્રૉટિનને આ સંયોજન કઈ રીતે અસર કરે છે તે શોધી કાઢ્યું છે. તેમણે સિસ્ટિનના અવશેષો પર સુધારા કરીને બનાવાયેલ ગ્લુટાથાયોનાઇલેશનની તપાસ કરી, જેથી એસિટામિનોફેનની ઝેરની અસર જાણવા મળી શકે. તેમણે ગ્લુટાથાયોનાઇલેશન પ્રૉટિનને એકલા પાડવા અને તેને ઓળખવા માટે નવો અભિગમ અપનાવ્યો. પછી એસિટામિનોફેન દ્વારા તેને કોષમાં લગાડ્યું.સંશોધકોને એમ પણ જણાયું કે એસિટામિનોફેનથી છૂટું પડતું તત્ત્વ ગ્લુટાથાયોનાઇલેશન બનાવે છે. આનાથી આ દવા દ્વારા જે આડઅસર થાય છે તેના માટે નવી રીત જાણવા મળી. સામાન્ય રીતે ગુલ્ટાથાયોન સિસ્ટીનના અવશેષોમાં ઉમેરવામાં આવે છે જેથી તણાવભરી સ્થિતિ હેઠળ ઑક્સિજનના નુકસાનથી તેમને બચાવી શકાય. આ સુધારાથી મિટોચૉન્ડ્રિયલમાં સામેલ પ્રૉટિનને અસર થાય છે અને સરવાળે પાચનની ક્રિયાને નુકસાન થાય છે. આ સંશોધનથી એ વાત સમજાય છે કે જો આ દવા મોટા પ્રમાણમાં લેવાતી હોય તો તેનાથી કેટલી ખરાબ અસર થઈ શકે છે. તેનાથી ઉત્સેચકો વિકલાંગ થઈ જાય છે. આ શોધ મૉલેક્યુલર એન્ડ સેલ્યુલર પ્રૉટિયોમિક્સમાં પ્રસિદ્ધ થઈ હતી.આ અગાઉ અમેરિકાના એફ.ડી.એ. (ફૂડ એન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન)એ ભલામણ કરી હતી કે એસિટામિનોફેનને કેટલીક મર્યાદામાં લેવું જોઈએ. આ મર્યાદામાં પેઇનકિલર જેવી કે પર્કોકેટ અને વાઇકોડિનને બજારમાંથી હટાવી દેવાની વાત છે. આનું કારણ એ છે કે વધુ પડતી એસિટામિનોફેન લેવાથી યકૃતને નુકસાન થવાનું જોખમ રહેલું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]