ડિજિટલ સ્ટેથોસ્કોપ જે દૂર થી જ દર્દીના ધબકારાને રેકોર્ડ કરી લે!

કોરોના દર્દીની પ્રાથમિક તપાસમાં ફેફસાના ધબકારા સાંભળીને નિદાન કરવું એ પણ અગત્યનું છે. તે માટે ડોકટરોએ રોગીની નજીક જઈને સ્ટેથોસ્કોપ વડે ધબકારા માપવા પડે છે. એટલે આ સંક્રમણનો ભય ડોકટરને પણ રહેલો છે. પરંતુ આ સમસ્યાનો ઉકેલ આઇઆઇટી બોમ્બે ની ટીમે ડિજિટલ સ્ટેથોસ્કોપ બનાવીને કરી લીધો છે!

કોરોના વાયરસ માણસના મોંઢા કે નાક વાટે ગળાથી થઈને ફેફસાં સુધી પહોંચી જાય તો રોગીની હાલત કથળતી જાય છે. કેમ કે, આ વાયરસ ફેફસાં પર ત્રાટકે ત્યારબાદ રોગીને શ્વાસ લેવામાં ઘણો અવરોધ આવે છે. આ બીમારીનું પ્રાથમિક સ્તરે ઝડપી નિદાન થાય તો રોગીને બચાવવો સહેલું થઈ જાય. કોરોનાથી સંક્રમિત દર્દીમાં આ રોગ જેમ જેમ વકરતો જાય તેમ તેમ તેના ધબકારાના અવાજમાં ફરક આવતો જાય છે. અવાજમાં કર્કશતા અને ઘરઘરાટી ઉમેરાતા જાય છે.

કોરોના દર્દીની પ્રાથમિક તપાસમાં ફેફસાના ધબકારા સાંભળીને નિદાન કરવા માટે સ્ટેથોસ્કોપ વડે તપાસ કરવામાં ડોક્ટરોએ દર્દીના ધબકારા સાંભળવામાં બહુ જ ધ્યાન આપવું પડે છે. તેમાં પણ જો આજુબાજુ અવાજ વધુ આવતો હોય તો ડૉક્ટરને તપાસ કરવામાં વધુ તકલીફ પડે છે.

આઇઆઇટી બોમ્બેની ટીમે ડિજિટલ સ્ટેથોસ્કોપ બનાવ્યું છે. જેને નામ આપ્યું છે આયુસિન્ક (AyuSink). આ સ્ટેથોસ્કોપ રિમોટથી ચાલે છે અને દૂરથી જ દર્દીના ધબકારાને રેકોર્ડ કરી લે છે.

આ ઉપકરણ બનાવનાર ટીમના એક સભ્યે માહિતી આપતા જણાવ્યું કે, ‘દર્દીના ધબકારાને માપવા માટે હવે ડોક્ટરે એમની નજીક જઈને તપાસ નહીં કરવી પડે. ડિજિટલ ઉપકરણ મારફતે ધબકારાની ગતિ સંબંધી ડેટા-માહિતી બ્લુટુથ દ્વારા ડોક્ટર સુધી પહોંચી જાય છે. તેમજ આ ડેટાને વધુ તપાસ માટે અન્ય ડોક્ટર પાસે પણ મોકલી શકાય છે. આ સ્ટેથોસ્કોપમાં કાનમાં લગાડવામાં આવતા બે ઉપકરણ એક ટ્યુબ સાથે જોડાયેલા છે. આ ટ્યુબ આજુબાજુના અવાજોને કાઢી નાખીને ફક્ત શરીરના ધબકારાને જ ડિવાઇસ સુધી મોકલે છે. માપેલા ધબકારાના અવાજ આ ઉપકરણ સંઘરે છે. જેથી આ હેલ્થ રેકોર્ડ વધુ તપાસ માટે મોકલી શકાય.’

આયુસિન્ક ઉપકરણ બનાવનાર આદર્શ કે. કહે છે, ‘આ ડિજિટલ ઉપકરણનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વિવિધ અવાજોમાંથી માત્ર માનવ ધબકારાની છણાવટ કરી લઈને તેને ઇલેક્ટ્રોનીક સંકેતોમાં બદલી નાખે છે. આ સંકેત સ્માર્ટફોન અથવા લેપટોપ પર ફોનોકાર્ડિયોગ્રામ એટલે કે ધબકારા દેખાડનાર ચાર્ટના રૂપમાં દેખાય છે.’

આઈઆઈટી ટીમે આ ઉપકરણ માટે પેટન્ટ પણ મેળવી લીધા છે.

સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ Ayu devices નામે સ્ટાર્ટ-અપ ચલાવનાર આઈઆઈટીની ટીમે દેશની વિભિન્ન હોસ્પિટલોમાં આવા એક હજાર જેટલાં ડિજિટલ સ્ટેથોસ્કોપ મોકલી આપ્યા છે. આ ડિજિટલ સ્ટેથોસ્કોપ ‘આયુસિન્ક’ ‘આયુ ડિવાઇસિસ’ દ્વારા અન્ય મેડિકલ સંસ્થા ‘બાયો-મેડિકલ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી ઈન્ક્યુબેશન સેન્ટર (BETIC)ના સહયોગથી બનાવવામાં આવ્યું છે.

BETICના સીઈઓ રૂપેશ ઘ્યાર જણાવે છે કે, ‘આ ડિજિટલ ઉપકરણનો ઉપયોગ ડોક્ટર સિવાયના અન્ય કોઈપણ હેલ્થકેર પ્રોફેશનલ પ્રોટેક્ટિવ સુટ પહેરીને કરી શકશે. આ ડિજિટલ ઉપકરણ દ્વારા દર્દીના ફેફસાનો અવાજ રેકોર્ડ કરીને આ રેકોર્ડ અનુભવી ડોક્ટર સુધી પહોંચાડી શકાય છે. આ રીતે ડૉક્ટરોનો વર્કલોડ પણ ઓછો થઇ શકશે. સાથે સાથે અસંખ્ય દર્દીઓના ઇન્ફેકશનની તપાસ તેમજ દેખરેખ પણ એકસાથે થઈ શકે છે. જેથી કોવિડને કાબૂમાં રાખવો સહેલો થઇ શકશે!’