વિશ્વરૂપ 2: ધૈર્યની કસોટી કરતી, દિશાવિહોણી સિક્વલ…

ફિલ્મઃ વિશ્વરૂપ 2

કલાકારોઃ કમલ હસન, રાહુલ બોઝ, પૂજા કુમાર, વહિદા રેહમાન

ડાયરેક્ટરઃ કમલ હસન

અવધિઃ બે કલાક ૪૫ મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★

કમલ હસન અભિનિત-નિર્મિત-દિગ્દર્શિત તમિળ ફિલ્મ ‘વિશ્વરૂપમ 2’ રિલીઝ થઈ તે સાથે એચલે કે આ અઠવાડિયે ૧૦ તમિળ ફિલ્મો રિલીઝ થઈ છે. બીજી બાજુ હિંદી ‘વિશ્વરૂપ 2’ને ખાસ કોઈ કમ્પિટિશન નથી. હિંદીમાં એની સ્પર્ધા ‘લષ્ટમપષ્ટમ’ નામની ઓછી જાણીતી ફિલ્મ સાથે છે, જ્યારે હોલિવૂડની ‘ધ મેગ’ તથા ‘સ્પાય હુ ડમ્પ્ડ મી’ રિલીઝ થઈ છે. ખેર. 2013માં પહેલી ‘વિશ્વરૂપમ’ આવેલી જે જાતજાતના વિવાદમાં સપડાયેલી. ખાસ તો ટેરરિસ્ટ ઓર્ગેનાઈઝેશન અલ કાયદા જે રીતે ટ્રેનિંગ આપે છે એની કડીબદ્ધ માહિતીવાળા સીન.

પહેલી ‘વિશ્વરૂપમ’ સર્જાઈ રહી હતી તે વખતે જ સિક્વલ અથવા બીજા ભાગનું ખાસ્સું શૂટ થઈ ગયેલું. આવે લીધે ‘વિશ્વરૂપમ 2’માં અનેક સીન એવા છે જે અદનો પ્રેક્ષક પણ તરત કહી આપે કે આ તો પાંચ વર્ષ પહેલાં શૂટ કરીને અત્યારે ચોંટાડવામાં આવ્યો છે.

વળી, બીજો ભાગ તરત જ રિલીઝ થવાનો હતો, પણ તે પછી કમલ હસન પોતે જાતજાતના વિવાદમાં સપડાયા, પોલિટિક્સમાં આવ્યા ને એવું બધું. પરિણામે પાંચ વર્ષ પછી બીજો ભાગ આવ્યો અને એ જ ફિલ્મ માટે નેગેટિવ સાબિત થયો. કેમ કે, આટલા લાંબા ગાળા સુધી વાર્તા, પાત્રો કોને યાદ હોય? જો કે ‘ઈન્ક્રિડિબલ 2’ 14 વર્ષ પછી આવી છતાં હિટ થયેલી કેમ કે પહેલી ફિલ્મ, વાર્તા, પાત્રો મગજમાં જડબેસલાક બેસી ગયેલાં. ‘વિશ્વરૂપમ’ એવી કોઈ યાદગાર ફિલ્મ નહોતી, કે પ્રેક્ષકો પાંચ વર્ષ એને યાદ રાખે.

ઓક્કે, ‘વિશ્વરૂપ 2’ તમને તો જ સમજાશે જો તમે ‘વિશ્વરૂપ વન’ જોઈ હશે. જો કે મારા જેવાને (જેણે પહેલો ભાગ જોયેલો) એને પણ સમજવામાં દિમાગનું દહીં થઈ ગયું. વાર્તા ટૂંકમાં જોઈએ તો, પહેલી ફિલ્મમાં બતાવવા મુજજબ, એક કપરી કામગીરી પાર પાડ્યા બાદ સરકારનો સ્લીપર સેલ એજન્ટ વિસામ (કમલ હસન) પોતાના ગુરુ જગન્નાથ (શેખર કપૂર), આર્મીમાં નવીસવી ભરતી થયેલી અશ્મિતા (એન્ડ્રિયા જેર્મિયા) અને પત્ની ડૉ. નિરૂપમા (પૂજા કુમાર) સાથે રિલેક્સ થવા યુકે જાય છે. જો કે ત્રાસવાદીઓ ઉમર (રાહુલ બોઝ) તથા એનો સાથી સલીમ (જયદીપ અહલાવત) સતત એમનો પિછો કર્યા કરે છે, એમની પર અવારનવાર અટેક્સ થતા રહે છે, જેની પાછળ ત્રાસવાદનું બહુ મોટું કાવતરું છુપાયેલું છે… તો શું વિસામ અને એની ટીમ દુનિયાને ટેરરિસ્ટોથી બચાવી શકશે?

ફિલ્મનો ઈન્ટરવલ સુધીનો ડ્રામા યુકેમાં આકાર લે છે ને એમાં કેટલાક એવા સીન્સ છે, જે સીટ સાથે જકડી રાખે છે, પણ એ પછી ફિલ્મ અચાનક દિલ્હીમાં આકાર લેવા માંડે છે ને પછી એક પછી જાતજાતના પ્રસંગ બનતા રહે છે, જેની સાથે તાલ મિલાવવાનું પ્રેક્ષક માટે અઘરું થઈ પડે છે. આ ઍક્શન થ્રિલરમાં મને ગમી ગયેલો સીન ઍક્શનનો નહીં, પણ વિસામ અને એની અલ્ઝાઈમરથી પીડાતી મા (વહિદા રેહમાન) સાથેનો છે. બાકી 63 વર્ષી કમલ હસન જૅકી ચેન બનવાની ટ્રાય કરે એ જરા વધારે પડતું લાગે.

ફિલ્મમાં સ્પેશિયલ ઈફેક્ટ્સના શૉટ્સ બહુ બાલિશ લાગે છે. સ્ટુડિયોમાં શૂટિંગ કરીને એને લંડન બતાવવાની કોશિશ કરવામાં આવી છે એ તો ખરેખર વિચિત્ર લાગે છે. શૂટિંગ માટે લંડન જવા પૈસા ખૂટી પડ્યા હશે?

અંતે એટલું જ કહેવાનું કે જો તમે કમલ હસનના બિગ ફૅન હો, આંટીઘૂંટીવાળી, ચકરાવે ચડાવતી સ્પાય થ્રિલર ગમતી હોય ને પહેલી (વિશ્વરૂપમ) ફિલ્મની ખૂટતી કડી જોડવામાં રસ હોય તો જ ‘વિશ્વરૂપ 2’ જોવા જજો.

(જુઓ ‘વિશ્વરૂપ 2’નું ટ્રેલર)

httpss://youtu.be/YFMotSEeU18

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]