સુઈ ધાગા – મેડ ઈન ઈન્ડિયાઃ પરફેક્ટ ફિટિંગ નથી, છતાં…

ફિલ્મઃ સુઈ ધાગાઃ મેડ ઈન ઈન્ડિયા

કલાકારોઃ વરુણ ધવન, અનુષ્કા શર્મા

ડાયરેક્ટરઃ શરદ કટારિયા

અવધિઃ આશરે બે કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★1/2

ત્રણેક વર્ષ પહેલાં શરદ કટારિયાએ ‘યશરાજ’ માટે એક મજેદાર ફિલ્મ બનાવેલીઃ ‘દમ લગાકે હઈશા’ (આયુષ્માન ખુરાના-ભૂમિ પેડણેકર અને કેટલાક સક્ષમ કૅરેક્ટર આર્ટિસ્ટ્સ). હવે એ ‘સુઈ ધાગાઃ મેડ ઈન ઈન્ડિયા’ લઈને હાજર થયા છે, જે વડા પ્રધાનની ‘મેક ઈન ઈન્ડિયા’ની પહેલનો પ્રચાર કરતી ફિલ્મ છે. જો કે આમાં ખોટું કંઈ નથી. ઘરે ઘરે, મહોલ્લે મહોલ્લે આ સંદેશ પહોંચે, એમાંથી કોઈ પ્રેરણા મેળવી આત્મનિર્ભર બને તો વૉટ ઈઝ રૉંગ ઈન ઈટ? હેં? આપણે તો ફિલ્મ એન્ટરટેનિંગ છે કે નહીં એ જોવાનું.

તો ભઈ, વેફરપાતળા પ્લૉટ પરથી બનેલી ‘સુઈ ધાગા’…માં વાર્તા જેવું ખાસ કંઈ નથીઃ મમતા (અનુષ્કા શર્મા) અને મૌજી (વરુણ ધવન) દિલ્હી નજીક ગાઝિયાબાદમાં નીચલા મધ્યમવર્ગનાં દંપતી છે. મૌજી કુશળ દરજી છે, પણ આજકાલ કપડાં કોણ સીવડાવે છે એટલે એ સીવવાનાં મશીન વેચતી દુકાનમાં નોકરી કરે છે. મમતા ગૃહિણી છે. મૌજીનાં પિતા (રઘુવીર યાદવ) જસ્ટ નિવૃત્ત થયા છે. મહિને સાતેક હજારના પગારવાળી નોકરીમાં ટકી રહેવા મૌજી જાહેરમાં હાસ્યાસ્પદ બનવા પણ તૈયાર છે એ વાત મમતાને ખટકે છે. એનું કહે છેઃ “તમારી પાસે દરજીકામનો આટલો સરસ હુન્નર છે તો આપણી પોતાની ટેલરની દુકાન કરીએ, પોતાનો બિઝનેસ કરીએ.” અને શરૂ થાય છે આત્મનિર્ભર બનવાનો સંઘર્ષ.

બે લીટીની વાર્તા પરથી બનેલી બે કલાકની ફિલ્મની ગતિ ધીરજની કસોટી કરે એવી છે. ઈન્ટરવલ સુધી તો શહેરની પાદરે વસતા એક લોઅર મિડલ ક્લાસનું રોજિંદું જીવન જ બતાવવામાં આવ્યું છે. નાટકીયવેડા પણ વધારે છે. આમ છતાં આત્મગૌરવ અને આત્મનિર્ભરતાની વાર્તા કહેવામાં સર્જકના આશય વિશે કોઈ બેમત નથી. પાત્રોને અનુરૂપ બને એટલી સચ્ચાઈની નજીક રહેવાનો અભિગમ (ઍક્ચ્યુઅલ લોકાલ્સ પર શૂટિંગ), વરુણ-અનુષ્કા તથા સાથીકલાકારો (જેમ કે વરુણનાં માતાપિતાની ભૂમિકામાં રઘુવીર યાદવ-આભા પરમાર)ના અભિનય જેવાં પાસાં એને જોવાલાયક બનાવે છે.

ફિલ્મ વિશેની એક ઔર ગમતી વાત એટલે હંમેશાં ‘મોજમાં રહો ને નાની નાની ખુશી માણો’વાળો સર્જકનો અભિગમ. જેમ કે ચા સાથે બિસ્કિટ મળી જાય તો મૌજી ખુશ છે, પિતા માટે પાન ખરીદવા પૈસાનો બંદોબસ્ત થઈ જાય તો એ ખુશ છે, શેઠ પોતાના દીકરાનાં લગ્નમાં સપરિવાર આવવાનું કહે તો એ મૌજી માટે જીવનની મોટી ઘટના છે, પત્ની પોતાને માટે ડબ્બો લાવે ને સાથે જમવા બેસે એ તો જાણે કરોડની લોટરી લાગ્યા જેવું છે, વગેરે.

-અને જાતમાં યકીન રાખવાવાળી વાત. જો કે, આમ જોવા જઈએ તો ‘યશરાજ’ની કંઈકેટલીયે અંડરડૉગના વિષયવાળી ફિલ્મની પરંપરા જાળવી રાખે છે સુઈ ધાગા. અંડરડૉગ એટલે જેની કલ્પના પણ કરી ન હોય એ અચાનક જીતી જાય અથવા સ્પર્ધામાં પહેલો નંબર લાવે. ‘ચક દે ઈન્ડિયા’ યાદ છે? આ જ પરંપરામાં આગળ વધતાં, ‘રબને બના દી જોડી’માં શાહરુખ-અનુષ્કા ડાન્સ કમ્પિટિશન જીતી જાય છે, ‘બૅન્ડ બાજા બારાત’માં રણવીરસિંહ-અનુષ્કા નોકરી છોડી પોતે વેડિંગ-પ્લાનર બનીને સફળતાપૂર્વક મોટાં લગ્નનાં આયોજન કરે છે, ‘હીચકી’માં રાની મુખર્જી હેડકીની સમસ્યા પર વિજય મેળવી સક્સેસફુલ શિક્ષિકા બને છે, ઈન ફૅક્ટ, શરદ કટારિયાની જ ‘દમ લગાકે હઈશા’માં પતિ-પત્ની મોટી સ્પર્ધા જીતી જાય છે.

અંતે એટલું જ કહેવાનું કે શરદ કટારિયાનો ઈરાદો નેક છે, પણ ક્યાંક થોડું આડું વેતરાઈ ગયું છે.

(જુઓ ‘સુઈ ધાગાઃ મેડ ઈન ઈન્ડિયા’નું ટ્રેલર)

httpss://youtu.be/VUe3p23AJMo

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]