સૂરમાઃ ગો…ઓઓઓઓલ!

ફિલ્મઃ સૂરમા

કલાકારોઃ દિલજિત દોસાંજ, તાપસી પન્નૂ, અંગદ બેદી, વિજય રાઝ

ડાયરેક્ટરઃ શાદ અલી

અવધિઃ બે કલાક અગિયાર મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★1/2

લેખક-દિગ્દર્શક કેતન મહેતાએ બે સ-રસ જીવનચરિત્ર રૂપેરી પરદા પર રજૂ કર્યાં છેઃ મહાનની કક્ષામાં આવતા ચિત્રકાર રાજા રવિ વર્મા(‘રંગરસિયા’)નું અને બાવીસ-બાવીસ વર્ષ સુધી હથોડી-છીણીથી પહાડ કોતરી કેડી કંડારનારા બિહારના દશરથ માંઝી (‘માંઝીઃ ધ માઉન્ટન મૅન’)નું. એમ તો કેતનભાઈએ સરદાર વલ્લભભાઈ પટેલ અને મંગલ પાંડેને પણ રજૂ કર્યાં, કિંતુ રાજા રવિ વર્મા-માંઝી વિશે, ફિલ્મ આવી એ પહેલાં, બહુ ઓછા લોકો બદ્ધેબદ્ધું જાણતા હતા.

હવે ડિરેક્ટર શાદ અલી ભારતીય ટીમના સૌથી સક્સેસફુલ હૉકી કૅપ્ટન સંદીપસિંહની ઓછી જાણીતી સફળતાકથા લઈને આવ્યા છે, જેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે. સંદીપસિંહનું જીવન પ્રેરણાદાયી છે. હરિયાણાના હૉકી કેપિટલ તરીકે ઓળખાતા સાહબાદ જન્મેલા સંદીપસિંહ (દિલજિત દોસાંજ)ને અમુક કારણસર બાળપણથી જ હૉકી પ્રત્યે અણગમો આવી ગયેલો. એના મોટા ભાઈ, ફિલ્ડ હૉકી પ્લેયર વિક્રમજિતસિંહ (અંગદ બેદી) કોઈ રીતે સંદીપસિંહને હૉકી તરફ વાળી નેશનલ ટીમ સુધી પહોંચાડે છે. સંદીપસિંહ બાહોશ ડ્રૅગ-ફ્લિકર તરીકે પંકાઈ જાય છે. ઑગસ્ટ 2006માં સંદીપસિંહ એક વિચિત્ર કહેવાય એવા અકસ્માતમાં પેરેલાઈઝડ થઈ જાય છે. આમ છતાં એ વ્હીલચેરમાંથી બેઠા થઈ 2009માં હૉકીના મેદાન પર દમદાર પુનઃ પ્રવેશ કરે છે. આ કેવી રીતે શક્ય બને છે એ સમજવા ફિલ્મ જોવી પડે.

બોલિવૂડમાં પંદર વર્ષથી વધુ સક્રિય શાદ અલીને સફળતા હજી હાથ લાગી નથી. ‘સાથિયા’થી લઈને ‘બંટી ઔર બબલી,’ ‘ઝૂમ બરાબર ઝૂમ’, ‘કિલ દિલ’, ‘ઓકે જાનૂ’ બાદ હવે એ સ્પોર્ટ્સ બાયોપિક લઈને આવ્યા છે. જો કે ‘હૉકી’ શબ્દ કાને પડતાં જ શાહરુખ ખાનની ‘ચક દે ઈન્ડિયા’ યાદ આવે. શીમિત અમીન દિગ્દર્શિત ‘ચક દે ઈન્ડિયા’ રિલીઝ થઈ ત્યારે (ઑગસ્ટ 2007) સંદીપસિંહ વ્હીલચેરમાંથી બેઠા થવાનો સંઘર્ષ કરી રહ્યા હતા.

ઓકે, ‘સૂરમા’ પ્રેરણાદાયી છે, પણ સાથે સાથે ધીમી ને ભારેખમ (ઈન્ટરવલ પછી) છે. સંદીપસિંહની પ્રેમિકા હરપ્રીત કૌર (તાપસી પન્નૂ) સાથેની વાર્તા (એમનો લવ એન્ગલ) ખાસ્સો સમય લઈ લે છે. અલી અબ્બાસ જફરની ‘સુલતાન’માં પણ આવો લવ એન્ગલ તથા સુલતાન (સલમાનખાન)ની કારકિર્દીમાં એના (અનુષ્કા શર્માના) પ્રદાન પર કૅમેરા ફોકસ કરવામાં આવ્યો છે. જ્યારે બે ભાઈઓ (વિક્રમજિત-સંદીપસિંહ)નું બોન્ડિંગ જોતાં ‘જો જિતા વોહી સિકંદર’ યાદ આવી જાય છે એ જસ્ટ. એમાં મોટો ભાઈ (મામિક) સાઈકલ-રેસમાં ભાગ નથી લઈ શકતો એટલે સાઈકલિંગમાં જરાયે રસ ન ધરાવતો, બેફિકરો નાનો ભાઈ (આમીર ખાન) એકાએક તૈયારી કરીને રેસ જીતી લે છે.

નાની-મોટી ખામી બાવજૂદ ‘સૂરમા’ જોવાલાયક બની છે દિલજિત દોસાંજ-વિજય રાઝ-અંગદ બેદી જેવા કલાકારોને લીધે. પ્રતિભાશાળી ઍક્ટ્રેસ તાપસી પન્નૂ માટે અહીં ઝાઝો સ્કોપ નથી. હૉકી ફૅડરેશનના ચૅરમૅન તરીકે કુલભૂષણ ખરબંદા, સંદીપસિંહના પિતાની ભૂમિકામાં સતીશ કૌશિક જેવા કલાકારો પણ સ-રસ. અર્જુન એવૉર્ડથી સમ્માનિત એવા દેશના અવ્વલ દરજ્જાના હૉકીખેલાડીનાં માનવીય પાસાં વિશે, એમના એમના સંઘર્ષ વિશે જાણવું હોય તો ‘સૂરમા’ અવશ્ય જોવી.

(જુઓ ‘સૂરમા’નું ટ્રેલર)

httpss://youtu.be/c7MwlTFQBEQ

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]